<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

દુબઈથી મુંબઈ ડિલિવરી લેવાના નામે ₹૧૪.૪૨ લાખના દાગીના-આઈફોન તારવી મહિલા કુવૈત છૂ થઈ ગઈ: સહાર પોલીસે ભેજાબાજ મહિલા સામે જારી કરી લુકઆઉટ નોટિસ

મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી એરપોર્ટ પર માત્ર ચોકલેટ અને કપડાંની બેગ છોડીને દાગીના-લેપટોપ લઈને ફરાર થઈ: ગાયબ થયેલી ટ્રોમ્બેની ૪૧ વર્ષીય મહિલાને પકડવા રેડ કોર્નર જેવી તૈયારીઓ

મુંબઈ: તા.૦૭: દુબઈથી મુંબઈ કિંમતી સામાન પહોંચાડવાના નામે વિશ્વાસઘાત અને ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૩૩ વર્ષીય ઉદ્યોગપતિને આર્થિક ચૂનો લગાડી ₹૧૪.૪૨ લાખની કિંમતી વસ્તુઓ સેરવીને વિદેશ ભાગી ગયેલી ટ્રોમ્બેની ૪૧ વર્ષીય મહિલા મહજબીન ઇમરાન સામે મુંબઈની સહાર પોલીસે કડક વલણ અપનાવતા લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યો છે. આરોપી મહિલા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ સામાન આપ્યા વગર સીધી કુવૈત ભાગી ગઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 

ઘટનાની વિગત મુજબ, દુબઈમાં વ્યવસાય કરતા ઉમર રાજપૂત નામના ઉદ્યોગપતિ મહજબીન ઇમરાનને છેલ્લા સાત વર્ષથી ઓળખતા હતા. આ પરિચયના આધારે તેમણે ૩૦ જૂને મુંબઈમાં રહેતી પોતાની પત્નીને સુપ્રત કરવા માટે મહજબીનને સોનાના દાગીના, એક નવો આઈફોન, મોંઘું લેપટોપ, કપડાં અને ચોકલેટ સોંપ્યા હતા. જોકે, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉમર રાજપૂતની પત્ની કલાકો સુધી રાહ જોતી રહી પરંતુ મહજબીન સામાન આપવા પહોંચી જ નહીં અને તેનો ફોન પણ બંધ આવવા લાગ્યો હતો.

 

તપાસ દરમિયાન એરપોર્ટના 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' વિભાગમાંથી માત્ર કપડાં અને ચોકલેટ ભરેલી એક બેગ મળી આવી હતી, જ્યારે સોનાના દાગીના, આઈફોન અને લેપટોપ જેવા ₹૧૪.૪૨ લાખના કિંમતી સામાન સાથે મહિલા ગાયબ હતી. સહાર પોલીસની વધુ તપાસમાં ખુલાસો થયો કે મહિલા એરપોર્ટથી જ સીધી કુવૈત ફ્લાઈટ પકડીને ભાગી ગઈ હતી, જ્યાં તેની બહેન રહે છે. આ મામલે ૨૦ જુલાઈના રોજ એફઆઈઆર (FIR) નોંધાયા બાદ હવે પોલીસે તેને ઝડપી પાડવા માટે તમામ એરપોર્ટ પર એલર્ટ સાથે લુકઆઉટ નોટિસ જારી કરી છે.

 

(4:45 PM IST)