હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશ સાથે ગંગા જળ સંધિના નવીકરણ સામે ભાજપના સાથી પક્ષનો વિરોધ: જેડીયુ સાંસદ સંજય ઝાએ બિહારના હિતોનું રક્ષણ કરવા ઉઠાવી જોરદાર માંગ
૧૯૯૬ થી બિહારની વસ્તી બમણી થઈ હોવાથી ૨૦૫૦ સુધીમાં વધારાના ૨,૦૦૦ ક્યુસેક પાણીની જરૂર પડશે: વ્યાપક વૈજ્ઞાનિક મૂલ્યાંકન વિના સંધિ આગળ ન વધારવા કેન્દ્રને વિનંતી

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૧૯૯૬ માં થયેલી ઐતિહાસિક ગંગા જળ સંધિની ૩૦ વર્ષની મુદત આ વર્ષના ડિસેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહી છે. એક તરફ સંસદીય સમિતિએ સરકારને વિલંબ કર્યા વિના ઢાકા સાથે વાટાઘાટો શરૂ કરીને સંધિનું નવીકરણ કરવા ભલામણ કરી છે, ત્યારે બીજી તરફ કેન્દ્રની એનડીએ સરકારમાં ભાજપના મુખ્ય સહયોગી પક્ષ જનતા દળ (યુનાઇટેડ) ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સંજય ઝાએ આ પ્રસ્તાવ સામે આકરો વાંધો ઉઠાવીને મોટો અવરોધ ઊભો કર્યો છે.
રાજ્યસભામાં ખાસ ઉલ્લેખ દ્વારા આ ગંભીર મુદ્દો ઉઠાવતા સંજય ઝાએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ગંગા નદીના કિનારે આવેલા રાજ્યો, ખાસ કરીને બિહારની વર્તમાન અને ભવિષ્યની પાણીની જરૂરિયાતોનું વ્યાપક વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યા વિના ૧૯૯૬ ની ફરક્કા જળ સંધિનું તેના વર્તમાન સ્વરૂપમાં નવીકરણ કરવામાં ન આવે. તેમણે દલીલ કરી હતી કે ૧૯૯૬ ની સરખામણીએ બિહારની વસ્તી બમણી થઈ ગઈ છે, જેના કારણે પીવાના પાણી, સિંચાઈ અને સ્થાનિક ઉદ્યોગો માટે પાણીની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.
ઝાએ આ મુદ્દાને ‘રાષ્ટ્રીય હિતનો વિષય’ ગણાવતા ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈપણ નવી સમજૂતી કે વ્યવસ્થાને આખરી ઓપ આપતા પહેલા બિહારની લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. ફરક્કા બેરેજ મૂળ કોલકાતા બંદરની જરૂરિયાતો પૂરી કરવા બનાવાયો હતો, પરંતુ દક્ષિણ બિહારના ભૂગર્ભજળનું સ્તર સતત ઘટી રહ્યું હોવાથી રાજ્ય પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ૨૦૫૦ સુધીમાં બિહારને વધારાના ૨,૦૦૦ ક્યુસેક પાણીની જરૂર પડશે, તેથી બિહારના હિતોની સુરક્ષા વિના સંધિ લંબાવવી રાજ્ય માટે નુકસાનકારક રહેશે.
ઉલ્લેખનીય છે કે ૧૨ ડિસેમ્બર, ૧૯૯૬ ના રોજ તત્કાલીન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વચ્ચે આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ૩૦ વર્ષ માટે થયેલા આ કરાર મુજબ ઉનાળા દરમિયાન ફરક્કા બેરેજ ખાતે પાણીની ઉપલબ્ધતાના આધારે બંને દેશો વચ્ચે ચોક્કસ ફોર્મ્યુલાથી પાણી વહેંચવામાં આવે છે, જે મુદત આ વર્ષે પૂરી થવાની હોવાથી વહીવટી અને રાજકીય ગરમાવો વધ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
