<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ડિજિટલ ગોલ્ડ ભારત માટે $૫ ટ્રિલિયનની આર્થિક તકોના દ્વાર ખોલી શકે છે: વિઘ્નહર્તા ગોલ્ડના સ્થાપક મહેન્દ્ર લુનિયાનો દાવો

તિજોરીઓમાં બંધ પડેલા નિષ્ક્રિય સોનાને ડિજિટાઇઝ કરીને નાણાકીય પ્રણાલીમાં લાવવાથી દેશની આયાત નિર્ભરતા ઘટશે: ₹૧૫૦ થી શરૂ થતી ઈ-ગોલ્ડ બચત ભારતીયોના રોકાણનું ભવિષ્ય બદલશે

મુંબઈ: તા.૦૭: ભારતમાં સોનું હંમેશાં માત્ર આભૂષણ નહીં પરંતુ સૌથી સલામત રોકાણ અને સંપત્તિના સંગ્રહનું મુખ્ય માધ્યમ રહ્યું છે. તહેવારો અને લગ્નોત્સવમાં સોનાની ખરીદી ભારતીય પરંપરાનો એક અવિભાજ્ય હિસ્સો છે. પરંતુ ભારતીય ઘરો અને તિજોરીઓમાં બંધ પડેલું આ કરોડોનું સોનાનું ભંડાર આર્થિક રીતે નિષ્ક્રિય રહે છે. વિઘ્નહર્તા ગોલ્ડ લિમિટેડના સ્થાપક અને પ્રમુખ મહેન્દ્ર લુનિયાના જણાવ્યા મુજબ, ઘરેલુ તિજોરીઓમાં પડતર રહેલું આ સોનું ભારત માટે ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગે સૌથી મોટી વણઉપયોગી આર્થિક તક સમાન છે.

 

જાણીતા વ્યાપાર પત્રકાર વિવેક લો દ્વારા આયોજિત પૌડકાસ્ટમાં વાતચીત કરતા મહેન્દ્ર લુનિયાએ જણાવ્યું હતું કે, જે રીતે છેલ્લા બે દાયકામાં કાગળના શેર પ્રમાણપત્રોનું ડીમેટ ખાતામાં પરિવર્તન થયું અને રોકડ વ્યવહારો UPI તરફ વળ્યા, તે જ રીતે હવે સોનાની માલિકીનું પણ ઝડપથી ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે. આજે સોનાનો ભાવ ₹૧.૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીને સ્પર્શી રહ્યો છે ત્યારે સામાન્ય પરિવાર માટે ભૌતિક સોનું એકસાથે ખરીદવું કઠિન બન્યું છે. આવી સ્થિતિમાં ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ સામાન્ય રોકાણકારોને માત્ર ₹૧૫૦ જેવી નાની રકમથી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ની જેમ નિયમિત બચત કરવાની સુવિધા આપે છે.

 

લુનિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ડિજિટલ ગોલ્ડ પરંપરાગત ઘરેણાં ખરીદવાની આદતને નાબૂદ નથી કરતું પરંતુ તેને વધુ સરળ બનાવે છે. રોકાણકારો વર્ષો સુધી ડિજિટલ સ્વરૂપે થોડું-થોડું સોનું ભેગું કરી શકે છે અને બાદમાં લગ્નપ્રસંગે તેને ભૌતિક દાગીનામાં રૂપાંતરિત કરી શકે છે. આ સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) એક ક્રાંતિકારી સાધન સાબિત થઈ રહ્યું છે, જે નિયમનકારી તિજોરીઓમાં સુરક્ષિત ભૌતિક સોના દ્વારા સમર્થિત છે. આ ટેકનોલોજીથી ગ્રાહકો પોતાના ડીમેટ ખાતામાંથી સીધા ઝવેરીઓને સોનું ટ્રાન્સફર કરી શકશે અને માત્ર ઘડામણ ચાર્જ ચૂકવીને નવો દાગીનો મેળવી શકશે.

 

ભારતીય ઘરોમાં રહેલું સોનું હાલમાં એક 'સ્લીપિંગ એસેટ' છે. દેશ દર વર્ષે કરોડો ડોલરનું વિદેશી હૂંડિયામણ ખર્ચીને સેંકડો ટન સોનું આયાત કરે છે. જો આ નિષ્ક્રિય સોનાનો નાનો હિસ્સો પણ ડિજિટલ વ્યવસ્થા દ્વારા અર્થતંત્રમાં તરલતા (Liquidity) લાવવા માટે ઉપયોગમાં લેવાય, તો તે સ્થાનિક ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડી શકે છે અને દેશની આયાત નિર્ભરતામાં મોટો ઘટાડો કરી શકે છે. વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવ અને યુએસ ડોલરની અસ્થિરતા વચ્ચે વિશ્વની સેન્ટ્રલ બેંકો પોતાના ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે ત્યારે ભારતનું ઘરેલુ સોનું દેશની નાણાકીય સ્થિરતાને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

 

(5:09 PM IST)