News of Friday, 7th August 2026
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર મોટો વિવાદ: મહુઆ મોઇત્રા કેસમાં કોર્ટના અવલોકન બાદ અભિજીત દિપકે આકરા પ્રહાર કરતા પૂછ્યું- 'શું હવે બધાયે ગોળીઓ ખાવી પડશે?'
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સુરક્ષા ચિંતા અંગેની અરજી ફગાવતા બેન્ચે કહ્યું હતું- 'સ્વાતંત્ર્ય સેનાનીઓએ છાતી પર ગોળીઓ ખાધી છે તો તમે ઇંડાથી ડરો છો?': કોર્ટની કડક ટિપ્પણી બાદ પોલિટિકલ ગરમાવો વધ્યો

નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા સામેના દ્વેષપૂર્ણ ભાષણ (Hate Speech) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી મૌખિક ટિપ્પણી સામે વિવાદ ઊભો થયો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકે શુક્રવારે સુપ્રીમ કોર્ટના આ અવલોકનોની આકરી ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "શું સુપ્રીમ કોર્ટ હવે એવું ઈચ્છે છે કે બધા ગોળીઓ ખાય? જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિપક્ષી નેતાઓ વિરુદ્ધ આ પ્રકારના નિવેદનો આપે છે, ત્યારે સામાન્ય નાગરિક ન્યાયિક વ્યવસ્થા પાસેથી શું આશા રાખી શકે?"
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સુપ્રીમ કોર્ટે દ્વેષપૂર્ણ ભાષણ કેસના સંદર્ભમાં પોલીસ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવાના આદેશ સામે મહુઆ મોઇત્રાની અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સુનાવણી દરમિયાન મહુઆ મોઇત્રા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટને સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ છે, તેથી તેમને વર્ચ્યુઅલી હાજર રહેવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે ભૂતકાળની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મોઇત્રાને ધમકીઓ મળી છે અને અગાઉ તેમના પર ઇંડા પણ ફેંકવામાં આવ્યા હતા.
જોકે, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા મૌખિક ટિપ્પણી કરી હતી કે, "તમે સંસદ સભ્ય છો. રાજકારણમાં પ્રવેશ્યા પછી પણ શું તમે ઇંડા ફેંકવાથી ડરો છો? આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશ માટે પોતાની છાતી પર ગોળીઓ ખાધી છે!" કોર્ટના આ કડક વલણ બાદ મોઇત્રાના વકીલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. નોંધનીય છે કે કોલકાતા હાઈકોર્ટે અગાઉ સાંસદને તપાસમાં સહકાર આપવાની શરતે ૫ ઓક્ટોબર સુધી કોઈપણ કડક કે બળજબરીપૂર્વકની કાર્યવાહી સામે રક્ષણ આપેલું છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
