<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ધરતી પરના સ્વર્ગની સળગતી દાસ્તાન ઍટલે પુસ્તક ‘કાશ્મીરનું અગ્નિસ્નાન

૧૯૪૭-૪૮ માં ભારત-પાક. યુધ્‍ધ ભારતીય સૈનિકોએ દાખવેલા પરાક્રમોથી બેજોડ બનેલ કાશ્‍મીરની ઐતિહાસિક વાસ્‍તવિકતાનું દસ્‍તાવેજીકરણ : ગુજરાતી સાહિત્‍યના ખ્‍યાતનામ અને સશક્‍ત કલમકાર સ્‍વ. વિજયગુપ્ત મૌર્ય લિખિત અને લોકપ્રિય વિજ્ઞાન મેગેઝીન ‘સફારી'ના તંત્રી નગેન્‍દ્ર વિજય દ્વારા સંપાદિત પુસ્‍તક 'કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' (સંવર્ધિત આવૃત્તિ) કાશ્‍મીરની એ જ લોહીલુહાણ છતાં શૌર્યપૂર્ણ દાસ્‍તાનને વાચકો સમક્ષ રજૂ કરે છે. * વિજયગુપ્ત મૌર્ય દ્વારા લિખિત અને નગેન્‍દ્ર વિજય દ્વારા સંપાદિત ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ૧૯૪૭-૪૮ના યુધ્‍ધની સિલસિલાબંધ ઘટનાઓને પહેલી જ વાર રોમાંચક કથાના સ્‍વરૂપે પ્રકાશમાં લાવે છે. ઉત્‍સુકતા, તણાવ, રહસ્‍ય, ઉત્તેજના વગેરેનો પાશ ધરાવતી કથા જબરી પકડ જમાવે છે. પુસ્‍તકનાં ઘણાં પ્રકરણો રોમે રોમ ખડાં કરી દે તેવાં છે તો અમુક રડાવી મૂકે તેવાં પણ છે. *નવા આવેલા પુસ્‍તકમાં એ વખતે નહોતા સમાવી શકાયાં એવા ફોટા, નકશા અને શષોનો પરિચય આપતાં અદભૂત ડાયાગ્રામ સામેલ થયાં છે. *૨૧ પ્રકરણ અને ૧૬૦ પાનામાં ફેલાયેલા પુસ્‍તક ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન' કાશ્‍મીરને માત્ર સમાચારની હેડલાઇન તરીકે નહીં પરંતુ તેના ઇતિહાસ, સંઘર્ષ અને માનવ પીડાને સમજવા ઇચ્‍છતા દરેક વાચક માટે એક મહત્‍વપૂર્ણ પુસ્‍તક સાબિત થાય છે.

 

પાકિસ્‍તાન સામે આપણે ૧૯૪૭-૪૮નું અને તે પછી ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ તથા ૨૦૨૫નું ‘ઓપરેશન સિંદૂર' એમ પાંચ યુધ્‍ધો લડવાનાં થયાં જે તેણે આપણા પર ઠોકી બેસાડયાં હતાં. જે તે સમયના વિકટ સંજોગો જોતાં દરેક યુધ્‍ધ ભારતીય જવાનોના જોમ અને જુસ્‍સાને કસોટીએ ચડાવ્‍યા અને જવાનો તેમાં વિજયની લહેરાતી પતાકા સાથે પાર ઊતર્યા. યુધ્‍ધભૂમિને પોતાની યશભૂમિ બનાવી દીધી. દરેક યુધ્‍ધ આપણા ઇતિહાસનું અમીટ પ્રકરણ બન્‍યું. પાંચેય યુધ્‍ધોમાં જવાનો માભોમ માટે વીરતાપૂર્વક લડ્‍યા અને કેટલાક વિરોચિત મૃત્‍યુને ભેટ્‍યા. એટલે પાંચને તુલનાત્‍મક રીતે મૂલવવાનું ખરું જોતાં તો યોગ્‍ય નહિ. આમ છતાં જેના વિશે ન્‍યૂનતમ લખાયું અને કહેવાયું એ ૧૯૪૭-૪૮ના યુધ્‍ધ માટે વિના સંકોચે કહી શકાય કે તેમાં આપણા શૂરા જવાનોએ દાખવેલાં પરાક્રમોનો ભારતનાં તો ઠીક, જગતનાં તમામ યુધ્‍ધોમાં જોટો સાંપડે તેમ નથી. ૧૯૪૭-૪૮નું યુદ્ધ ભારતમાં લશ્‍કરી ઇતિહાસકારો સિવાય ખાસ જાણીતું નથી. ૧૯૭૧ અને પછી કારગીલ જંગને વ્‍યાપક પ્રસિદ્ધિ મળી છે. ૧૯૪૭ અને ૧૯૬૫નાં યુદ્ધ વિશે જાણકારી લખવાનું કામ એક ગુજરાતી લેખકે કર્યું હતું અને એમનું નામ છે વિજયગુપ્ત મૌર્ય. વિજયગુપ્ત મૌર્યે ૧૯૪૭ના યુદ્ધ વિશે લખેલું પુસ્‍તક એટલે ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' અને ૧૯૬૫ વિશે કરેલું દસ્‍તાવેજીકરણ એટલે ‘કચ્‍છથી કાશ્‍મીર સુધી લડી જાણ્‍યું જવાનોએ'. આ બંને દુર્લભ પુસ્‍તકો પૈકી ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ફરીથી ઉપલબ્‍ધ થયું છે. સમર્થ પિતાના સમર્થ પુત્ર નગેન્‍દ્ર વિજયે તેને સંપાદિત કર્યું છે. ૧૯૬૫માં પ્રગટ થયેલા અગ્નિસ્‍નાનની પ્રસ્‍તાવના તત્‍કાલીન સંરક્ષણમંત્રી યશવંતરાવ ચવાણે લખી હતી. એ પરથી તેનું મહત્ત્વ ખબર પડી આવે છે. વિજયગુપ્ત મૌર્ય દ્વારા લિખિત અને નગેન્‍દ્ર વિજય દ્વારા સંપાદિત ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ૧૯૪૭-૪૮ના યુધ્‍ધની સિલસિલાબંધ ઘટનાઓને પહેલી જ વાર રોમાંચક કથાના સ્‍વરૂપે પ્રકાશમાં લાવે છે. ઉત્‍સુકતા, તણાવ, રહસ્‍ય, ઉત્તેજના વગેરેનો પાશ ધરાવતી કથા જબરી પકડ જમાવે છે. પુસ્‍તકનાં ઘણાં પ્રકરણો રોમે રોમ ખડાં કરી દે તેવાં છે, તો અમુક રડાવી મૂકે તેવાં પણ છે.

 હવે નવા આવેલા પુસ્‍તકમાં એ વખતે નહોતા સમાવી શકાયાં એવા ફોટા, નકશા અને શસ્‍ત્રોનો પરિચય આપતાં ડાયાગ્રામ સામેલ થયાં છે. ૧૯૪૭નું યુદ્ધ વિશેની માહિતી બહુ ઓછી પ્રસરી છે. એટલે આજે જાણીને નવાઇ લાગે તો નવાઈ પામવા જેવું નથી કે જગતમાં સૌથી ઊંચાઈ પર ટેન્‍ક-યુદ્ધ ભારતીય સૈનિકોએ કર્યું હતું. પુંચના ૪૦ હજાર રહેવાસીઓને મહિનાઓ સુધી પાકિસ્‍તાની સૈનિકોએ ઘેરી રાખ્‍યા હતા. મીરપુરમાં પાકિસ્‍તાને ૧૮ હજાર હિન્‍દુ-શીખોની કતલ કરી હતી. પાકિસ્‍તાની અત્‍યાચારો, ભારતીય સૈન્‍યનાં પરાક્રમો, જનાબ ઝીણાની નિષ્‍ફળતા, મહારાજા હરિસિહને ઠાર મારવાના પ્રયાસો, રજાૈરીમાં થયેલો અત્‍યાચાર... ને એવું તો ઘણુંય કર્યું હતું. એ બધાનો દસ્‍તાવેજ એટલે ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'.

૨૧ પ્રકરણ અને ૧૬૦ પાનામાં ફેલાયેલા પુસ્‍તકમાં ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે થયેલ પોતાના યુદ્ધ વિશેના જ્ઞાનને આધારે વિજયગુપ્ત મૌર્યએ ૧૯૬૪માં ‘પ્રવાસી'માં ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' નામે લેખમાળા શરૂ કરી હતી. એ લેખમાળા પરથી ઓગસ્‍ટ, ૧૯૬૫ માં પુસ્‍તક છપાયું. ડિસેમ્‍બર, ૧૯૬૫ જ ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'ની બીજી આવત્તિ બહાર પાડવી પડી! બાદમાં મેં ૧૯૯૧માં તેની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ. શરૂઆત તેમણે કાશ્‍મીરના ઇતિહાસથી કરી છે. બીજા પ્રકરણથી વર્તમાન કાશ્‍મીર અને તેની સળગતી સમસ્‍યાની વાત શરૂ થાય છે. પુસ્‍તકમાં કોઈ વિદેશી યુદ્ધ નિષ્‍ણાતનો ઉલ્‍લેખ પણ હોય અને આપણા મેઘાણીની રચનાઓ પણ ખરી. કચ્‍છથી કાશ્‍મીર સુધી લડી જાણ્‍યું જવાનોએ ૧૯૬૫માં ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' બહાર પડ્‍યું એ વખતે પાકિસ્‍તાને કાશ્‍મીરમાં ફરીથી સળી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્‍યારે એવા જ બીજા પુસ્‍તકની માગ થવા લાગી. એ વખતે વિજયગુપ્ત મૌર્યએ યશવંતરાવ ચૌહાણ પાસેથી યુદ્ધ અંગેની વિગતો અને તસવીરો મંગાવી. તેના આધારે ફરીથી એ જ ‘જન્‍મભૂમિ પ્રવાસી'ના છેલ્‍લા પાને ‘લડી જાણ્‍યું જવાનોએ' નામની લેખમાળા શરૂ થઈ. તેના આધારે સુધારા-વધારા અને જરૂરી માહિતીના ઉમેરા સાથે આ પુસ્‍તક તૈયાર થયું જેની સંવર્ધિત આવૃતિનું સંપાદન ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય વિજ્ઞાનલેખક, સંપાદક, પત્રકાર, પ્રકાશક અને વિજ્ઞાન પ્રચારકોમાંના એક એવા શ્રી નગેન્‍દ્ર વિજયજી દ્વારા કરાયુ છે.

