પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા સામે એફઆઈઆરની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ ગણાવી અરજદાર વકીલને લગાવી ભારે ફટકાર
સરકારી બંગલામાં લાગેલી આગ બાદ રોકડનો પહાડ મળવાના વિવાદમાં રાજીનામું આપનાર પૂર્વ જસ્ટિસ સામે સીબીઆઈ/એસઆઈટી તપાસની અરજી કોર્ટે ફગાવી: પબ્લિક ઇન્ટરેસ્ટના નામે સસ્તી પ્રસિદ્ધિ ન મેળવવા સુપ્રીમનો આકરો ચુકાદો

નવી દિલ્હી: તા.07: દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે એફઆઈઆર નોંધવા અને સીબીઆઈની એસઆઈટી તપાસ કરાવવાની માંગ કરતી અરજીને આકરા શબ્દો સાથે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને સખત શબ્દોમાં ઠપકો આપતા સ્પષ્ટ કર્યું હતું કે આવી અરજીઓ ન્યાય મેળવવા માટે નહીં પરંતુ માત્ર અને માત્ર "સસ્તી પ્રસિદ્ધિ" મેળવવાના ઉદ્દેશ્યથી જ દાખલ કરવામાં આવે છે. આ ચુકાદા સાથે જ પૂર્વ ન્યાયાધીશ સામે ફોજદારી તપાસની માંગ કરતી અરજીનો અંત આવ્યો છે.
આ સમગ્ર વિવાદની પાછળ એક નાટકીય ઘટનાક્રમ રહેલો છે. માર્ચ 2025માં દિલ્હી સ્થિત તેમના સત્તાવાર બંગલામાં અચાનક ભીષણ આગ લાગી હતી, તે સમયે જસ્ટિસ વર્મા અને તેમના પત્ની મધ્યપ્રદેશના પ્રવાસે હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બંગલામાંથી અડધી બળેલી નોટોના મોટા જથ્થાના બંડલો મળી આવ્યા હતા, જેનાથી સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ વિવાદ બાદ સંસદમાં તેમની સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમણે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપી દીધું હતું.
કોર્ટમાં એડવોકેટ ઘનશ્યામ ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જસ્ટિસ વર્માનું ન્યાયાધીશ પદેથી રાજીનામું તેમને બિનહિસાબી રોકડ સંબંધિત ફોજદારી જવાબદારીમાંથી મુક્ત કરી શકે નહીં. અરજદારે સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ સીબીઆઈની વિશેષ તપાસ ટીમ (SIT) બનાવીને સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરાવવાની અપીલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચે આ દલીલોને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવીને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અરજદાર વકીલને સખત લહેજામાં ફટકાર લગાવતા કહ્યું કે, કાયદાકીય પ્રક્રિયાનો ઉપયોગ સસ્તી પબ્લિસિટી મેળવવાના સાધન તરીકે ન થઈ શકે. પીઆઈએલના નામે પ્રસિદ્ધિ ભૂખ્યા અરજદારો પર આકરો પ્રહાર કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ મામલાની સુનાવણી કરવા બિલકુલ તૈયાર નથી. બીજી તરફ, પૂર્વ જસ્ટિસ વર્માએ તેમની સામેના તમામ ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેને પોતાની કારકિર્દી ખતમ કરવાનું મોટું ષડયંત્ર ગણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
