News of Friday, 7th August 2026
માત્ર ૧૦ લોકોની વસ્તી ધરાવતું સ્પેનનું શાંત ગામ અચાનક બનશે દુનિયાનું કેન્દ્ર: ૧૨ ઓગસ્ટે સર્જાનારા દુર્લભ સૂર્યગ્રહણને જોવા વિશ્વભરમાંથી લોકો દોડ્યા
૧૯૧૨ પછી સ્પેનમાં પ્રથમ વખત દેખાશે પૂર્ણ સૂર્યગ્રહણ, 'ડબલ ટ્વાઇલાઇટ' અને પર્સિડ ઉલ્કાવર્ષાના અદભુત નજારાના સાક્ષી બનવા હોટેલો વર્ષો અગાઉથી ફૂલ

એવેલેનોસા ડી મુન્યો : ઉત્તરી સ્પેનના બર્ગોસ પ્રાંતમાં આવેલું એવેલેનોસા ડી મુન્યો (Avellanosa de Muñó) નામનું એક નાનકડું ગામ, જ્યાં હાલ માત્ર ૧૦ જેટલા લોકો રહે છે, તે ટૂંક સમયમાં જ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં અત્યંત શાંત, ક્યારેય ન ખુલતા બાર અને સન્નાટા માટે જાણીતું આ ગામ આવનારા દિવસોમાં પ્રવાસીઓથી ઉભરાઈ જશે. વિશ્વભરમાંથી લોકો માત્ર એક દિવસ માટે પણ આ ગામમાં પહોંચવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
આ અનોખા ઉત્સાહ પાછળનું કારણ આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ આકાશમાં સર્જાનારી એક દુર્લભ ખગોળીય ઘટના છે. આ દિવસે એટલાન્ટિક મહાસાગર પરથી પૂર્ણ સૂર્યગ્રહણ પસાર થશે, જે ૧૯૯૯ પછી યુરોપના મુખ્ય ભૂમિભાગ પરથી દેખાનારું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ હશે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, ૧૯૧૨ પછી સ્પેનમાંથી દેખાનારું આ પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ છે અને એવેલેનોસા ડી મુન્યો ગામ બરાબર આ ગ્રહણના મુખ્ય માર્ગ પર આવેલું છે.
આ ગ્રહણની સૌથી ખાસ વાત એ છે કે તે સૂર્યાસ્તના થોડા સમય પહેલાં થશે, જેના કારણે "ડબલ ટ્વાઇલાઇટ" (એક જ સાંજે બે વાર અંધારું થવું) જેવી અદ્ભુત ઘટના જોવા મળશે. આ સિવાય તે જ રાત્રે આકાશમાં પર્સિડ ઉલ્કાવર્ષા પણ જોવા મળશે. ગામની ભૌગોલિક સ્થિતિ, ઓછી ઇમારતો અને કૃત્રિમ લાઇટિંગનો અભાવ હોવાથી ખગોળપ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન બની ગયું છે. ગ્રહણ જોવા માટે આસપાસની હોટેલો વર્ષ ૨૦૨૨ થી જ બુક થઈ ગઈ હતી.
એક સમયે ૧૯૫૦ના દાયકામાં ૨૦૦ થી વધુ વસ્તી અને ધમધમતા વેપાર ધરાવતું આ ગામ યાંત્રિક ખેતી અને શહેરો તરફના સ્થળાંતરને કારણે ખાલી થઈ ગયું હતું. પરંતુ આ ગ્રહણને કારણે પૂર્વ રહીશો અને વિદેશી પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. ૧૯૩૭ થી અહીં જ રહેતાં સારા અલ્વારેઝ અને ૭૩ વર્ષીય રાઉલ ગ્રાન્ડે જેવા સ્થાનિકો માટે આ ક્ષણ અત્યંત ભાવુક છે, કારણ કે વર્ષો બાદ ગામની શેરીઓમાં ફરી એકવાર બાળકોનો કિલકિલાટ અને ઉજવણીનો માહોલ જોવા મળશે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