 પુસ્‍તકના પહેલા પ્રકરણમાં જણાવાયું છે કે, ભારતના ભાગલા પહેલાં જ પાકિસ્‍તાને જમ્‍મુ-કાશ્‍મીર પર કબજો જમાવવાના ઇરાદાથી ‘ઓપરેશન ગુલમર્ગ' નામની ગુપ્ત લશ્‍કરી યોજના ઘડી હતી. આ યોજનામાં કબીલાઈ હુમલાખોરો અને પાકિસ્‍તાની સૈનિકોને ગુપ્ત રીતે કાશ્‍મીરમાં ઘુસાડી શ્રીનગર સહિતના વ્‍યૂહાત્‍મક વિસ્‍તારો પર કબજો મેળવવાનો હેતુ હતો. તે સમયના જમ્‍મુ-કાશ્‍મીરના મહારાજા હરિસિંહે પાકિસ્‍તાનના આક્રમણ સામે ભારતની મદદ માગી અને ૨૬ ઓક્‍ટોબર, ૧૯૪૭ના રોજ ભારત સાથે વિલયપત્ર પર હસ્‍તાક્ષર કર્યા. ત્‍યારબાદ ભારતીય સેનાએ ઝડપી કાર્યવાહી કરીને શ્રીનગરને સુરક્ષિત રાખ્‍યું અને હુમલાખોરોને પાછા હંકાર્યા. આ સમગ્ર ઘટનાક્રમ ભારત-પાકિસ્‍તાનના પ્રથમ યુદ્ધ (૧૯૪૭-૪૮)નું મુખ્‍ય કારણ બન્‍યો અને કાશ્‍મીર વિવાદના ઇતિહાસમાં ‘ઓપરેશન ગુલમર્ગ'ને એક મહત્‍વપૂર્ણ અધ્‍યાય માનવામાં આવે છે. રજૂ લેખમાળામાં ‘ઓપરેશન ગુલમર્ગ'ની યોજના, તેના ઐતિહાસિક પુરાવા, બ્રિટિશ અધિકારીઓની ભૂમિકા અને કાશ્‍મીર પરના પાકિસ્‍તાનના પૂર્વનિયોજિત ષડ્‍યંત્રનું દસ્‍તાવેજી વિશ્‍લેષણ રજૂ કરવામાં આવ્‍યું છે. નકશાઓ, હરિસિંહ બહાદુર દેશી રાજ્‍યના મહારાજા બન્‍યા એ વખતની તસવીર, શસ્‍ત્રો વેંચે છે તેની તસવીર સહિત અનેક તસવીરો અપાઇ છે.

પ્રકરણ બીજામાં લેખક દ્વારા ‘કાશ્‍મીરનો ગૌરવશાળી અને ગમખ્‍વાર ઇતિહાસ'નું વર્ણન કરાયું છે. અહિ કાશ્‍મીરના લગભગ પાંચ હજાર વર્ષ જૂના ઇતિહાસનું દસ્‍તાવેજી અને સંશોધનાત્‍મક વર્ણન રજૂ કરવામાં આવ્‍યું છે. કાશ્‍મીરના વૈદિક, હિંદુ અને બૌદ્ધ સાંસ્‍કૃતિક વારસાથી લઈને મધ્‍યયુગમાં થયેલા વિદેશી આક્રમણો, ધર્માંતરણ, મંદિરોના વિનાશ, કાશ્‍મીરી પંડિતો પર થયેલા અત્‍યાચાર અને સત્તા પરિવર્તન સુધીના પ્રસંગોને ઐતિહાસિક પુરાવાઓના આધારે રજૂ કરવામાં આવ્‍યા છે. પુસ્‍તકમાં કશ્‍યપ ઋષિ સાથે જોડાયેલી કાશ્‍મીરની ઉત્‍પત્તિ, રાજતરંગિણી જેવા પ્રાચીન ગ્રંથોના સંદર્ભો, લલિતાદિત્‍ય જેવા મહાન રાજાઓના શાસન, મુઘલ, અફઘાન અને શીખ શાસનકાળ તેમજ ડોગરા રાજવંશના ઉદય અને મહારાજા ગુલાબસિહ દ્વારા જમ્‍મુ-કાશ્‍મીર રાજ્‍યની સ્‍થાપના સુધીની ઐતિહાસિક સફરનું સરળ અને રસપ્રદ નિરૂપણ કરવામાં આવ્‍યું છે. કાશ્‍મીરની સાંસ્‍કૃતિક ઓળખ, રાજકીય પરિવર્તનો અને કાશ્‍મીરી હિદુ સમાજના સંઘર્ષને સમજવા ઇચ્‍છતા વાચકો માટે આ પુસ્‍તક એક માહિતીસભર અને વિચારપ્રેરક સંદર્ભગ્રંથ સાબિત થાય છે. એ વખતની કાશ્‍મીરની જાહોજલાલી, માર્તંડ હિન્‍દુ મંદિર, રણજિતસિંહનું સામ્રાજ્‍ય, મહારાજા ગુલાબસિંહ ડોગરા વિગેરે તસવીરો અહિ પ્રાણ પુરે છે.

પ્રકરણ ત્રણ ખુબજ અગત્‍યનું છે. કારણ આ પ્રકરણમાં  મહારાજા હરિસિંહ અને પંડિત નેહરુના અબોલાથી કાશ્‍મીરનો પ્રશ્ન ગૂંચવાયો તેનું વર્ણન કરાયું છે. ૧૯૪૭ના વિલીનીકરણ સમયે પાકિસ્‍તાનની નાકેબંધી, બ્રિટિશ નીતિઓ અને આંતરિક મતભેદોએ સર્જી હતી કટોકટી. ભારતની આઝાદી સમયે જમ્‍મુ-કાશ્‍મીરના જોડાણનો મુદ્દો અત્‍યંત જાટિલ બની રહ્યો હતો. ઐતિહાસિક તથ્‍યો મુજબ, કાશ્‍મીરના મહારાજા હરિસિહ અને તત્‍કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ વચ્‍ચેના અબોલા અને અવિશ્વાસને કારણે આ પ્રશ્ન વધુ વિકટ બન્‍યો હતો. કાશ્‍મીરના મહારાજા પાકિસ્‍તાન સાથે જોડાવા માંગતા ન હતા પરંતુ તેમને શેખ અબ્‍દુલ્‍લાના મિત્ર પંડિત નેહરુ પર પણ ભરોસો ન હતો. પંડિત નેહરુનો ઝુકાવ કટ્ટરપંથી શેખ અબ્‍દુલ્‍લા તરફ હતો જ્‍યારે મહારાજા હરિસિહ પ્રત્‍યે તેમને પૂર્વગ્રહ હતો. મોહમ્‍મદ અલી ઝીણાએ કાશ્‍મીરને પોતાની તરફ ખેંચવા માટે ધાકધમકી આપી હતી. પાકિસ્‍તાને સપ્‍ટેમ્‍બર ૯, ૧૯૪૭ના રોજ કાશ્‍મીરનો આર્થિક ઘેરો નાખીને જીવનજરૂરી ચીજવસ્‍તુઓનો પુરવઠો અટકાવી દીધો હતો. ગિલગિટમાં અંગ્રેજોએ ‘ગિલગિટ સ્‍કાઉટ્‍સ' નામની સૈનિક ટુકડી રાખી હતી જેના ગોરા અફસરોએ ૧૫ ઓગસ્‍ટ, ૧૯૪૭ના રોજ ભારતમાંથી સત્તા છોડતી વખતે આખી ટુકડીને પાકિસ્‍તાનના પક્ષમાં વાળી લીધી હતી. તત્‍કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્‍ટબેટને જૂન ૧૯૪૭માં કાશ્‍મીરની મુલાકાત લીધી હતી અને મહારાજાને પાકિસ્‍તાન સાથે જોડાવા અંગે અથવા પ્રજાની ઈચ્‍છા જાણવા અંગે સલાહ આપી હતી, જેમાં બ્રિટનનું પોતાનું હિત જળવાતું હતું. સરદાર વલ્‍લભભાઈ પટેલે દેશના અન્‍ય તમામ રાજા-મહારાજાઓ સાથે વાટાઘાટો કરી તેમને ભારતમાં ભેળવવાની જવાબદારી નિભાવી હતી પરંતુ કાશ્‍મીરનો ચાર્જ પંડિત નેહરુએ પોતાના હાથમાં રાખ્‍યો હતો. આમ, નેતાઓના આંતરિક મતભેદો, અંગ્રેજોની સ્‍વાર્થપ્રેરિત નીતિઓ અને પાકિસ્‍તાનની આક્રમક રમતને કારણે કાશ્‍મીરનું કોકડું શરૂઆતથી જ ગૂંચવાઈ ગયું હતું. જેનું રસપૂર્ણ વર્ણન આ પ્રકરણમાં એ સમયના જમ્‍મુ કાશ્‍મીરના અસલ રાજ્‍યો સાથેનો નકશો, ગિલગિટ સ્‍કાઉટ્‍સની ટુકડી, શેખ અબદુલ્‍લા અને જવાહરલાલ નહેરુની જુની તસવીર, રાજા હરિસિહ, સરદાર પટેલ, ગિલગિટ બાલ્‍ટિસ્‍તાન નકશો, ગવર્નર જનરલ માઉન્‍ટ બેટનની તસવીર સહિત અદભૂત માહિતી રજુ કરાઇ છે.

 ૧૯૪૭માં ભારતની સ્‍વતંત્રતા અને વિભાજન સમયે જમ્‍મુ-કાશ્‍મીર રાજ્‍યની સ્‍થિતિ અત્‍યંત જાટિલ હતી. મહારાજા હરિસિહે શરૂઆતમાં સ્‍વતંત્ર રહેવાનો વિકલ્‍પ વિચાર્યો હતો. પરંતુ પાકિસ્‍તાન તરફથી આદિવાસી હુમલાખોરોના આક્રમણને કારણે પરિસ્‍થિતિ બદલાઈ ગઈ. ૨૨ ઓક્‍ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્‍તાની સરહદ પારથી હુમલાખોરો જમ્‍મુ-કાશ્‍મીરમાં ઘુસી આવ્‍યા. તેઓએ મુઝફફરાબાદ, બારામુલા અને અન્‍ય વિસ્‍તારોમાં હિસા અને લૂંટફાટ કરી. શ્રીનગર પર પણ ખતરો મંડાયો. મહારાજા હરિસિંહે રાજ્‍યની સુરક્ષા માટે ભારત સરકાર પાસે મદદ માંગી. વી.પી. મેનન અને સરદાર વલ્‍લભભાઈ પટેલની મહત્ત્વની ભૂમિકા સાથે મહારાજાએ ૨૬ ઓક્‍ટોબર ૧૯૪૭ના રોજ ભારત સાથે વિલીનીકરણના સાધનપત્ર પર સહી કરી. ત્‍યારબાદ ભારતીય સેનાના જવાનોને વિમાન દ્વારા શ્રીનગર મોકલવામાં આવ્‍યા અને આક્રમણકારોને પાછા ધકેલવામાં આવ્‍યા. આ ઘટનાઓમાં નહેરુ, માઉન્‍ટબેટન અને નેશનલ કોન્‍ફરન્‍સના નેતાઓની પણ ભૂમિકા હતી. મહારાજા હરિસિહે રાજ્‍યની અખંડતા અને લોકોની સુરક્ષા માટે આ ઐતિહાસિક નિર્ણય લીધો હતો.આમ, જમ્‍મુ-કાશ્‍મીર ભારતનો અવિભાજ્‍ય અંગ બન્‍યું. કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન પુસ્‍તકના પ્રકરણ ૪ અને ૫ માં આ વિશે વિગતવાર માહિતીઓ અપાઇ છે. મહારાજા હરિસિહ અને સરદાર પટેલનો દુર્લભ ફોટો, પંડિત નહેરૂની સરકાર, કર્નલ કાશ્‍મીરસિહ કટોચ, મહારાજા હરિસિહનો મહેલ સહિત અનેક દુર્લભ ફોટાઓનો પણ અહિ સમાવેશ કરાયો છે.

