News of Friday, 7th August 2026
રામ મંદિરમાં કોઈ કૌભાંડ નથી થયું: સરકારે આપ્યો ૩૩૦૦ કરોડનો હિસાબ-કિતાબ
મોટા નાણાકીય કૌભાંડનો મામલો નથી પરંતુ રોકડની ગણતરી દરમિયાન થયેલી અલગ ચોરીનો મામલો છે : સરકારનો દાવો છે કે દાનની સંપૂર્ણ રકમનું ઓડિટ કરવામાં આવ્યું છે, જમીન ખરીદીની તમામ ચૂકવણી બેંક મારફતે કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓના દાનમાં પણ કોઈ ઘટાડો થયો નથી

અયોધ્યા,તા.૭: અયોધ્યાનું રામ મંદિર હાલમાં દાનની ચોરીને લઈને ચર્ચામાં રહ્યું છે. હવે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી સૂત્રોનું માનીએ તો રામ મંદિરના ૩૩૦૦ કરોડ રૂપિયાનો હિસાબ-કિતાબ એકદમ સાચો છે. કોઈ કૌભાંડ નથી થયું. જો હેરાફેરી થઈ છે તો માત્ર હાથથી રોકડ ગણતી વખતે થઈ છે. એટલું જ નહીં, સમગ્ર હિસાબ પણ સમજાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ સમગ્ર મામલો...
અયોધ્યામાં રામ મંદિરના દાનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે સરકારી સૂત્રોનું કહેવું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ કે ભ્રષ્ટાચારના દાવા સાચા નથી. રામ મંદિર માટે લોકોને મળેલા ૩,૩૦૦ કરોડ રૂપિયાના દાનનો સંપૂર્ણ હિસાબ રાખવામાં આવ્યો છે. તેનું સ્વતંત્ર બહારની ઓડિટર એમ/એસ વી શંકર અય્યર એન્ડ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રસ્ટે લગભગ ૧,૮૦૦ કરોડ રૂપિયા મંદિરના નિર્માણ અને ૪૦૦ કરોડ રૂપિયા જમીન ખરીદી પર ખર્ચ્યા છે. તમામ ચૂકવણી બેંકિગ વ્યવસ્થા મારફતે કરવામાં આવી છે અને કોઈપણ રોકડ વ્યવહાર થયો નથી.
આગળ જણાવવામાં આવ્યું કે, ટ્રસ્ટની નાણાકીય પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે અને તમામ ખર્ચ નક્કી કરાયેલા નિયમો અને બેંકિગ પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યા છે. તેથી મોટા પાયે નાણાકીય ગેરરીતિના આરોપોનો કોઈ નક્કર આધાર નથી.
રામ મંદિરમાં દાનની રકમને લઈને ઊભા થયેલા સવાલો પર સરકારી સૂત્રોએ ઘણી મહત્વની બાબતો સ્પષ્ટ કરી છે. તેમનું કહેવું છે કે આ કોઈ મોટા કૌભાંડનો મામલો નથી, પરંતુ દાનની રોકડ ગણતી દરમિયાન થયેલી અલગ ચોરીનો મામલો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દાનપેટીમાંથી કાઢવામાં આવેલી રોકડને મશીનથી ગણતા પહેલાં હાથથી અલગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન લ્ગ્ત્ તરફથી નિયુક્ત એજન્સી સૈનિક સિક્યુરિટી સર્વિસિસ (SSS)ના ૬ બહારના કર્મચારીઓએ ચોરી કરી હતી. CCTV ફૂટેજના આધારે તમામ આરોપીઓની ઓળખ કરીને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, આ આરોપીઓમાંથી કોઈપણ રામ મંદિર ટ્રસ્ટ અથવા મંદિર વહીવટીતંત્રનો કર્મચારી નહોતો.
સરકારે એ પણ જણાવ્યું કે, મામલાની તપાસ માટે બનાવવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT)ની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ નજર રાખી રહ્યું છે. તપાસ વરિષ્ઠ IPS અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રહે.
જમીન ખરીદીમાં ગેરરીતિના આરોપોને પણ સરકારે ફગાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર માટે ખરીદવામાં આવેલી સમગ્ર જમીનની ચૂકવણી બેંક ટુ બેંક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની રોકડ ચૂકવણી થઈ નથી.
અધિકારીઓનું કહેવું છે કે, જમીનની કિમત એટલા માટે વધારે રહી કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિસ્તારમાં જમીનના ભાવ વધી ગયા હતા અને ઘણા વ્યાવસાયિક બાંધકામોનું વળતર પણ આપવું પડ્યું હતું.
સરકારી આંકડા અનુસાર, જૂન ૨૦૨૬ની ઘટના બાદ પણ શ્રદ્ધાળુઓનો વિશ્વાસ ઓછો થયો નથી. રામ મંદિરમાં આવતા દાનમાં કોઈ ઘટાડો થયો નથી. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દર મહિને સરેરાશ લગભગ ૫ કરોડ રૂપિયા દાનપેટી મારફતે દાન તરીકે મળતા રહ્યા.
સરકારનું કહેવું છે કે, આ મામલો માત્ર ચોરીની એક અલગ ઘટનાનો છે અને તેને સમગ્ર રામ મંદિર ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા અથવા દાન વ્યવસ્થાપન સાથે જોડીને જોવું યોગ્ય નથી.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
