હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'જનરેશન ગટર' ટિપ્પણીથી વિવાદ સર્જ્યા બાદ કંગના રનૌતનો યુ-ટર્ન: મોહન ભાગવતના નિવેદન બાદ ભાજપ સાંસદે જનરલ ઝેડને દેશની સૌથી મોટી તાકાત અને સાંસ્કૃતિક રાજદૂત ગણાવ્યા
આરએસએસ વડા મોહન ભાગવતના યુવાનો પ્રત્યેના નરમ વલણ બાદ કંગનાના સૂર બદલાયા: રાંચીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને ન મળવા બદલ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી: તા.૦૭: વિવાદોથી ઘેરાયેલી રહેતી બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે 'જનરેશન ઝેડ' (Gen Z) અંગે પોતાના અગાઉના નિવેદન પર મોટો યુ-ટર્ન લીધો છે. થોડા દિવસો પહેલા યુવા વિરોધ પ્રદર્શનકારીઓને "જનરેશન ગટર" કહીને દેશભરમાં મોટો વિવાદ ઊભો કરનાર કંગનાએ શુક્રવારે સાંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં અચાનક સૂર બદલીને યુવાનોની ભારે પ્રશંસા કરી હતી. તેમણે જનરેશન ઝેડને ભારતની સૌથી મોટી તાકાત અને દેશની સાંસ્કૃતિક ઓળખના સાચા રાજદૂત ગણાવ્યા હતા.
કંગનાના આ વલણમાં આવેલો મોટો ફેરફાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતના નિવેદન બાદ જોવા મળ્યો છે. મોહન ભાગવતે મુંબઈમાં આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે યુવાનો આપણી પોતાની જ નવી પેઢી છે અને તેમની માંગણીઓ પ્રેમાળ રીતે સાંભળવી જોઈએ; શાંતિપૂર્ણ વિરોધ કરનારા યુવાનો પર "રાષ્ટ્રવિરોધી" હોવાનો આરોપ ન લગાવવો જોઈએ. આ નિવેદનનો ઉલ્લેખ કરતા કંગના રનૌતે જણાવ્યું હતું કે, "અમને મોહન ભાગવતજીના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવાની તક મળી છે. એ ખુશીની વાત છે કે દેશનો યુવા વર્ગ આપણી સાંસ્કૃતિક ઓળખને અપનાવીને આગળ વધી રહ્યો છે."
પોતાની ટિપ્પણીઓ અંગે સ્પષ્ટતા કરતા કંગનાએ ઉમેર્યું કે, "જનરેશન ઝેડ આપણી સરકારનો જ એક મહત્વનો ભાગ છે અને દેશ માટે મોટી સંપત્તિ છે. ફક્ત ૧૦ થી ૧૫ લોકો જે ગાળો બોલે છે કે ગેરવર્તણૂક કરે છે, તેઓ આખી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા નથી. મુઠ્ઠીભર લોકો આખી જનરેશન ઝેડનું નામ ખરાબ કરી રહ્યા છે." આ સાથે કંગનાએ ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં ગડબડી સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે તેઓ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને મળવા રાંચી પહોંચ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, જંતર-મંતર ખાતે શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા વીડિયોમાં જે ભાષાનો ઉપયોગ થયો હતો તેના પર ગુસ્સો વ્યક્ત કરતા કંગનાએ અત્યંત તીખા શબ્દો પ્રયોગ કર્યા હતા. તેમણે પ્રદર્શનકારી યુવતીઓને "પશ્ચિમી ભારતીય મહિલાઓની નવી પેઢી" ગણાવીને "જનરેશન ગટર" કહી દીધી હતી. જોકે, આરએસએસ વડાના નિવેદન અને ચોમેરથી થયેલા વિરોધ બાદ કંગનાએ પોતાનું વલણ બદલવું પડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
