News of Friday, 7th August 2026
ઈરાનમાં સત્તાના સુપ્રીમ લીડરની ઓળખ પર રહસ્ય ઘેરાયું: રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનો દાવો, 'મને કાળી કારમાં અંધારામાં લઈ ગયા, મોજતબા ખામેની સાથે કથિત મુલાકાતમાં માત્ર અવાજ જ સાંભળ્યો'
કાળા કાચવાળા વાહનમાં મધ્યરાત્રિએ યોજાયેલી ગુપ્ત બેઠકે મધ્ય પૂર્વના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો: તેહરાનના ટોચના નેતૃત્વમાં સત્તાની દોરી કોના હાથમાં છે તે અંગે મોટું સસ્પેન્સ

તેહરાન: તા.૦૭: ઈરાનના રાજકીય વર્તુળોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે સમયે ભારે સનસનાટી મચી ગઈ જ્યારે દેશના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને એક અત્યંત ચોંકાવનારો અને બોલ્ડ દાવો કર્યો. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને તેહરાનમાં એક અજ્ઞાત અને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ઈરાનના કથિત નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની સાથે કરાવવામાં આવી હતી. જોકે, આ મુલાકાત અત્યંત રહસ્યમય સંજોગોમાં યોજાઈ હોવાથી રાષ્ટ્રપતિ પોતે સત્તાના સર્વોચ્ચ શિખર પર બેઠેલી વ્યક્તિની સાચી ઓળખ પર ઊંડી શંકા વ્યક્ત કરી રહ્યા છે.
'ઈરાન ઈન્ટરનેશનલ'ના અહેવાલ અનુસાર, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને કાળા કાચ ધરાવતી એક ખાસ વિશિષ્ટ કાળી કારમાં બેસાડીને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કારની અંદર અને બેઠક સ્થળે એટલું ગાઢ અંધારું રાખવામાં આવ્યું હતું કે તેઓ પોતાની બિલકુલ બાજુમાં બેઠેલા વ્યક્તિનો ચહેરો પણ જોઈ શક્યા ન હતા. મુલાકાત બાદ પેઝેશ્કિયાને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, "મેં અંધારામાં માત્ર એક અવાજ સાંભળ્યો હતો, પરંતુ મને બિલકુલ ખાતરી નથી કે એ અવાજ ખરેખર દેશના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો જ હતો કે અન્ય કોઈનો."
આ કથિત ગુપ્ત બેઠકે ઈરાનના ટોચના સૈન્ય અને રાજકીય નેતૃત્વમાં ચાલી રહેલી ગતિવિધિઓ અને અત્યંત ગુપ્તતા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. દેશના રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ પર બેઠેલા નેતાને પણ પોતાના જ સુપ્રીમ લીડરનો ચહેરો જોવા ન મળે અને માત્ર અંધારામાં સંવાદ સાધવો પડે, તે ઘટનાએ ઈરાનની અંદર ચાલી રહેલી સત્તાની આંતરિક ખેંચતાણ અને નેતૃત્વના રહસ્યને વધુ ઘેરું બનાવી દીધું છે. આ દાવ્યા બાદ વૈશ્વિક રાજકીય વિશ્લેષકો ઈરાનના ભવિષ્ય અને તેની સત્તાના વાસ્તવિક કેન્દ્ર અંગે જાતજાતની અટકળો લગાવી રહ્યા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