 ઇ.સ.૧૯૪૭માં પાકિસ્‍તાને કાશ્‍મીર પચાવી પાડવા ધર્મના નામે કેવી પાશવી અને અમાનવીય રીતો અપનાવી હતી તે પ્રકરણ ૭ માં દર્શાવાયું છે. ૨૨ ઓક્‍ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્‍તાને ‘ઓપરેશન ગુલમર્ગ' હેઠળ કાશ્‍મીર પર કબજો જમાવવા સશસ્‍ત્ર કબાયલી હુમલાખોરોને મોકલ્‍યા હતા. આ હુમલાખોરોએ કાશ્‍મીરના બારામુલામાં સતત સાત દિવસ સુધી જે જંગલિયત અને આતંક મચાવ્‍યો, તે માનવ ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક છે. પાકિસ્‍તાની હુમલાખોરોએ બારામુલામાં બેફામ લૂંટફાટ, હત્‍યાઓ અને બળાત્‍કાર કર્યા. પરિણામે ૧૪,૦૦૦ ની વસતી ધરાવતું બારામુલા લગભગ સ્‍મશાન બની ગયું અને માંડ ૧,૦૦૦ જેટલા લોકો જ જીવતા બચ્‍યા. બ્રિટિશ મેજર વિલિયમ બ્રાઉને ગિલગિટ સ્‍કાઉટ્‍સ સાથે મળીને દગો કર્યો અને ગિલગિટના ગવર્નરને કેદ કરી ત્‍યાં પાકિસ્‍તાનનો રાષ્ટ્રધ્‍વજ ફરકાવી દીધો હતો. હુમલાખોરોએ બારામુલાની સેન્‍ટ જોસેફ કેથોલિક ચર્ચ અને હોસ્‍પિટલને પણ નિશાન બનાવ્‍યા હતા. અહીં સેવા આપતી સ્‍પેનિશ અને ઈટાલિયન સાધ્‍વીઓ (નન), નર્સો, દર્દીઓ તેમજ લેફટનન્‍ટ કર્નલ ડાઈક્‍સ અને તેમની સગર્ભા પત્‍નીની અત્‍યંત ક્રૂરતાપૂર્વક હત્‍યા કરવામાં આવી હતી. આ હાહાકાર વચ્‍ચે કાશ્‍મીરી દેશભક્‍ત યુવાન મકબૂલ શેરવાનીએ અદભુત સાહસ બતાવ્‍યું. તેણે હુમલાખોરોને શ્રીનગર તરફ જતો ખોટો રસ્‍તો બતાવીને ભટકાવી દીધા. જ્‍યારે હુમલાખોરોને આ વાતની ખબર પડી, ત્‍યારે તેમણે શેરવાનીને લાકડાના થાંભલે જડીને ૧૪ ગોળીઓ મારી દીધી હતી. મૃત્‍યુ સામે પણ ઝૂક્‍યા વિના શેરવાની 'હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ ઇત્તેહાદ (એકતા)!' ના નારા લગાવતા શહીદ થયા હતા. પ્રકરણમાં દર્શાવાયું છે કે, હુમલાખોરો બારામુલામાં લૂંટફાટ અને અત્‍યાચારમાં એટલા મશગૂલ થઈ ગયા કે શ્રીનગર પહોંચવામાં તેમને મોડું થઈ ગયું. આ સમયગાળાનો લાભ લઈને ભારતીય સેના ત્‍યાં પહોંચી ગઈ અને શ્રીનગરને હુમલાખોરોના હાથમાં જતું બચાવી લીધું. આ પ્રકરણ વાંચતા જાણે રોમે રોમ ઉભા થઇ જાય તેવું વર્ણન બોલતી તસવીરો સાથે અદભૂત રીતે કરાયુ છે.

 કાશ્‍મીરની રક્ષા કરવામાં જેનો મોટો ફાળો છે તેવા શહિદોને પણ આ પુસ્‍તકમાં યાદ કરાયા છે.

જ્‍યારે પાકિસ્‍તાને કાશ્‍મીર પર આક્રમણ કર્યું ત્‍યારે તેને બચાવવામાં ભારતીય સેનાના જવાનો અને વાયુસેનાના પાઇલટોએ અપ્રતિમ સાહસનો પરિચય આપ્‍યો હતો. કાશ્‍મીરને બચાવવા માટે બ્રિગેડિયર રાજેન્‍દ્રસિંહ જામવાલ માત્ર ૨૦૦ સૈનિકો (જેમાં રસોઈયા અને સેવકો પણ સામેલ હતા) સાથે હુમલાખોરોનો સામનો કરવા મેદાને પડ્‍યા હતા. હુમલાખોરોની આગેકૂચ ધીમી પાડવા તેમણે ઉરી પાસેનો પુલ તોડી નાખ્‍યો હતો અને દુશ્‍મનોનો રસ્‍તો કાપી નાખ્‍યો હતો. ભયંકર ખુવારી અને ઇજાઓ વચ્‍ચે પણ તેમણે ૧૧ કલાક સુધી દુશ્‍મનોને લડત આપી અને ૨૪ ઓક્‍ટોબર, ૧૯૪૭ના રોજ વીરગતિ પામ્‍યા. તેમના આ સર્વોચ્‍ચ બલિદાન બદલ તેમને ૧૯૫૦માં મરણોત્તર ‘મહાવીર ચક્ર' એનાયત કરવામાં આવ્‍યું હતું. દુશ્‍મનોથી કાશ્‍મીરને બચાવવા તાત્‍કાલિક સેના મોકલવી જરૂરી હતી, આ માટે વિવિધ ખાનગી એરલાઈન્‍સના ૩૦ જેટલા 'ડાકોટા' વિમાનોનો ઉપયોગ કરીને હવાઈ માર્ગે ભારતીય સૈનિકોને શ્રીનગર પહોંચાડવામાં આવ્‍યા હતા. આ કામગીરીમાં ભારતીય વાયુસેનાના એર કોમોડોર મહેર સિંહ (બાબા મહેર સિંહ) નું યોગદાન ખૂબ મોટું હતું. તેમણે પૂંછમાં ફસાયેલા ભારતીય સૈનિકોને બચાવવા કાચા માર્ગ પર ડાકોટા વિમાન ઉતારવાનું જોખમ ખેડ્‍યું હતું. મહેર સિહે ઉડ્ડયન ક્ષેત્રે એક અનોખો વિક્રમ સ્‍થાપ્‍યો હતો. ડાકોટા વિમાનમાં પૂરતી ઓક્‍સિજન સિસ્‍ટમ કે પ્રેશરાઈઝ્‍ડ કેબિન ન હોવા છતાં તેમણે ૨૩,૦૦૦ ફૂટ ઊંચા શિખરો ઓળંગીને લેહની અશક્‍ય જણાતી સપાટી પર વિમાનનું સફળ લેન્‍ડિંગ કરાવ્‍યું હતું. આ પ્રકરણ દર્શાવે છે કે કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં પણ ભારતીય સેનાના જવાનો અને વાયુસેનાના પાઇલટોએ પોતાના જીવની પરવા કર્યા વિના કાશ્‍મીરની રક્ષા કરી હતી. અહિ ડાકોટા વિમાનની દુર્લભ તસવીરો, યુધ્‍ધ લડતા સૈનિકો, મેહરસિંહ સહિતના જવાનો પણ જોવા મળશે.

 કાશ્‍મીર બચાવવામાં નિર્ણાયક સાબિત થયેલા એરલિફટના હીરો રણજિત રાયનો ઉલ્‍લેખ પ્રકરણ ૯ માં કરાયો છે. ૧૯૪૭માં ભારતના ભાગલા બાદ પાકિસ્‍તાન સમર્થિત કબીલાઈ હુમલાખોરોએ કાશ્‍મીર પર ચઢાઈ કરતાં શ્રીનગર પર ગંભીર ખતરો ઊભો થયો હતો. આવી વિકટ સ્‍થિતિમાં ભારતીય સેનાને તાત્‍કાલિક શ્રીનગર પહોંચાડવાનો નિર્ણય લેવાયો અને ભારતીય વાયુસેનાએ ઇતિહાસનું સૌથી મહત્‍વપૂર્ણ એરલિફટ ઓપરેશન હાથ ધર્યું. આ અભિયાનનું નેતૃત્‍વ લેફટનન્‍ટ કર્નલ દીવાન રણજિત રાયે કર્યું. ૧ સીખ બટાલિયનના કમાન્‍ડિંગ ઓફિસર તરીકે તેમણે પોતાના જવાનો સાથે દિલ્‍હીથી શ્રીનગર પહોંચીને એરફિલ્‍ડને સુરક્ષિત રાખવામાં અને દુશ્‍મનને આગળ વધતો રોકવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી. શ્રીનગર એરપોર્ટ સુરક્ષિત રહેતાં જ ભારતીય સેનાની સતત ટુકડીઓ અને શસ્‍ત્રસામગ્રી હવાઈ માર્ગે પહોંચી શકી જેના કારણે કાશ્‍મીર દુશ્‍મનના કબજામાં જતું અટક્‍યું. રણજિત રાયે પોતાની ટુકડી સાથે બહાદુરીપૂર્વક મોરચો સંભાળ્‍યો અને દુશ્‍મન સામે લડતાં વીરગતિ પામી. તેમની શૂરવીરતા અને દૂરંદેશી લશ્‍કરી વ્‍યૂહરચનાના કારણે શ્રીનગર અને કાશ્‍મીર ભારત માટે સુરક્ષિત રહી શક્‍યાં. આજે પણ તેમને કાશ્‍મીર બચાવનારા પ્રથમ સૈન્‍ય નાયકોમાં સ્‍થાન આપવામાં આવે છે. આ એરલિફટ ઓપરેશનને ભારતીય સૈન્‍ય ઇતિહાસના સૌથી સફળ અને નિર્ણાયક અભિયાનોમાંનું એક માનવામાં આવે છે જેણે કાશ્‍મીરના ભવિષ્‍યની દિશા બદલી નાખી.

 શ્રીનગર બચાવનારા પ્રથમ પરમવીર હતા પરમવીર ચક્રથી સન્‍માનિત મેજર સોમનાથ શર્મા. કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન પુસ્‍તકના ૧૦ માં પ્રકરણમાં આ પરમવિરનું અદભૂત વર્ણન કરાયું છે. ૧૯૪૭માં પાકિસ્‍તાન સમર્થિત કબીલાઈ હુમલાખોરોએ કાશ્‍મીર પર ચઢાઈ કરતાં શ્રીનગર એરફિલ્‍ડ પર ગંભીર ખતરો ઊભો થયો હતો. તે સમયે ૪ કુમાઉં રેજિમેન્‍ટની ‘ડી' કંપનીના કમાન્‍ડર મેજર સોમનાથ શર્માએ બડગામ ખાતે મોરચો સંભાળી દુશ્‍મનનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. સંખ્‍યાબળમાં અનેકગણા ઓછા હોવા છતાં તેમણે પોતાની ટુકડી સાથે અંતિમ શ્વાસ સુધી લડત આપી અને દુશ્‍મનને શ્રીનગર તરફ આગળ વધતો રોક્‍યો. યુદ્ધ દરમિયાન તેમનો હાથ પ્‍લાસ્‍ટરમાં હોવા છતાં તેમણે મોરચો છોડવાનો ઇનકાર કર્યો હતો. તેમણે બ્રિગેડ હેડક્‍વાર્ટરને મોકલેલા અંતિમ સંદેશમાં કહ્યું હતું કે, દુશ્‍મન માત્ર ૫૦ યાર્ડ દૂર છે. અમે ભારે ગોળીબાર હેઠળ છીએ છતાં છેલ્‍લી ગોળી અને છેલ્‍લા જવાન સુધી લડતા રહીશું. થોડા સમય બાદ મોર્ટારના ગોળાથી તેઓ શહીદ થયા પરંતુ તેમની કંપનીએ દુશ્‍મનને એટલો સમય રોકી રાખ્‍યો કે ભારતીય સેનાની વધારાની ટુકડીઓ શ્રીનગર પહોંચી શકી અને એરફિલ્‍ડ સુરક્ષિત રહ્યું. મેજર સોમનાથ શર્માના અદ્વિતીય શૌર્ય અને બલિદાન બદલ તેમને સ્‍વતંત્ર ભારતનું પ્રથમ પરમવીર ચક્ર મરણોત્તર એનાયત કરવામાં આવ્‍યું. તેમનું બલિદાન કાશ્‍મીરના રક્ષણના ઇતિહાસમાં આજે પણ શૌર્ય, કર્તવ્‍યનિષ્ઠા અને રાષ્ટ્રભક્‍તિનું અવિસ્‍મરણીય પ્રતિક માનવામાં આવે છે. અહિ કુમાઉ રેજિમેન્‍ટનો સિમ્‍બોલ, ૩ નવેમ્‍બર ૧૯૪૭ વખતે બેટલ ઓફ બડગામનો નકશો, સોમનાથ શર્મા, મોર્ટાર તોપ સહિતના ફોટાઓ આ પુસ્‍તકને વધુ જીવંત બનાવે છે.

