હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"પ્રભુનું ધન છે, તમારા-મારા ઘરેથી ક્યાં જાય છે?": રામમંદિર દાનચોરીમાં ચોંકાવનારો ખુલાસો, જૂના CCTV ડિલીટ કરવા સુધી રચાયું મોટું ષડયંત્ર
ગણતરી રૂમમાં બૂટ અને કપડાંમાં છુપાવીને થતી હતી નોટોની ચોરી; ૪ વર્ષ પહેલાં ફરિયાદ કરવા છતાં દાબી દેવાયો હતો મામલો: SC ના આદેશ બાદ સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટર દ્વારા SIT ની તપાસ તેજ

અયોધ્યા: તા.૦૭: દેશના સૌથી આસ્થાસ્પદ ધાર્મિક સ્થાન એવા અયોધ્યાના રામમંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં થયેલી મોટો ગેરરીતિ અને ચોરીના કેસે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં દાન વ્યવસ્થા, દેખરેખ અને ઉત્તરદાયિત્વ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બીબીસીની તપાસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની પ્રારંભિક કાર્યવાહીમાં બહાર આવ્યું છે કે મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી અતિ આયોજનબદ્ધ રીતે દાનની રકમની ચોરી આચરવામાં આવી રહી હતી અને તેને છુપાવવા માટે અનેક ગંભીર પ્રયાસો પણ કરાયા હતા.
મંદિરના ગણતરી વિભાગ (કાઉન્ટિંગ રૂમ) માં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ કર્મચારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, ભક્તો દ્વારા દાનપેટીમાં અર્પણ કરાતી રોકડ રકમ જ્યારે કાઉન્ટિંગ રૂમમાં લાવવામાં આવતી ત્યારે કર્મચારીઓ નોટોનું વર્ગીકરણ કરતી વખતે તેને પોતાના જૂતા, જેકેટ કે કપડાંની અંદર છુપાવી લેતા હતા. જ્યારે કર્મચારીઓએ આ અંગે ઇનચાર્જ સુભાષ શ્રીવાસ્તવને ફરિયાદ કરી ત્યારે તેમણે બેદરકારી દાખવતા કહ્યું હતું કે, "આ ભગવાનના પૈસા છે અને ભગવાન જોઈ રહ્યા છે, આપણા ઘરમાંથી શું જવાનું છે?" પાછળથી પોલીસ દ્વારા જે આઠ લોકોની ધરપકડ કરાઈ તેમાં સુભાષ શ્રીવાસ્તવ અને ચંપત રાયના ખાસ સહયોગી રામશંકર યાદવ ઉર્ફે ટીનુ પણ સામેલ છે.
ચોંકાવનારી બાબત એ છે કે ૨૦૨૧-૨૨ દરમિયાન રામમંદિરના હિસાબો સંભાળતા મહિપાલ સિંહે દાવો કર્યો છે કે તેમણે ૨૦૨૨ માં પણ ₹૫ લાખની ગરબડ પકડી પાડી હતી. જ્યારે તેમણે આ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને ટ્રસ્ટીઓને જાણ કરી ત્યારે કોઈ કાર્યવાહી કરવાને બદલે તે સમયના CCTV ફૂટેજ ડિલીટ કરવાનો પ્રયાસ કરાયો હતો અને મહિપાલ સિંહને બીજા જ દિવસે કામ પરથી હટાવી દેવાયા હતા. આ સિવાય વર્તમાન કેસમાં પણ જૂન મહિનાની શરૂઆતમાં જ ચોરી પકડાઈ ગઈ હોવા છતાં અને ટ્રસ્ટે આરોપીઓ પાસેથી ₹૮૧ લાખ જેટલી રકમ વસૂલ કરી લીધી હોવા છતાં દિવસો સુધી પોલીસમાં FIR દાખલ કરવામાં આવી નહોતી.
SIT ની તપાસમાં સામે આવ્યું છે કે ૨૦૨૪ માં બનાવાયેલા સુરક્ષાના કડક નિયમોને ૨૦૨૫ માં નબળા કરી દેવાયા હતા અને ગણતરી રૂમના સ્ટાફનું ચેકિંગ બંધ કરી દેવાયું હતું. માત્ર ૨૭ એપ્રિલથી ૫ જૂન સુધીના ૩૯ દિવસના CCTV તપાસતાં જ ૭૦ થી વધુ વખત ચોરી થતી કેમેરામાં કેદ થઈ હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશથી ઉત્તર પ્રદેશ સરકારે SIT ની પુનઃરચના કરી છે અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે એક સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટરને પણ આ તપાસ ટીમમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
