હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના રાજકારણમાં સસ્પેન્સ: RLM પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશનું મંત્રીપદ માર્ચ સુધી જ સુરક્ષિત, પાર્ટી વિલય કે ભાજપ સાથે છેડો ફાડવા મુદ્દે ગૂંચવાડો
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ભાજપે ખાલી બેઠક આપી દીપક પ્રકાશને એમએલસી બનાવી મંત્રીપદ બચાવ્યું: પણ સાત મહિના બાદ શરણાગતિ સ્વીકારી પાર્ટી મર્જ કરવી પડશે કે બળવો થશે?

પટના: તા.07: બિહારની રાજનીતિના ચાણક્ય ગણાતા રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા હાલમાં પોતાના રાજકીય અસ્તિત્વની સૌથી મોટી કસોટીમાંથી પસાર થઈ રહ્યા છે. રાજ્યપાલ દ્વારા એમએલસી (MLC) તરીકે મનોનિત કરાયા બાદ તેમના પુત્ર અને મંત્રી દીપક પ્રકાશે ૬ ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરીને માર્ચ ૨૦૨૭ સુધી પોતાની મંત્રી ખુરશી સુરક્ષિત કરી લીધી છે. પરંતુ ભાજપ દ્વારા પોતાની પાર્ટી RLMને ભારતીય જનતા પાર્ટીમાં વિલીન (Merge) કરવા માટે મુકાઈ રહેલા ભારે દબાણ વચ્ચે કુશવાહા માટે સાત મહિનાનો સમય અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે. જો માર્ચ પછી પણ દીપક પ્રકાશને મંત્રીપદે જાળવી રાખવા હશે, તો કુશવાહાએ ભાજપના શરણે જઈને પાર્ટીનું વિલીનીકરણ કરવું પડશે અથવા તો ભાજપ સાથે છેડો ફાડવો પડશે.
ઉપેન્દ્ર કુશવાહા હાલમાં આંતરિક અને બાહ્ય એમ બેવડી કટોકટીનો સામનો કરી રહ્યા છે. પક્ષના ચાર ધારાસભ્યોમાંથી તેમની પત્ની સ્નેહલતા કુશવાહ સિવાયના અન્ય ત્રણ ધારાસભ્યો માધવ આનંદ, આલોક સિંહ અને રામેશ્વર મહતો ગમે ત્યારે પક્ષ છોડી દે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, કુશવાહાએ તેમને હોદ્દાઓ સોંપીને હાલ પૂરતું બળવાખોરીનું સંકટ ટાળ્યું છે. પરંતુ આ ઘટનાક્રમે સાબિત કરી દીધું છે કે તેમની પાર્ટીની એકતા ત્યાં સુધી જ અકબંધ છે જ્યાં સુધી ભાજપ તેને તોડવા માંગતી નથી. બીજી તરફ, જૂન મહિનામાં યોજાયેલી ૧૦ એમએલસી બેઠકોમાં ભાજપે દીપક પ્રકાશને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે કુશવાહાએ આરએલએમને ભાજપમાં મર્જ કરવાની ના પાડી દીધી હતી.
દરમિયાન, કોઈપણ ગૃહના સભ્ય બન્યા વિના છ મહિનાથી વધુ સમય સુધી મંત્રીપદે રહેવાના દીપક પ્રકાશના કેસમાં સુપ્રીમ કોર્ટે સમ્રાટ ચૌધરી સરકાર પાસે કડક ખુલાસો માંગ્યો હતો. કોર્ટની કાર્યવાહી અને સંભવિત ફટકારથી બચવા માટે ભાજપે પોતાના જ એક એમએલસીનું રાજીનામું અપાવીને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયે સુનાવણી થાય તે પહેલા દીપક પ્રકાશને એમએલસી બનાવવાની ફરજ પડી હતી. જોકે, પંજાબના જૂના કેસના ઉદાહરણ મુજબ સુપ્રીમ કોર્ટ જો ગેરબંધારણીય નિમણૂક અંગે આકરો ચુકાદો આપે છે, તો કુશવાહા પરિવારની મુશ્કેલીઓ વ્યાપક બની શકે છે. હવે આગામી સાત મહિનામાં કુશવાહા ભાજપ સાથે વિલીનીકરણ કરે છે કે દિલ્હીથી ફરી નવો રાજકીય રસ્તો કંડારે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
