<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: પ્રશાંત કિશોરે સુનેત્રા પવારને આપ્યું આકરું અલ્ટીમેટમ, સુનીલ તટકરેને હટાવવા મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું

‘જો મારી સાથે કામ કરવું હોય તો તટકરે પર નિર્ણય લો’: મુંબઈમાં સુનેત્રા પવાર અને પીકે વચ્ચે યોજાયેલી ૬ કલાકની સીક્રેટ મેરેથોન બેઠકમાં રાજકીય ધમાસાણ સર્જાયું

મુંબઈ: તા.07: મહારાષ્ટ્રના રાજકારણમાંથી અજિત પવારના નિધન બાદ એનસીપી (NCP) સંગઠનમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સૂરજ પાર્ટીના સુપ્રીમો પ્રશાંત કિશોર (PK) અને એનસીપી રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવાર વચ્ચે મુંબઈ ખાતે યોજાયેલી ગુપ્ત બેઠકમાં મોટો ધડાકો થયો છે. મુંબઈમાં યોજાયેલી આ છ કલાક લાંબી હાઈ-પ્રોફાઈલ બેઠકમાં પ્રશાંત કિશોરે એનસીપી મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેની કાર્યશૈલી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પીકેએ સુનેત્રા પવારને સીધું અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "જો તમે ભવિષ્યમાં ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે મારી સેવાઓ લેવા માંગતા હો, તો સુનીલ તટકરે અંગે તાત્કાલિક નક્કર નિર્ણય લેવો પડશે."

મુંબઈમાં યોજાયેલી આ મેરેથોન બેઠક માટે પાર્થ પવાર પોતે ચાર્ટર્ડ પ્લેનમાં પ્રશાંત કિશોરને મુંબઈ લઈને આવ્યા હતા. આ બેઠકમાં પ્રશાંત કિશોરની ટીમ સાથે પાર્થ પવાર રૂબરૂ અને જય પવાર ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. એનસીપીએ તાજેતરમાં પોતાની જૂની એજન્સી સાથે કરાર સમાપ્ત કરીને પાર્ટીની છબી સુધારવા અને આગામી ચૂંટણીઓની કમાણ સોંપવા માટે પ્રશાંત કિશોરનો સંપર્ક કર્યો હતો. જોકે, બેઠક દરમિયાન પીકેએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અગાઉની ત્રણ બેઠકોમાં સંગઠનાત્મક ફેરફાર માટે આપેલી સૂચનાઓ પર કોઈ અમલ કરવામાં આવ્યો નથી. રાજ્યનું નેતૃત્વ જ્યાં સુધી સહકાર ન આપે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં કામ કરવું અશક્ય છે.

બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને ધૂળ ચાટતી કરીને મોટો રાજકીય ઉલટફેર કરનાર પ્રશાંત કિશોરના આ આકરા વલણથી હવે સમગ્ર મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, રાજ્યવ્યાપી ઓપિનિયન પોલ અને પક્ષના પુનર્ગઠન અંગે પણ ચર્ચા થઈ હતી. હવે બધાની નજર સુનેત્રા પવાર પર ટકેલી છે કે તેઓ પોતાના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેને પદ પરથી હટાવશે કે પ્રશાંત કિશોર સાથેનો કરાર પડતો મૂકશે.

(3:42 PM IST)