<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જંતર-મંતરને વિરોધ સ્થળ તરીકે દૂર કરવાના વહીવટી તંત્રના પ્રસ્તાવ સામે આક્રોશ: CJP એ આંદોલન કરવાની આપતા કહ્યું- 'જંતર-મંતરથી હાથ દૂર રાખો'

શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો મૂળભૂત અધિકાર છીનવવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં: જો જંતર-મંતર બંધ થશે તો શું હવે નાગરિકોને ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરવા દેવાશે?

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લાંબા સમયથી વિરોધ પ્રદર્શનો અને જાહેર આંદોલનોનું કેન્દ્ર રહેલા ઐતિહાસિક જંતર-મંતરને નિયુક્ત વિરોધ સ્થળ (Protest Site) તરીકે દૂર કરવાની હિલચાલ સામે રાજકીય પક્ષો અને નાગરિક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાના બંધારણીય અધિકાર પર લાદવામાં આવતા કોઈપણ પ્રતિબંધને તેમની પાર્ટી ક્યારેય સ્વીકારશે નહીં.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની અધિકૃત પોસ્ટમાં સૌરવ દાસે તીખો પ્રહાર કરતા લખ્યું કે, "આપણા જંતર-મંતરથી તમારા હાથ દૂર રાખો!" તેમણે વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવ્યો હતો કે જો નાગરિકો પાસેથી જંતર-મંતર જેવું મુખ્ય વિરોધ સ્થળ પણ છીનવી લેવામાં આવશે, તો દેશના લોકો પોતાના મૂળભૂત અધિકાર મુજબ શાંતિપૂર્ણ વિરોધ ક્યાં નોંધાવશે?

 

પોતાના નિવેદનમાં આગળ વધતા તેમણે સરકારને ઘેરતા કહ્યું કે, "અમારી પાસેથી વિરોધ કરવાનું સ્થળ છીનવી લેતા પહેલાં એ સ્પષ્ટ કરો કે શું તમે હવે ઇન્ડિયા ગેટને આંદોલન માટે નિયુક્ત કરશો, જ્યાં અમે સભા અને વિરોધ કરી શકીએ?" તેમણે આરોપ લગાવ્યો હતો કે ભૂતકાળમાં ઇન્ડિયા ગેટ વિસ્તારને પહેલાથી જ પ્રદર્શન સ્થળ તરીકે બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે જંતર-મંતર સાથે પણ આવો જ અન્યાય કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

 

ઉલ્લેખનીય છે કે જંતર-મંતર દાયકાઓથી દેશભરના નાગરિકો, વિરોધ પક્ષો અને વિવિધ સંગઠનો માટે પોતાની માંગણીઓ અને અવાજ સરકાર સુધી પહોંચાડવાનું એકમાત્ર મુખ્ય માધ્યમ રહ્યું છે. ત્યારે આ સ્થળને બદલવા કે બંધ કરવા અંગે ઉઠેલા સવાલોને કારણે હવે રાજધાની દિલ્હીમાં લોકશાહી અધિકારો અને પ્રદર્શન સ્થળોની ઉપલબ્ધતા અંગે નવેસરથી મોટો વિવાદ ઊભો થયો છે.

(7:30 PM IST)