<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

નવી સંસદ ભવનના મકર દ્વાર પર મંડપ બનાવવાની વિચારણા: તડકા અને મુસળધાર વરસાદથી સાંસદોને બચાવવા લોકસભા સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્દેશ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વરસાદમાં પલળતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં: CPWD અને આર્કિટેક્ટ્સને સંસદની ડિઝાઇન જળવાઈ રહે તે રીતે શેડ બનાવવા અહેવાલ સોંપવા સૂચના

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલુ ચોમાસા દરમિયાન પડી રહેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને નવા સંસદ ભવનના મકર દ્વાર પર એક સુસજ્જ મંડપ (કવર્ડ શેડ) બનાવવાની યોજના આકાર લઈ રહી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં આવતા-જતા સાંસદોને વરસાદ અને કડક તડકાથી રક્ષણ પૂરું પાડવા માટે મકર દ્વાર સામે ઢંકાયેલ વિસ્તાર ઊભો કરવા માટેની શક્યતાઓ તપાસવા સરકારને નિર્દેશ આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) અને આર્કિટેક્ટ્સને નવી ઇમારતની મૂળ ડિઝાઇન સાથે સુસંગત રહે તેવો રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે.

 

નવા સંસદ ભવનનો મકર દ્વાર એ સાંસદો અને વીઆઈપીઓ માટેનો મુખ્ય પ્રવેશદ્વાર છે. જૂની સંસદ ભવનમાં વિવિધ પ્રવેશદ્વારો પર પહેલાથી જ મંડપની સુવિધા હતી, પરંતુ નવી ઇમારતમાં ખુલ્લા વિસ્તારને કારણે વરસાદ દરમિયાન સાંસદોને વાહનોમાંથી ઊતરીને અંદર જતી વખતે પલળવું પડે છે. તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ધોધમાર વરસાદમાં છત્રી વિના સંસદ પરિસરમાં ઊભા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ પ્રવેશદ્વાર પર કાયમી કવર્ડ શેડ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

 

બીજી તરફ, સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના દાન સંબંધિત મુદ્દાઓ અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી અંગે વિપક્ષો દ્વારા ભારે હંગામો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી દળોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહમાં જવાબની માંગ સાથે ચર્ચાની માંગણી કરી છે, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે.

(7:57 PM IST)