 કાશ્‍મીરને બચાવવાના ઐતિહાસિક સંગ્રામમાં 'બેટલ ઓફ શાલાતેંગ' નો ઉલ્‍લેખ અગત્‍યનો છે. પુસ્‍તકના ૧૧ માં પ્રકરણમાં આના વિશે અવિસ્‍મરણીય વર્ણન કરાયું છે. ૧૯૪૭માં પાકિસ્‍તાની હુમલાખોરોથી શ્રીનગરને બચાવવા ખેલાયેલા ‘બેટલ ઓફ શાલાતેંગ' માં ભારતીય સેનાની અદભુત રણનીતિ અને શૌર્યની ગાથા વર્ણવે છે કે તેણે ઝીણાના સપનાને ધૂળધાણી કરી નાખ્‍યું હતું. હુમલાખોરો પહાડી વનપ્રદેશમાં ગેરિલા યુદ્ધ ખેલવામાં પારંગત હોવાથી ૧૬૧ બ્રિગેડના કમાન્‍ડિંગ ઓફિસર બ્રિગેડિયર એલ. પી. સેને તેમને ખુલ્‍લા મેદાનમાં ખેંચી લાવવા એક જોખમી રણનીતિ અપનાવી. તેમણે બારામુલાથી શ્રીનગરનો પાકો રસ્‍તો જાણીજોઈને ખુલ્‍લો મૂકી દીધો અને પોતાની ૧ શિખ બટાલિયનને શાલાતેંગ તરફ પાછી બોલાવી લીધી જેથી દુશ્‍મનો લલચાઈને ત્‍યાં એકત્રિત થાય. આ કટોકટીના સમયે ભારતના તત્‍કાલીન ગૃહમંત્રી સરદાર પટેલે સ્‍પષ્ટ શબ્‍દોમાં આદેશ આપ્‍યો હતો કે, કોઈ પણ ભોગે શ્રીનગરને બચાવવાનું છે. તેમણે બ્રિગેડિયર સેન પર પૂરો ભરોસો મૂકી તેમને કમાન્‍ડિંગ ઓફિસર તરીકે ચાલુ રાખ્‍યા અને પઠાણકોટ માર્ગે શસ્‍ત્રો, સૈનિકો તથા અન્‍ય પુરવઠો તાત્‍કાલિક શ્રીનગર પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરી. ૭ નવેમ્‍બર, ૧૯૪૭ની સવારે બ્રિગેડિયર સેનની જાળમાં હજારો દુશ્‍મનો લોરીઓ સાથે ફસાયા. યોજના મુજબ ભારતીય સેનાએ ચારેકોરથી કિલ્‍લેબંધી કરી હતી જેમાં સામેથી ૧ શિખ બટાલિયન, પૂર્વ દિશામાંથી ૧ કુમાઉ બટાલિયન અને પાછળથી (પヘમિ દિશામાંથી) લેફટનન્‍ટ નોએલ ડેવિડની ૭ લાઈટ કેવલરી ની બખ્‍તરિયા ગાડીઓએ આક્રમણ કર્યું. એક ગમ્‍મતભર્યા વળાંકમાં હુમલાખોરો શરૂઆતમાં ૭ કેવલરીની બખ્‍તરિયા ગાડીઓને પાકિસ્‍તાની લશ્‍કરની સમજી બેઠા હતા અને જેહાદી નારા લગાવતા તેમની સાથે ચાલ્‍યા પણ ખરા!. પરંતુ ગોળીબાર શરૂ થતાં જ તેઓ હતપ્રભ થઈ ગયા. ચારે તરફથી ભીંસમાં મુકાઈ ગયેલા હુમલાખોરોનો પૂરો સફાયો થઈ ગયો અને આ રીતે બ્રિગેડિયર સેનની કોઠાસૂઝથી શ્રીનગર પાકિસ્‍તાનના હાથમાં જતું બચી ગયું. ૭ નવેમ્‍બરે સૈનિકોના શોર્યને યાદ કરી ‘શાલાતેંગ દિન' મનાવાય છે તેના ઉલ્‍લેખ સાથે બેટલ ઓફ શાલાતેંગનો નકશો, ટેન્‍ક સહિતના ફોટાઓ પાછળ એટલી બધી મહેનત લેવાઇ છે જાણે આ પુસ્‍તક નહીં પણ કાશ્‍મીરનો સંગ્રહ કરવા લાયક એક યાદગાર ગ્રંથ બની ગયું છે.

 ભારતના ભાગલા પછી ૧૯૪૭માં જમ્‍મુ-કાશ્‍મીરમાં સર્જાયેલી અશાંત પરિસ્‍થિતિમાં પુંછ વિસ્‍તારના આશરે ૪૦,૦૦૦ હિદુ અને શીખ નાગરિકોનું જીવન જોખમમાં હતું. પાકિસ્‍તાન સમર્થિત કબીલાઈ હુમલાખોરો પુંછને ઘેરી રહ્યા હતા અને કોઈપણ ક્ષણે મોટા પાયે હત્‍યાકાંડ થઈ શકે તેવી સ્‍થિતિ હતી. પુસ્‍તકના ૧૨ માં પ્રકરણમાં લેખક દર્શાવે છે કે બ્રિગેડિયર પી. એન. સેન અને તેમની ૧૬૧ બ્રિગેડે અત્‍યંત વિપરીત સંજોગોમાં જે નિર્ણય લીધો તેણે માત્ર પુંછને જ નહીં પરંતુ હજારો નિર્દોષ લોકોના જીવને પણ બચાવી લીધા. ઉપરથી મળતા આદેશો મુજબ ઉરી તરફ આગળ વધવાનું હતું પરંતુ મેજર જનરલ કલવંતસિંહ પરિસ્‍થિતિની ગંભીરતા સમજી સેનાને પુંછ તરફ વળવાની મંજૂરી આપી. લેખકના મત મુજબ આ નિર્ણય કાશ્‍મીર યુદ્ધનો એક નિર્ણાયક વળાંક સાબિત થયો. આ પ્રકરણમાં બારામુલ્‍લામાં થયેલા કબીલાઈ હુમલાઓનું હૃદયદ્રાવક વર્ણન પણ કરવામાં આવ્‍યું છે. નાગરિકોની હત્‍યા, લૂંટફાટ અને અત્‍યાચાર વચ્‍ચે બ્રિગેડિયર સેન અને તેમના સાથી સૈનિકોએ માનવતા જાળવી રાખી હતી. ઘાયલ અને મૃત્‍યુ પામેલા લોકો પ્રત્‍યે તેમણે દર્શાવેલી સંવેદના ભારતીય સેનાના માનવીય મૂલ્‍યોને ઉજાગર કરે છે. લેખક એક રસપ્રદ પ્રસંગ દ્વારા મકબૂલ શેરવાનીનો પણ ઉલ્‍લેખ કરે છે. કાશ્‍મીરમાં પાકિસ્‍તાની હુમલાખોરોને ખોટા માર્ગે દોરી સમય મેળવવામાં શેરવાનીની ભૂમિકાને લેખક વિશેષ મહત્‍વ આપે છે. દેશપ્રેમના બદલામાં તેમને ક્રૂર યાતનાઓ આપી હત્‍યા કરવામાં આવી હતી પરંતુ તેમના બલિદાનને કાશ્‍મીરના ઇતિહાસમાં અમર ગણાવવામાં આવ્‍યું છે. પ્રકરણમાં સૈન્‍ય કાર્યવાહી ઉપરાંત પુંછના ભૌગોલિક પડકારો, પુલો તૂટી જવાથી સર્જાયેલી મુશ્‍કેલીઓ, પહાડી વિસ્‍તારોમાં સૈનિકોની વ્‍યૂહરચના અને મર્યાદિત સાધનો વચ્‍ચે લડાયેલી લડતનું પણ જીવંત ચિત્રણ કરવામાં આવ્‍યું છે. આ પ્રકરણ ભારતીય સેનાની બહાદુરી, માનવતા, કર્તવ્‍યનિષ્ઠા અને વ્‍યૂહાત્‍મક કુનેહને ઉજાગર કરે છે. સાથે જ તે યાદ અપાવે છે કે કાશ્‍મીરના સંઘર્ષમાં સૈનિકોની સાથે અનેક સામાન્‍ય નાગરિકોએ પણ દેશ માટે અસાધારણ બલિદાન આપ્‍યું હતું. આ રીતે આ માત્ર યુદ્ધની ગાથા નથી પરંતુ માનવતા, નેતૃત્‍વ, દેશપ્રેમ અને નિર્ણાયક ક્ષણે લેવાયેલા યોગ્‍ય નિર્ણયના મહત્ત્વની પ્રેરણાદાયી સાક્ષી તરીકે સામે આવે છે.

 ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન'ના પ્રકરણ-૧૩ માં ૧૮,૦૦૦ હિંદુ-શીખોના કતલવેધનો સાક્ષી મીરપુર વિશે રુંવાડા ઉભા કરી દે તેવો ઉલ્‍લેખ કરાયો છે. ભારતના ભાગલા પછી જમ્‍મુ-કાશ્‍મીર પર પાકિસ્‍તાન સમર્થિત કબીલાઈ હુમલાખોરોના આક્રમણ દરમિયાન મીરપુરમાં જે ભયાનક માનવસંહાર થયો તેનું હૃદયસ્‍પર્શી અને દસ્‍તાવેજી વર્ણન ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન'ના પ્રકરણ-૧૩માં કરવામાં આવ્‍યું છે. લેખકના મતે મીરપુરની દુર્ઘટના માત્ર યુદ્ધની ઘટના નહોતી પરંતુ રાજકીય અને સૈન્‍ય નિર્ણયોનો ભારે ભોગ બનેલી એક માનવીય કરુણકથા હતી. અહિ જણાવાયું છે કે બ્રિગેડિયર પી. એન. સેનની ૧૬૧ બ્રિગેડ પુંછના ઘેરાવને તોડીને હજારો નિર્દોષ લોકો સુધી પહોંચવા માટે અત્‍યંત કપરા પહાડી માર્ગો પરથી આગળ વધી રહી હતી. રસ્‍તાઓ તૂટેલા, પુલો ધ્‍વસ્‍ત અને દુશ્‍મનની ગોળીબાર વચ્‍ચે ભારતીય સૈનિકોએ અસાધારણ શૌર્ય અને ધૈર્યનો પરિચય આપ્‍યો. ભારે વાહનો, દારૂગોળો અને સૈન્‍ય સામગ્રી સાથે આ અભિયાન ચલાવવું પોતે જ એક અઘરી કસોટી હતી. લેખક ભારપૂર્વક કહે છે કે જો મીરપુરને સમયસર સૈન્‍ય સહાય મળી હોત તો ત્‍યાં સર્જાયેલા વિનાશનું પ્રમાણ ઘણું ઓછું થઈ શક્‍યું હોત. પરંતુ વ્‍યૂહાત્‍મક પ્રાથમિકતાઓ, મર્યાદિત સૈન્‍યબળ અને વિવિધ મોરચાઓ પર એકસાથે લડવાની ફરજને કારણે મીરપુર સુધી મદદ સમયસર પહોંચી શકી નહીં. આ વિલંબના પરિણામે શહેર પાકિસ્‍તાની હુમલાખોરોના કબજામાં ગયું. પ્રકરણમાં મીરપુરના પતન પછી થયેલા હત્‍યાકાંડ, લૂંટફાટ અને મહિલાઓના અપહરણ જેવા અત્‍યાચારોનું વર્ણન અત્‍યંત વેદનાપૂર્વક કરવામાં આવ્‍યું છે. હજારો હિંદુ અને શીખ નાગરિકો માર્યા ગયા અનેક મહિલાઓનું અપહરણ થયું અને મોટી સંખ્‍યામાં લોકો પોતાના વતનમાંથી વિસ્‍થાપિત બન્‍યા. લેખક આ ઘટનાને ભારતના ભાગલા દરમિયાન થયેલી સૌથી કરુણ માનવીય દુર્ઘટનાઓમાંની એક ગણાવે છે. એ પણ નોંધે છે કે મીરપુરની આ દુર્ઘટનાને ભારતના મુખ્‍ય ઇતિહાસલેખનમાં પૂરતું સ્‍થાન મળ્‍યું નથી. રાજકીય ચર્ચાઓમાં આ ઘટનાનો ઉલ્‍લેખ પ્રમાણમાં ઓછો થયો છે જ્‍યારે સ્‍થાનિક લોકોની સ્‍મૃતિમાં તે આજે પણ જીવંત છે. આથી લેખક ઇતિહાસના આવા અવગણાયેલા પાનાંઓને નવી પેઢી સમક્ષ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અહિં માત્ર મીરપુરના પતનની કથા નથી પરંતુ ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની, ભૂલાઈ ગયેલા બલિદાનોને યાદ કરવાની અને માનવતાની રક્ષા માટે સમયસર અને લ્લઢ નિર્ણયોના મહત્ત્વને સમજાવતી એક મહત્‍વપૂર્ણ ઐતિહાસિક ગાથા છે. મૃતકોની તસવીરો, વિર ચક્ર સહિત ફોટાઓ ઘણુ કહી જાય છે.

 યુદ્ધોની તવારીખમાં અજોડ સાબિત થતો પુંચ ફરતેનો ઘેરો પ્રકરણમાં લેખનારનો મૂળ આશય એ દર્શાવવાનો છે કે કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં પણ ભારતીય સેનાએ અદમ્‍ય સાહસથી ૪૦,૦૦૦ નાગરિકોનો બચાવ કર્યો. ભારતના લશ્‍કરી ઇતિહાસમાં ૧૯૪૭-૪૮ના કાશ્‍મીર યુદ્ધ દરમિયાન ‘પુંચનો ઘેરો' એક અનોખી અને રોમાંચક ઘટના છે. પ્રકાશિત લેખમાં લેખકે આ ઐતિહાસિક ઘટનાનું સચોટ વર્ણન કરી ભારતીય સેનાના જવાનોની અદભુત વીરતા, કુનેહ અને અદમ્‍ય સાહસનો હૃદયસ્‍પર્શી ચિતાર આપ્‍યો છે. જ્‍યારે પરિસ્‍થિતિ અત્‍યંત વિકટ હોય અને હાર નિヘતિ લાગતી હોય ત્‍યારે પણ મજબૂત નેતૃત્‍વ અને લ્લઢ મનોબળ અશક્‍યને શક્‍ય બનાવી શકે છે. પુંચમાં ૪૦,૦૦૦ જેટલા હિન્‍દુ અને શીખ શરણાર્થીઓ ચારેતરફથી પાકિસ્‍તાની હુમલાખોરોથી ઘેરાઈ ગયા હતા. અનાજ, શષો અને દવાનો અભાવ હતો. લોકો પોતાનું મૃત્‍યુ નિヘતિ માની ચૂક્‍યા હતા. તેવા સમયે ભારતીય સેનાએ જે રીતે રક્ષણ પૂરું પાડ્‍યું તે માનવતા અને ફરજપરસ્‍તીની મિસાલ છે. આ માત્ર હથિયારોથી લડાયેલું યુદ્ધ ન હતું પરંતુ પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્‍થિતિ અને માઈનસ તાપમાન વચ્‍ચે ખેલાયેલી મનોબળની કસોટી હતી. અહિ બ્રિગેડિયર પ્રીતમસિહ (‘શેર બચ્‍ચા') ના અસાધારણ નેતૃત્‍વની પ્રશંસા કરાઇ છે. પ્રીતમસિહે નિરાશામાં ડૂબેલા નાગરિકોમાં પ્રાણ ફૂંક્‍યા. તેમણે શસ્‍ત્રો અને દારૂગોળાની તીવ્ર અછત વચ્‍ચે પણ દુશ્‍મનોને જડબાતોડ જવાબ આપ્‍યો. નાગરિકો અને સૈનિકોએ રાત-દિવસ એક કરીને, દુશ્‍મનોના ગોળાબારી વચ્‍ચે પુંચમાં એક કામચલાઉ હવાઈ પટ્ટી (એરસ્‍ટ્રીપ) તૈયાર કરી જે આ યુદ્ધનો ટર્નિગ પોઈન્‍ટ સાબિત થઈ. આ શૌર્યગાથામાં બીજું મોટું નામ છે વાયુસેનાના એર કોમોડોર બાબા મહેરસિંહ. તેમણે ખતરનાક પર્વતીય ખીણો વચ્‍ચે ખરાબ હવામાનમાં ડાકોટા વિમાનો દ્વારા પુંચમાં રનવે પર ઉતરાણ કરી ‘આકાશી પુલ' રચ્‍યો. તોપો અને અનાજ હવાઈ માર્ગે પહોંચાડ્‍યા. નાગરિકોને ભૂખમરાથી બચાવવા દુશ્‍મનોના વિસ્‍તારમાં ‘ઓપરેશન ગ્રેઈન' ચલાવી અનાજ છીનવી લાવવાના અદભુત સાહસનું લેખકે આબેહૂબ વર્ણન કર્યું છે. આ યુદ્ધમાં મેજર મલકિતસિહ બ્રાર (મહાવીર ચક્ર) અને ડેનિસ બાર્ટી (વીર ચક્ર) જેવા વીરોએ અપ્રતિમ શૌર્ય દાખવ્‍યું. પુંચનો બચાવ એ માત્ર જમીન બચાવવાની વાત નહોતી પરંતુ ૪૦,૦૦૦ નિર્દોષ નાગરિકોની રક્ષા માટે સેનાએ આપેલી સર્વોચ્‍ચ કુરબાની હતી. આજની પેઢી માટે આ ઐતિહાસિક ઘટના દેશપ્રેમ, સમર્પણ અને નેતૃત્‍વનું ઉત્તમ ઉદાહરણ છે. વિર જવાનોના ફોટા, અનાજ લેતા નાગરિકો, વિમાન, નક્‍શાનો એક અલગજ દુનિયાની સફરે લઇ જાય છે.

 ૧૯૪૭-૪૮ના ભારત-પાક યુદ્ધમાં આપણા જવાનોએ અપ્રતિમ શૌર્ય દાખવ્‍યું હતું, છતાં તેમની યશગાથાઓ પૂરતી પ્રસિદ્ધિ પામી નથી તેને આ પુસ્‍તકમાં સ્‍થાન અપાયું છે. પાકિસ્‍તાનના આક્રમણ સામે કાશ્‍મીરને બચાવવા માટે લડાયેલા આ ૧૪ મહિના લાંબા યુદ્ધમાં દેશના અનેક સપૂતોએ માતૃભૂમિ માટે જાન ન્‍યોછાવર કર્યા હતા. જમ્‍મુ-કાશ્‍મીરના રક્ષણની આ કથા એવા વીરોની છે જેમણે પોતાની જાનની પરવા કર્યા વિના દેશની અખંડિતતા જાળવી રાખી. જ્‍યારે પાકિસ્‍તાને જમ્‍મુ પર કબજો જમાવવાનો કારસો ઘડ્‍યો ત્‍યારે ફલાઇટ-લેફટનન્‍ટ ઉલરિચ ડી'ક્રુઝે પોતાના ટેમ્‍પેસ્‍ટ વિમાન દ્વારા જમ્‍મુ તરફ ધસી આવતા દુશ્‍મનો પર કાળો કેર વર્તાવ્‍યો હતો. વિમાન તૂટી પડ્‍યા બાદ પેરાશૂટથી ઉતરેલા ડી'ક્રુઝને પાકિસ્‍તાનીઓએ યુદ્ધકેદી તરીકે પકડ્‍યા અને અત્‍યાચારો ગુજાર્યા છતાં તેમણે દેશની ગુપ્ત માહિતી આપી ન હતી. બીજી તરફ નૌશેરાના રક્ષણની કમાન ૫૦ પેરા બ્રિગેડના કમાન્‍ડર બ્રિગેડિયર મોહમ્‍મદ ઉસ્‍માનના હાથમાં હતી. પાકિસ્‍તાને તેમને પોતાના લશ્‍કરમાં સેનાપતિપદની લાલચ આપી હતી પરંતુ ઉસ્‍માને જિન્નાહની ધર્મના આધારે રાષ્ટ્ર બનાવવાની નીતિ ફગાવી દીધી અને ભારત પ્રત્‍યેની પોતાની વફાદારી નિભાવી. યુદ્ધની સૌથી રોમાંચક અને રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના નૌશેરા પાસે આવેલા તૈનધાર વિસ્‍તારની છે. નાની ટુકડીઓનું રક્ષણ રાજપૂત રેજિમેન્‍ટના નાયક જદુનાથસિંહ કરી રહ્યા હતા જેમની સાથે કુલ માત્ર ૯ જવાનો હતા. હજારોની સંખ્‍યામાં ધસી આવેલા દુશ્‍મનોનો તેમણે વીરતાપૂર્વક સામનો કર્યો. ઘાયલ થવા છતાં તેમણે એકલા હાથે દુશ્‍મનો પર ગોળીઓ વરસાવી અને શહીદી વહોરી. આ અપ્રતિમ બલિદાન માટે તેમને મરણોત્તર ‘પરમવીર ચક્ર' એનાયત કરવામાં આવ્‍યું. નાની ટુકડીઓ પર મરાઠા યોદ્ધા નાયક કૃષ્‍ણ સોનવણે પર દુશ્‍મનોએ ભીષણ હુમલો કર્યો. દુશ્‍મનોના ગોળાબાજીથી તેમની તોપ નકામી બની ગઈ હોવા છતાં તેમણે નાહિમત થવાને બદલે સાથીઓનો જુસ્‍સો વધાર્યો અને દુશ્‍મનોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. તેમની આ નિડરતા અને નેતૃત્‍વશક્‍તિને કારણે ૧૯૫૦માં તેમને ‘મહાવીર ચક્ર' થી સન્‍માનિત કરાયા. ૨૬ જાન્‍યુઆરી, ૧૯૫૦ના રોજ જ્‍યારે ભારત પ્રજાસત્તાક બન્‍યું ત્‍યારે આવા બહાદુરોને સન્‍માનવા માટે ‘પરમવીર ચક્ર', ‘મહાવીર ચક્ર' અને ‘વીર ચક્ર' જેવા પુરસ્‍કારો અમલમાં આવ્‍યા. આ સૈનિકોએ માતૃભૂમિ માટે જે બલિદાન આપ્‍યા છે અને છાતી પર જે ઘાવ સહન કર્યા છે તેનું ઋણ દેશ ક્‍યારેય ચૂકવી શકશે નહીં. આજની પેઢી માટે આ યોદ્ધાઓની સ્‍મૃતિ એક પ્રેરણાસ્રોત છે. આ ઉપરાંત તિથવાલની યુધ્‍ધભૂમિ પરમવિરોની જન્‍મભૂમિ બની તેનો ઉલ્‍લેખ અહિ કરાયો છે. પાકિસ્‍તાની હુમલાખોરો માટેનો ગુલમર્ગ-શ્રીનગરનો માર્ગ ભારતીય જવાનોએ નવેમ્‍બર ૭, ૧૯૪૭ની તારીખે શાલાતેંગ ખાતે બંધ કરી દીધો. ફેબ્રુઆરી ૬, ૧૯૪૮ના દિવસે આપણી ૫ પારા બ્રિગેડે જમ્‍મુના એવા જ પ્રવેશદ્વાર તરીકેનું નૌશેરા જીતી લીધું દુશ્‍મનો માટે વૈકલ્‍પિક એન્‍ટ્રી પોઇન્‍ટ ઝાંગર હતું ભારતે એ પણ માર્ચ ૧૮, ૧૯૪૮ના શુભદિને હસ્‍તગત કર્યું. જવાનોએ રાજાૈરીમાં અત્‍યાચારો ગુજારતા દુશ્‍મનોને બીજે મહિને એપ્રિલ ૧૩, ૧૯૪૮ના રોજ હાંકી કાઢ્‍યા. કાશ્‍મીર જીતવાનો તે અડ્ડો પણ ન રહ્યો. પાકિસ્‍તાને છેવટે ઉત્તરના તિથવાલ પર ડોળો માંડયો પણ ત્‍યાં જે શિકસ્‍ત તેમને મળી તેનું વર્ણન ૧૮માં પ્રકરણમાં કરાયું છે.

