<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં ઐતિહાસિક મોડ: કાશી-સંભલથી અલગ રસ્તો અપનાવી હિન્દુ-મુસ્લિમ પક્ષો એક ટેબલ પર બેઠા, સુપ્રીમ કોર્ટની પહેલ બાદ સમાધાન મંત્રણા શરૂ

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં ૪૫ મિનિટ સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલ્યા પુરાવા અને દલીલોના આદાન-પ્રદાન: કોર્ટે મીડિયાથી સંપૂર્ણ અંતર જાળવવા આકરા આદેશો જારી કર્યા

મથુરા : જ્ઞાનવાપી અને સંભલ જેવા સંવેદનશીલ ધાર્મિક વિવાદો વચ્ચે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈને એક ખૂબ જ આશાસ્પદ અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. દાયકાઓ જૂનો આ જટિલ વિવાદ કોર્ટની લાંબી કાનૂની લડાઈને બદલે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલાય તે દિશામાં સુપ્રીમ કોર્ટની પહેલ પર એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર, મથુરાના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) ખાતે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમાધાન વાટાઘાટોની ઐતિહાસિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

 

આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન સામાન્ય રીતે જોવા મળતી ઉશ્કેરણીજનક ચર્ચાઓને બદલે અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. આશરે ૩૦ થી ૪૫ મિનિટ સુધી ચાલેલી આ મંત્રણામાં બંને પક્ષોના પ્રતિનિધિઓએ સામસામે બેસીને શાંતિથી પોતપોતાની દલીલો અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કાશી કે સંભલ જેવા કિસ્સાઓથી વિપરીત મથુરામાં બંને પક્ષોએ ટેબલ પર બેસીને સંવાદનો રસ્તો પસંદ કરતા સામાજિક અને ધાર્મિક સૌહાર્દની નવી મિસાલ પ્રસ્થાપિત થવાની આશા જાગી છે.

 

મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ સમાધાન પ્રક્રિયામાં કોઈ બાહ્ય અવરોધ કે બિનજરૂરી વિવાદ ન ઊભો થાય તે માટે કોર્ટે આકરા નિર્દેશો જારી કર્યા છે. મુસ્લિમ પક્ષની વિનંતીને ગ્રાહ્ય રાખીને, કોર્ટે બંને પક્ષોને કડક સૂચના આપી છે કે જ્યાં સુધી સમાધાનનો આખરી કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષે મીડિયા સમક્ષ નિવેદનબાજી કરવી નહીં કે કોઈપણ પ્રકારની માહિતી જાહેર કરવી નહીં. પ્રથમ તબક્કાની આ સફળ બેઠક બાદ હવે આગામી મહત્વપૂર્ણ ચર્ચા માટે ૧૮ ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે.

 

(9:00 PM IST)