<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ચિત્રકૂટમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના નામે બોગસ લેટરહેડથી ભારે ધમાસાણ: પાંચ વીઆઈપીના દર્શન અને ઉતારા માટે અધિકારીઓ પર કોલનો મારો ચલાવનાર ઠગ ટોળકી સામે પોલીસ તપાસ તેજ

નાયબ મુખ્યમંત્રીની બનાવટી સહી અને ફોટોવાળો શંકાસ્પદ પત્ર એડીએમથી એસડીએમ સુધી પહોંચતા ખળભળાટ: 10-10 કોલ્સ આવતા તપાસનો ધમધમાટ શરૂ, આરોગ્ય મંત્રાલયે પત્રને ફગાવ્યો

ચિત્રકૂટ: તા.07: ભગવાન શ્રી રામની પવિત્ર તપોભૂમિ ચિત્રકૂટમાં નકલી પત્રના આધારે VVIP દર્શન અને રોકાણની ફાઇવ-સ્ટાર વ્યવસ્થા મેળવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના અધિકૃત સહી અને ફોટો ધરાવતા લેટરહેડનો ઉપયોગ કરીને વહીવટી તંત્રને ગુમરાહ કરવાનો સનસનાટીભર્યો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ શંકાસ્પદ પત્રમાં પાંચ લોકોના નામ અને મોબાઈલ નંબર દર્શાવીને તેમને વિશેષ પ્રોટોકોલ આપવાની માંગણી કરવામાં આવી હતી, જેનાથી સરકારી અધિકારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એડીએમ કાર્યાલય મારફતે સદર એસડીએમ અજય યાદવ પાસે એક પત્ર પહોંચ્યો. આ પત્રમાં આલોક કુમાર, સાધના દેવી, શિવાંગી, કુસુમ લતા અને સુધા ત્રિપાઠી નામના પાંચ શ્રદ્ધાળુઓને ચિત્રકૂટ ધામ ખાતે દર્શન કરાવવા તેમજ તેમના માટે રહેવાની ઉત્તમ સુવિધા ઊભી કરવા સૂચના આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે પત્ર આવ્યા બાદ એસડીએમ પર સતત 10 જેટલા ફોન કોલ્સ આવ્યા હતા. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ આકાશ બાજપાઈ બતાવીને પોતે ડેપ્યુટી સીએમ કાર્યાલયનો પીઆરઓ હોવાનો દાવો કર્યો હતો અને પ્રોટોકોલ જાહેર કરવા માટે ભારે દબાણ બનાવ્યું હતું.

અધિકારીઓને પત્રની તારીખોમાં વિસંગતતા અને વારંવાર આવતા કોલ્સથી શંકા જતાં મામલો ડીએમ, એસપી અને સીએમઓ સુધી પહોંચ્યો હતો. સીએમઓ ડૉ. મહેન્દ્ર ત્રિપાઠીએ તાત્કાલિક રાજ્યના આરોગ્ય મંત્રાલયનો સંપર્ક કરતાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમની કચેરીમાંથી આવો કોઈ જ પત્ર જારી કરવામાં આવ્યો નથી. આ પત્રમાં મુલાકાતની તારીખ અને પત્ર લખાયાની તારીખો વચ્ચે પણ ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો, જેનાથી આખી જાળસાજી ખુલ્લી પડી ગઈ હતી.

હાલમાં સદર કોતવાલી પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ફ્રોડ કેસમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એસપી અરુણ કુમાર સિંહે જણાવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ પત્ર સંપૂર્ણપણે નકલી અને બનાવટી જણાય છે. જે મોબાઈલ નંબરો પરથી અધિકારીઓ પર કોલ આવ્યા હતા તેની સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ પત્ર બનાવટી સાબિત થતાં જ ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.

(3:41 PM IST)