 શું તમે જાણો છો કે ૧૩ મહિના લાંબા ઘેરાબંધીનો અંત અને ‘ઓપરેશન ઈઝી' પછી પુંચની ઐતિહાસિક મુક્‍તિ થઇ? અદભૂત પ્રકરણમાં વર્ણવ્‍યું છે કે, ૧૯૪૭-૪૮ના ભારત-પાકિસ્‍તાન યુદ્ધમાં જમ્‍મુ-કાશ્‍મીરનું રક્ષણ કરતી ભારતીય સેનાની અનેક શૌર્યગાથાઓ ઇતિહાસમાં નોંધાયેલી છે. આ પૈકીની એક અત્‍યંત રોમાંચક અને હૃદયસ્‍પર્શી ઘટના એટલે ‘પુંચનો ઘેરો' અને તેની મુક્‍તિ. નવેમ્‍બર ૧૯૪૭માં પુંચની સ્‍થિતિ અત્‍યંત વિકટ હતી. પાકિસ્‍તાની હુમલાખોરોએ પુંચને ચારેબાજુથી ઘેરી લીધું હતું. આ સમયગાળામાં બ્રિગેડિયર પ્રીતમસિહે (‘શેર બચ્‍ચા') પોતાનું સબળ નેતૃત્‍વ પૂરું પાડ્‍યું. તેમણે ભયભીત નાગરિકોમાં હિંમત જગાવી અને દુશ્‍મનોના તોપમારા વચ્‍ચે પણ નૈતિક બળ ટકાવી રાખ્‍યું. જોકે નિરાશ્રિતોની સંખ્‍યા વિશાળ હોવાથી માત્ર હવાઈ માર્ગે પુરવઠો પૂરો પાડવો પૂરતો ન હતો અને દુશ્‍મનોએ રનવે પર પણ હુમલા શરૂ કરી દીધા હતા. પુંચને આ આકરા ઘેરામાંથી મુક્‍ત કરાવવા ભારતીય સેનાએ ‘ઓપરેશન ઈઝી' નામનું એક જાટિલ અને જોખમી અભિયાન હાથ ધર્યું. આ મિશનના મુખ્‍ય સૂત્રધાર બ્રિગેડિયર યદુનાથસિહ હતા. આ ઓપરેશન ખરેખર જરાય ‘ઈઝી' (સરળ) ન હતું. ભારતીય સેનાએ સીધો હુમલો કરવાને બદલે દુશ્‍મનોને ગેરમાર્ગે દોરવાની અદભુત રણનીતિ વાપરી. વાયરલેસ સંદેશાઓ દ્વારા દુશ્‍મનોને એવું માનવા મજબૂર કર્યા કે ભારતીય સેના કોટલી પર હુમલો કરવાની છે. વાયુસેનાના ડાકોટા વિમાનોમાંથી આકાશમાં ‘ડમી' સૈનિકો (માણસ જેવા આકારનાં બાવલાં) પેરાશૂટથી ઉતારવામાં આવ્‍યા જેથી દુશ્‍મનોનો મોટો કાફલો કોટલી તરફ ફંટાઈ ગયો. આનો લાભ લઈ ભારતીય સેનાએ પુંચ તરફ કૂચ કરી. લેખક બ્રિગેડિયર યદુનાથસિંહના અનોખા વ્‍યક્‍તિત્‍વ પર પણ પ્રકાશ પાડે છે. તેઓ એક અત્‍યંત આધ્‍યાત્‍મિક, માંસાહાર અને શરાબથી દૂર રહેનારા અને રણમેદાનમાં પણ નિયમિત પૂજા-પાઠ કરનારા સેનાપતિ હતા. તેમણે સેનામાં ઉંચ-નીચના ભેદભાવ મિટાવવા ‘બડા ખાના' ની પ્રથા શરૂ કરી જેમાં તમામ જવાનો અને અફસરો સાથે બેસીને ભોજન લેતા. આખરે ૨૦ નવેમ્‍બર, ૧૯૪૮ના રોજ બપોરે ૨ વાગ્‍યે બ્રિગેડિયર યદુનાથસિહ અને બ્રિગેડિયર પ્રીતમસિહનો મેળાપ થયો અને ‘લિંક-અપ' સફળ રહ્યું. આ સાથે જ ૧૩ મહિના લાંબી કસોટીનો અંત આવ્‍યો. પુંચની મુક્‍તિ વખતે જોવા મળેલાં દ્રશ્‍યો અત્‍યંત હૃદયસ્‍પર્શી હતાં. વિખૂટા પડી ગયેલાં મા-બાપ, સંતાનો અને ભાઈ-બહેનો એકબીજાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્‍યા હતા.

 કાશ્‍મીર તથા પૂરું જમ્‍મુ પણ ન મેળવી શકેલા પાકિસ્‍તાને આખરી દાવ લદાખ પર હલ્‍લો બોલાવીને ખેલ્‍યો. પ્રકરણ ૨૦માં લખાયું છે કે, બાલ્‍ટિસ્‍તાનના પાટનગર સ્‍કર્દુને તે હુમલા માટેનું સ્‍પ્રિંગબોર્ડ બનાવ્‍યું. રશિયાના આક્રમણનો ભય સેવતી ભારતની બ્રિટિશ હકૂમતે લદાખની સુરક્ષા પાછળ ખાસ ધ્‍યાન આપ્‍યું ન હતું કેમ કે એ પ્રાંતનો સીમાડો રશિયાને બદલે ત્‍યારના કમજોર ચીન સાથે હતો. આથી પાક હુમલાખોરો સ્‍કર્દુ પર ચડી આવ્‍યા ત્‍યારે ભારતની સ્‍થિતિ નાજૂક બની. આમ છતાં ફેબ્રુઆરી-ઓગસ્‍ટ ૧૯૪૮ ના છ મહિના સુધી કર્નલ શેરજંગ થાપાના જવાનોએ શત્રુ સામે બહાદુરીપૂર્વક જે ધિગાણું ખેલ્‍યું તે ૧૯૪૭-૪૮ના ભારત-પાક યુદ્ધનું અવિસ્‍મરણીય પ્રકરણ બન્‍યું. એજ રીતે પ્રકરણ ૨૧ માં હિમશીખરોમાં ૧૧,૫૭૫ ફીટે ભારતનો વિક્રમો અને વિજય રણગાડીઓનો ઉલ્‍લેખ ઓપરેશન બિસન અંતર્ગત કરાયો છે તે ખરેખર જાણવા લાયક છે. સાથે લડાઇમાં ઉપયોગમાં લેવાયેલ ટેન્‍કમાં કઇ જગ્‍યાએ શું આવેલું હોય તેનું વિગતવાર માહિતી દર્શાવતું ચિત્રણ પર અદભૂત છે. હકીકતમાં ઇતિહાસ, આતંકવાદ અને માનવ સંઘર્ષનું જીવંત દસ્‍તાવેજ છે આ પુસ્‍તક ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન'. કાશ્‍મીરને ધરતી પરનું સ્‍વર્ગ કહેવામાં આવે છે પરંતુ છેલ્‍લા અનેક દાયકાઓથી તે આતંકવાદ, સરહદી ઘૂસણખોરી, ધાર્મિક કટ્ટરવાદ અને રાજકીય સંઘર્ષના અગ્નિમાં સળગી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને ઐતિહાસિક, રાજકીય અને માનવીય લ્લષ્ટિકોણથી સમજાવતું પુસ્‍તક ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન' માત્ર એક ઇતિહાસગ્રંથ નથી પરંતુ વાચકને વિચારવા મજબૂર કરતું દસ્‍તાવેજ છે. પુસ્‍તકના પ્રકરણોમાં કાશ્‍મીરના ઇતિહાસથી શરૂઆત કરીને ભારતના વિભાજન પછીની પરિસ્‍થિતિ, પાકિસ્‍તાન પ્રેરિત ઘૂસણખોરી, આતંકવાદી સંગઠનોનો ઉદય, કાશ્‍મીરી પંડિતોના સ્‍થળાંતર, ભારતીય સેનાના શૌર્ય, સરહદ પરના સતત સંઘર્ષો અને સામાન્‍ય નાગરિકોના દુઃખદ જીવનનું તથ્‍યાધારિત વર્ણન કરવામાં આવ્‍યું છે. દરેક પ્રકરણ કોઈ એક ઘટનાની માત્ર માહિતી આપતું નથી પરંતુ તેના ઐતિહાસિક કારણો, રાજકીય પરિણામો અને સામાજિક અસરોનું વિશ્‍લેષણ પણ કરે છે. લેખક કાશ્‍મીરની સમસ્‍યાને માત્ર સરહદી વિવાદ તરીકે નહીં પરંતુ માનવતા સામે ઊભા થયેલા પડકાર તરીકે રજૂ કરે છે. પુસ્‍તકમાં અનેક પ્રસંગો એવા છે જ્‍યાં ભારતીય જવાનોના અદમ્‍ય સાહસ, આતંકવાદ સામેની લડત અને દેશની અખંડિતતા માટે આપવામાં આવેલા બલિદાનનું અસરકારક ચિત્રણ જોવા મળે છે. બીજી તરફ આતંકવાદના કારણે પોતાના ઘર-પરિવારથી વિખૂટા પડેલા નિર્દોષ લોકોની કરુણ વેદના પણ એટલી જ સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવી છે. હકીકતે જોઇએ તો ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન'નો મુખ્‍ય સંદેશ એ છે કે હિસા કોઈ સમસ્‍યાનો ઉકેલ નથી. આતંકવાદનો સૌથી મોટો ભોગ નિર્દોષ નાગરિકો બને છે જ્‍યારે શાંતિ, સહઅસ્‍તિત્‍વ અને રાષ્ટ્રીય એકતા જ કાયમી સમાધાનનો માર્ગ છે. આ પુસ્‍તક વાચકને સમજાવે છે કે કાશ્‍મીરનો પ્રશ્ન માત્ર રાજકીય નથી તે ઇતિહાસ, સંસ્‍કૃતિ, માનવ અધિકારો, રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ સંવેદનાઓ સાથે ગાઢ રીતે જોડાયેલો વિષય છે. આ પુસ્‍તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ઘટનાઓનું માત્ર વર્ણન નથી પરંતુ તેના મૂળ કારણો અને પરિણામોનું વિશ્‍લેષણ પણ છે. ભાષા સરળ હોવા છતાં વર્ણન અસરકારક છે અને અનેક પ્રસંગો વાચકને ભાવવિભોર કરી દે છે. કાશ્‍મીરને માત્ર સમાચારની હેડલાઇન તરીકે નહીં પરંતુ તેના ઇતિહાસ, સંઘર્ષ અને માનવ પીડાને સમજવા ઇચ્‍છતા દરેક વાચક માટે ‘કાશ્‍મીરનું અગ્નીસ્‍નાન' એક મહત્‍વપૂર્ણ પુસ્‍તક સાબિત થાય છે. આ પુસ્‍તક વાચકને માત્ર માહિતી આપતું નથી, પરંતુ કાશ્‍મીરના પ્રશ્નને વધુ સંવેદનશીલ અને વ્‍યાપક લ્લષ્ટિકોણથી જોવાની પ્રેરણા પણ આપે છે.(૪૦.૩)

