<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

"હું હવે વૈજ્ઞાનિક નહીં બનું, ભારતમાં શિક્ષણનું કોઈ મૂલ્ય નથી": દિલ્હીના જંતર-મંતર વિરોધ પ્રદર્શનથી પ્રખ્યાત થયેલા બિહારી વિદ્યાર્થી સચિન કુમારે રેલવે સ્ટાફ પર ગંભીર મારપીટના આરોપ લગાવ્યા

ભૂલથી જનરલ ટિકિટ સાથે રાજધાની એક્સપ્રેસમાં ચઢી ગયેલા છાત્ર સાથે ટીટીઈ અને આરપીએફ જવાનોનું બર્બર વર્તન: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ

ગયા: તા.૦૭: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોતાનું જૂનું અને ફાટેલું પુસ્તક બતાવીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર બિહારના ગયા જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થી સચિન કુમાર સાથે ફરી એકવાર કરૂણ ઘટના ઘટી છે. સચિને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કરીને રેલવે કર્મચારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનો પર અમાનુષી મારપીટ અને દુર્વ્યવહારના અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.

 

સચિનના જણાવ્યા મુજબ, તે પોતાના દસ્તાવેજોના કામ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) બહેરામપુર (ઓડિશા) ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ધનબાદ ખાતે ઉતાવળમાં તેણે જનરલ ટિકિટ ખરીદી હતી અને અજાણતાં હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં ચઢી ગયો હતો. સચિને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે તેને ખબર નહોતી કે રાજધાની એક્સપ્રેસમાં ફક્ત એસી કોચ જ હોય છે. તેણે ટ્રેનમાં હાજર ટીટીઈને વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે તેની પાસે ટિકિટ અપગ્રેડ કરવાના વધારાના પૈસા નથી.

 

વીડિયોમાં ધ્રુસકે-ધ્રુસકે રડતા સચિને આક્રોશ વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે, "ટ્રેનના ટીટીઈ અને પોલીસ કર્મચારીઓએ મારી સાથે અત્યંત ખરાબ વર્તન કર્યું અને મને એટલો ખરાબ માર માર્યો કે હું તેનું વર્ણન પણ કરી શકતો નથી. મેં તેમને મારા બધા શૈક્ષણિક દસ્તાવેજો બતાવ્યા છતાં કોઈએ મારી વાત ન સાંભળી. જો દોષિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું મારો અભ્યાસ છોડી દઈશ અને ક્યારેય વૈજ્ઞાનિક નહીં બનું. ભારતમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓનું કોઈ મૂલ્ય નથી."

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને યુઝર્સ રેલવે તંત્ર પાસે દોષિત સ્ટાફ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સચિન ત્રણ વખત NEET પરીક્ષા આપી ચૂક્યો છે. આર્થિક મજબૂરીઓ અને કૌટુંબિક સંઘર્ષો વચ્ચે પણ તેણે આ વખતે રી-નીટમાં ૪૪૧ ગુણ અને CUET માં ૫૪૬ ગુણ મેળવ્યા હતા. ડૉક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ ગયા બાદ તે વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધીને વૈજ્ઞાનિક બનવા માંગતો હતો, પરંતુ આ ઘટના બાદ તે ભારે માનસિક આઘાતમાં સરી પડ્યો છે.

 

(4:24 PM IST)