હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉંમર માત્ર એક નંબર! ૯૭ વર્ષની વયે સ્ટ્રોકને માત આપીને બેટી બ્રોમેજે પ્લેનની પાંખ પર ચાલીને બનાવ્યો નવો 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ'
છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત 'વિંગ વોક' કરીને અગાઉનો જ કીર્તિમાન તોડ્યો: કંટાળાજનક જીવન જીવવાના બદલે સાહસ પસંદ કરીને હોસ્પિટલ માટે એકત્ર કર્યું કરોડોનું ફંડ

ચેલ્ટનહામ : સાહસ અને જીવંતપણાની કોઈ ઉંમર નથી હોતી તે વાત બ્રિટનના ચેલ્ટનહામના નિવાસી ૯૭ વર્ષીય વૃદ્ધા બેટી બ્રોમેજે સાબિત કરી બતાવી છે. બેટી બ્રોમેજે ઉડતા વિમાનની પાંખ પર સુરક્ષિત ઊભા રહીને હવામાં સફર કરવાની અત્યંત રોમાંચક પ્રવૃત્તિ એટલે કે 'વિંગ વોક' (Wing Walk) સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિશ્વની સૌથી વયોવૃદ્ધ મહિલા તરીકે પોતાનો જ 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' ફરી એકવાર તોડ્યો છે. તેમની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે માત્ર એક જ વર્ષ પહેલા તેઓ ગંભીર સ્ટ્રોકની બીમારીમાંથી સાજા થયા હતા.
પોતાના આ અસાધારણ આત્મવિશ્વાસ અંગે વાત કરતા બ્રોમેજે જણાવ્યું હતું કે, "જો હું આવા સાહસિક કારનામા ન કરું તો હું જીવનથી કંટાળી જાઉં." તેમણે ઉમેર્યું કે વધતી ઉંમર સાથે ડ્રાઇવિંગ છૂટી ગયું છે અને દ્રષ્ટિ પણ નબળી પડી છે, પરંતુ ગુમાવેલી બાબતો પર અફસોસ કરવાના બદલે તેઓ ખુશી આપતી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપે છે. તેમના જણાવ્યા મુજબ, વિમાનની પાંખ પર ઊભા રહીને ઉડવા કરતાં તો નાની વયમાં મેળાઓમાં રાઇડ્સમાં બેસવું વધુ ડરામણું હોય છે! તેમના માટે સૌથી મુશ્કેલ કામ માત્ર પોતાની ટૂંકી હાઇટના કારણે પ્લેનની પાંખ સુધી ચઢવાનું જ હોય છે.
ભૂતપૂર્વ નર્સ રહી ચૂકેલા બ્રોમેજે આ ખતરનાક રેકોર્ડ માત્ર અંગત સિદ્ધિ માટે નહીં પરંતુ ઉમદા હેતુથી કર્યો છે. તેમણે જે હોસ્પિટલમાં સ્ટ્રોકની સારવાર મેળવી હતી તે 'ચેલ્ટનહામ જનરલ હોસ્પિટલ' ના ચેરિટી ફંડ માટે નાણાં એકત્ર કરવા આ સાહસ કર્યું હતું. એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે આધુનિક તબીબી સાધનો ખરીદવામાં કરવામાં આવશે. તેમની આ ઉદારતા અને સાહસિક વૃત્તિની હોસ્પિટલ ચેરિટી અને સમગ્ર વિશ્વમાં ભારે પ્રશંસા થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