 

 

 

વિજ્ઞાનને જનજન સુધી પહોંચાડનાર કલમના જાદુગર ઍટલે નગેન્દ્ર વિજય

લેખક તરીકે નગેન્‍દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિગથી માંડીને એઇડ્‍સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્‍સ પ્‍લાન્‍ક સુધીના વૈવિઘ્‍યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી.  નગેન્‍દ્ર વિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્‍ટેડ ગુણવત્તા. નગેન્‍દ્ર વિજય ગુજરાતી ભાષાના અગ્રણી વિજ્ઞાનલેખક, પત્રકાર, તંત્રી અને લોકપ્રિય જ્ઞાનપ્રસારક છે. તેમણે વિજ્ઞાન, ઇતિહાસ, અંતરિક્ષ, પુરાતત્‍વ, રહસ્‍યો, ટેક્‍નોલોજી અને વૈશ્વિક ઘટનાઓ જેવા અઘરા વિષયો સામાન્‍ય વાચકો માટે અત્‍યંત સરળ અને રસપ્રદ ભાષામાં રજૂ કરીને ગુજરાતી જ્ઞાનસાહિત્‍યને નવી દિશા આપી છે.

નગેન્‍દ્રભાઇનો જન્‍મ ૧૫ ડિસેમ્‍બર, ૧૯૪૪ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા વિજયગુપ્ત મૌર્ય ગુજરાતી ભાષાના અગ્રણી વિજ્ઞાનલેખક હતા. ઘરમાં પુસ્‍તકો, વિજ્ઞાન અને લેખનનું વાતાવરણ હોવાથી બાળપણથી જ નગેન્‍દ્ર વિજયમાં વાંચન અને સંશોધનની ટેવ વિકસી. અન્‍ય બાળકો જ્‍યાં વાર્તાપુસ્‍તકોમાં રસ લેતા હતા ત્‍યાં તેઓ વિજ્ઞાન, પ્રકૃતિ અને વિશ્વના અજાયબ વિષયો અંગે વાંચવાનું પસંદ કરતા. આ જિજ્ઞાસાએ આગળ જતાં તેમના સમગ્ર જીવનની દિશા નક્કી કરી. યુવાન વયે તેમણે લેખન અને પત્રકારત્‍વની શરૂઆત કરી. શરૂઆતના લેખોમાં જ તેમની વિશેષતા સ્‍પષ્ટ દેખાતી હતી. તેમણે માત્ર સમાચાર રજૂ કર્યા નહીં પરંતુ દરેક વિષય પાછળના વૈજ્ઞાનિક કારણો અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને પણ વાચકો સુધી પહોંચાડ્‍યા. આ કારણે તેઓ ટૂંક સમયમાં જ ગુજરાતી પત્રકારત્‍વમાં અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યા.

ગુજરાતીમાં વિજ્ઞાન માટે સમર્પિત લોકપ્રિય સામયિકોનો અભાવ હતો. આ ખોટ પૂરી કરવા નગેન્‍દ્રભાઇએ ‘સ્‍કોપ' નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિકે યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્‍યે અદભૂત રસ જગાવ્‍યો. ‘સ્‍કોપ' માત્ર સામયિક નહોતું, પરંતુ ગુજરાતી વિજ્ઞાનલેખનની નવી શરૂઆત હતી. પછી તેમણે ‘ફલેશ' સામયિક શરૂ કર્યું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું વિશ્‍લેષણ, રહસ્‍યો અને સંશોધન આધારિત લેખો પ્રકાશિત થતા. આ સામયિકે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી. ૧૯૯૦ના દાયકામાં શરૂ થયેલું ‘સફારી' સામયિક નગેન્‍દ્રભાઇની સૌથી મોટી ઓળખ બન્‍યું. ‘સફારી' ગુજરાતના સૌથી લોકપ્રિય જ્ઞાનપ્રધાન સામયિકોમાં સ્‍થાન પામ્‍યું. ‘સફારી'માં વિજ્ઞાન, અવકાશ, પ્રાચીન સંસ્‍કૃતિઓ, રહસ્‍યમય સ્‍થળો, યુદ્ધ ઇતિહાસ, જાસૂસી, પુરાતત્‍વ, મનોવિજ્ઞાન, ટેક્રોલોજી અને સામાન્‍ય જ્ઞાન જેવા અનેક વિષયોનો સમાવેશ કરાયો છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે દરેક લેખ વિશ્વસનીય સંદર્ભો, સંશોધન અને તથ્‍યોના આધારે તૈયાર કરવામાં આવેલા.

નગેન્‍દ્ર વિજયની લેખનશૈલી અનોખી છે. તેઓ અઘરા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પણ સરળ ગુજરાતી ભાષામાં સમજાવે છે. તેમના લેખોમાં ક્‍યારેય બિનજરૂરી જટિલતા જોવા મળતી નથી. તેઓ પ્રશ્નોથી શરૂઆત કરીને ધીમે ધીમે વાચકને જવાબ સુધી પહોંચાડે છે. ચિત્રો, નકશા, માહિતીબોક્‍સ અને રસપ્રદ ઉદાહરણો દ્વારા વિષયને જીવંત બનાવી દેવાની તેમની આગવી કળા છે. સામયિકો ઉપરાંત તેમણે અનેક પુસ્‍તકો લખ્‍યાં છે. આ પુસ્‍તકોમાં વિજ્ઞાન, બ્રહ્માંડ, મહાન વૈજ્ઞાનિકો, યુદ્ધો, જાસૂસી, પ્રાચીન સંસ્‍કૃતિઓ અને વિશ્વના રહસ્‍યો જેવા વિષયો સરળ ભાષામાં રજૂ થયા છે. તેમના પુસ્‍તકો વિદ્યાર્થીઓ, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના ઉમેદવારો અને સામાન્‍ય વાચકોમાં ખૂબ લોકપ્રિય છે. નગેન્‍દ્રભાઇ માત્ર લેખક નથી, તેઓ વૈજ્ઞાનિક વિચારધારાના પ્રચારક પણ છે. અંધશ્રદ્ધા, અફવાઓ અને ખોટી માન્‍યતાઓ સામે તેઓ હંમેશા તર્ક, પુરાવા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રાધાન્‍ય આપે છે. તેમના લેખો વાચકોને કોઈ પણ માહિતી પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવા પરંતુ પ્રશ્નો પૂછવા અને તથ્‍યો તપાસવાની પ્રેરણા આપે છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓએ 'સફારી' વાંચીને વિજ્ઞાનમાં રસ વિકસાવ્‍યો છે. ઘણા વૈજ્ઞાનિકો, ડોક્‍ટરો, ઇજનેરો, શિક્ષકો અને પત્રકારો સ્‍વીકારે છે કે બાળપણમાં વાંચેલા નગેન્‍દ્રભાઇના લેખોએ તેમના વિચારોને નવી દિશા આપી હતી. તેમનું કાર્ય માત્ર માહિતી આપવાનું નથી પરંતુ જિજ્ઞાસા જગાવવાનું છે.

 નગેન્‍દ્રભાઇના પરિવારે પણ જ્ઞાનપ્રસારની પરંપરા જાળવી રાખી છે. તેમના પુત્રો હર્ષલ પુષ્‍કર્ણા અને વિશાલ વાસુ પણ 'સફારી' સાથે સંકળાયેલા રહ્યા અને જ્ઞાનપ્રધાન સામગ્રીને નવી પેઢી સુધી પહોંચાડવામાં યોગદાન આપ્‍યું છે. આ રીતે ત્રણ પેઢીઓથી જ્ઞાનપ્રસારની એક અનોખી પરંપરા આગળ વધી રહી છે. ગુજરાતીમાં વિજ્ઞાનલેખનને લોકપ્રિય બનાવવા, જ્ઞાનને સરળ ભાષામાં રજૂ કરવા અને વૈજ્ઞાનિક લ્લષ્ટિકોણ વિકસાવવા માટે નગેન્‍દ્રભાઇ વિજયનું યોગદાન ઐતિહાસિક ગણાય છે. તેમણે સાબિત કર્યું કે ગુજરાતી ભાષામાં પણ વિશ્વસ્‍તરીય ગુણવત્તાનું જ્ઞાનસાહિત્‍ય સર્જી શકાય છે.

નગેન્‍દ્રભાઇ વિજયની જીવનયાત્રા એક લેખકની સફળતાની કહાની નથી તે જિજ્ઞાસા, સંશોધન, તર્ક અને જ્ઞાન પ્રત્‍યેની અવિરત પ્રતિબદ્ધતાની ગાથા છે. તેમણે લાખો ગુજરાતી વાચકોને વિચારવાની, પ્રશ્ન પૂછવાની અને વિજ્ઞાનને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપી છે. તેમની કલમે માત્ર લેખો નથી લખ્‍યા પરંતુ અનેક પેઢીઓના વિચારોને નવી દિશા આપી છે. તેથી જ નગેન્‍દ્ર વિજયનું નામ ગુજરાતી વિજ્ઞાનલેખનના ઇતિહાસમાં સદાય અગ્રપંક્‍તિમાં રહેશે.

 

 

જગતના ઇતિહાસમાં ક્‍યાંય ન બની હોય એવી એ ઘટના હતી..

તારીખ ૧લી નવેમ્‍બર, ૧૯૪૮. આઝાદ ભારત અને પાકિસ્‍તાન નવજાત હતા. ભાગલા વખતે રહી ગયેલું કાશ્‍મીર મેળવવા પાકિસ્‍તાને આક્રમણ કરી દીધું હતું. એ વખતે પાકિસ્‍તાની કમાન્‍ડરે હેડક્‍વાર્ટરને મેસેજ મોકલ્‍યો ‘ભારતીયો અહીં ટેન્‍ક લઈને આવ્‍યા છે.' સામેથી જવાબ આવ્‍યો ‘મુરખના સરદાર, તેં માથે ગન ફિટ કરેલી જીપ જોઈ હશે અને ટેન્‍ક હોવાનો ભ્રમ થયો હશે, કેમ કે આ ઊંચાઈ કોઈ ટેન્‍ક પહોંચાડી જ ન શકે.' આ ઊંચાઈ એટલે કેટલી? ૧૧,૫૭૫ ફીટ. પાકિસ્‍તાની હેડક્‍વાર્ટરે જવાબ આપ્‍યો એ તાર્કિક રીતે જરાય ખોટો ન હતો. ૧૯૧૫માં બ્રિટને પ્રથમ ટેન્‍ક બનાવી ત્‍યારથી ૧૯૪૭ સુધીમાં આટલી ઊંચાઈએ ટેન્‍ક પહોંચ્‍યાના કોઈ કિસ્‍સા નોંધાયા ન હતા તેમ છતાંય ઝોજિ-લા ઘાટ પર કબજો જમાવવાના મનસૂબાથી બેઠેલા પાકિસ્‍તાની સરદારની વાત સાચી હતી. ભારતીય સૈન્‍યે ખરેખર ટેન્‍ક ત્‍યાં પહોંચાડી હતી. જગતના ઇતિહાસમાં ક્‍યાંય ન બની હોય એવી એ ઘટના હતી. નામ ‘અગ્નિસ્‍નાન' છે પણ આપણે અહિ જે વાત કરી એ બારેક હજાર ફીટ ઊંચા હિમ પહાડોની છે. ભારતના સૈનિકો ત્‍યાં ઠંડીથી ધ્રૂજતા હતા તો પાકિસ્‍તાની સૈનિકોને ભારતની ટેન્‍કો જોઈને ધ્રુજારી ઊપડી હતી.

પાકિસ્‍તાની આક્રમણે સ્‍કર્દુ, કારગીલ જેવાં મથકો કબજે લીધાં હતાં. હવે આગામી લક્ષ્યાંક લદ્દાખ હતું. એ માટે ઝોજિ-લા ઘાટ ઓળંગવો પડે. પાકિસ્‍તાની આક્રમણખોરો એ માટે તૈયાર હતા. તેમને ઝોજિ-લા ઓળંગતા રોકવા પડે. એ કામગીરી લેફટનન્‍ટ જનરલ કે. એમ. કરિઅપ્‍પા અને મેજર જનરલ કે. એસ. થિમૈયાના શિરે હતી. થિમૈયાએ આયોજન વિચાર્યું જે યુદ્ધ ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરનારું હતું. ઝોજિ-લામાં બનેલા પાકિસ્‍તાની બંકરોને તોપ-ગોળા વડે ઉડાવી દેવા. એ તોપના ગોળા વળી રણગાડી (ટેન્‍ક)માંથી વછૂટે. પહેલી નજરે કોઈ સહમત થવાનું ન હતું કેમ કે ભારત પાસે રહેલી બ્રિટિશ બનાવટની સ્‍ટુઅર્ટ ટેન્‍કો કંઈ એટલે દૂર ગોળા ફેંકી ન શકે. જનરલ થિમૈયાએ વાત આગળ વધારીને કહ્યું કે આપણે દૂરથી ગોળા નથી ફેંકવાના, ટેન્‍કોને જ ત્‍યાં લઈ જવાની છે જ્‍યાં રણમેદાન બનવાનું છે. એટલે કે ટેન્‍કોને ઝોજિ-લા ઘાટ પર ચડાવાની છે. ટેન્‍ક યુદ્ધના નિષ્‍ણાત લેફટનન્‍ટ કર્નલ રાજિન્‍દ્રસિંહને બોલવીને થિમૈયાએ આ અશક્‍ય લાગતું કામ સોંપ્‍યું. ભારતીય સૈન્‍યના ઘણાખરા જવાનો અશક્‍ય લાગતું કામ કરી દેખાડવા તાલીમબદ્ધ અને પ્રતિબદ્ધ હોય જ. ‘સ્‍પેરો'ના ઉપનામે ઓળખાતા રાજિન્‍દરસિંહ પણ હતા. નિર્ણય લેવાઇ ગયો કે ટેન્‍કો ઝોજિ-લા પર પહોંચશે, દુશ્‍મનના બંકરો ઉડાવી દેશે અને પછી જગતના સૌથી ઊંચા ટેન્‍ક યુદ્ધનો રેકોર્ડ પણ સ્‍થાપશે. હવે એક પછી એક સમસ્‍યા નિવારવાની હતી. પહેલો પ્રશ્ન એ હતો કે ઝોજિ-લાના માઇનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં ટેન્‍કો કામ કરશે કેમ? એ તો મેદાની વાતાવરણ માટે બનેલી હતી. એનું નિરાકરણ એમ વિચારાયું કે ત્‍યાં પહોંચીને જોયું જશે. બીજો પ્રશ્ન એ હતો કે ટેન્‍કો અખનૂરમાં હતી. ત્‍યાંથી ૪૦૦થી વધારે કિલોમીટર દૂર પહોંચાડવાની હતી. આટલે દૂર ટેન્‍કો જાય તો એનું સરઘસ લોકોના અને પછી દુશ્‍મન જાસૂસોના ધ્‍યાને આવ્‍યા વગર રહે નહીં. ગુપ્ત રીતે પહોંચાડવા માટે નિરાકરણ એ કરાયું કે ટેન્‍કની સૌથી મોટી ઓળખ તેની તોપ છે. માટે એ તોપ અલગ કરી દેવાઈ. એ પછી ટેન્‍કનો દેખાવ બીજા લશ્‍કરી વાહન જેવો થયો. શ્રીનગરથી પસાર થતી વખતે રાત્રિ કફર્યૂ જાહેર કરી પ્રવાસ કરાયો.

 વધુ એક પ્રશ્ન હતો કે રસ્‍તામાં આવતા અમુક પુલો ટેન્‍કોના ભારથી તૂટી જાય એમ હતા. એ વખતે ક્રેનનો ઉપયોગ કરી ટેન્‍કને ઊંચકી પુલ પાર કરવાનું નિરાકરણ કરાયું. ચોથો પ્રશ્ન એ હતો કે જ્‍યાં રણગાડી પહોંચાડવાની હતી ત્‍યાં પહોંચવા સાંકડી કેડી માત્ર હતી. પોણા આઠ ફીટની પહોળાઇ ધરાવતી ટેન્‍ક આવી શકે એવો રસ્‍તો ન હતો. નિરાકરણ એ કરાયું કે ભારતીય સૈન્‍યની મદ્રાસ સેપર્સ નામની બાહોશ એન્‍જાિનિયરિગ રેજિમેન્‍ટે એ કામ પોતાના માથે લીધું. પાંચમો, છઠ્ઠો, સાતમો.. જેટલા પ્રશ્નો આવ્‍યા એ બધાનું નિરાકરણ કરી દેખાડાયું. પરિણામ એ આવ્‍યું કે પહેલી નવેમ્‍બરે ટેન્‍કોએ પાકિસ્‍તાનીઓ પર ગોળા વરસાવાના શરૂ કર્યા ત્‍યારે પહેલા તેમને પોતાની આંખો પર ભરોસો થતો ન હતો. ૧૪ ટનથી વધારે વજનની ટેન્‍ક સામે જોયા પછી લશ્‍કરી અધિકારીએ પાકિસ્‍તાની હેડક્‍વાર્ટરમાં જાણ કરી તો શરૂઆતમાં નોંધ્‍યું એમ એમનેય વાત ધુપ્‍પલ લાગી હતી. પંદર દિવસ કરતાં વધુનો સમય કાપીને રણગાડીઓ ઝોજિ-લા પર જે યુદ્ધ માટે પહોંચી હતી એ પંદર કલાક પણ ન ચાલ્‍યું. એ પહેલાં જ પાકિસ્‍તાની આક્રમણખોરોનો ખાત્‍મો બોલ્‍યો. ઝોજિ-લા પર ભારતીય સૈન્‍યે કબજો કરી લીધો.

સાડા અગિયાર હજાર ફીટ ઊંચે ટેન્‍ક ચડાવાની હોય કે લેહની ધરતી જેવી ઊંચાઈએ વિમાન દ્વારા અશક્‍ય લાગતું ઉતરાણ કરવાનું હોય. મહિનાઓ સુધી ચાલેલો પુંચનો ઘેરો હોય કે પછી ‘બેટલ ઓફ શાલાતેંગ' હોય... એ બધું જ આજેય અજાણ્‍યું છે. પણ આ પુસ્‍તક કમસેકમ ગુજરાતી વાચકોને જાણકાર બનવાની તક આપે છે. શરૂઆતમાં કાશ્‍મીરનો ઈતિહાસ અને ભારત સાથે કાશ્‍મીરના જોડાણ પ્રશ્ન જેવા મુદ્દા પણ આવરી લેવાયા છે. ભારતીય જવાનોનાં પરાક્રમો કેવાં હોય અને પાકિસ્‍તાની હુમલાખોરોની નામર્દાનગી કેવી હોય, બંનેના જવાબો એમાંથી મળશે.

Kashmirnu Agnisnan By Vijaygupta Maurya

Edited by Nagendra Vijay

પ્રથમ આવૃત્તિ (ઓગસ્‍ટ, ૧૯૬૫)

સંવર્ધિત આવૃત્તિ (જુલાઇ, ૨૦૨૬)

મુખપૃષ્ઠઃ હિત જાવિયા, ઊનગેન્‍દ્ર વિજય, મુદ્રક અને પ્રકાશક, હર્ષલ પબ્‍લિકેશન્‍સ, ૪૦૧-૪૦૪, આર્યન ગ્‍લોરિઆ, ગાલા જીમખાના રોડ, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮

મુદ્રણસ્‍થાનઃ એલાઇડ ઓફસેટ પ્રિન્‍ટર્સ (ગુજરાત) પ્રાઇવેટ લિમિટેડ, ૭થી ૧૦, શ્રી લક્ષ્મી કમર્શિઅલ કો-ઓપરેટિવ એસ્‍ટેટ, અજોડ ડેરી રોડ, રખિયાલ, અમદાવાદ ૩૮૦૦૨૩

કિમતઃ રૂા. ૪૫૦

રાષ્ટ્રસપૂત જવાનોને ગર્વસભર હ્રદયે અર્પણ

(3:03 PM IST)