હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈના મુલુંડ વિસ્તારમાં ડેવલપમેન્ટ પ્લાનમાં નોંધાયેલો આશરે 9 મીટર પહોળો જાહેર રસ્તો જમીન પરથી ‘ગાયબ’
ભાજપ ધારાસભ્ય મિહિર કોટેચા અને નગરસેવિકા દીપિકા ઘાગેની મુલુંડ પોલીસમાં ફરિયાદ :પોલીસે તપાસ શરૂ કરી BMCના ટી વોર્ડ પાસેથી રસ્તા સંબંધિત સત્તાવાર રેકોર્ડ અને માહિતી માંગી

મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. સામાન્ય રીતે પોલીસ પાસે ચોરી, લૂંટ કે અન્ય ગુનાની ફરિયાદો પહોંચતી હોય છે, પરંતુ અહીં એક જાહેર રસ્તો જ ‘ગાયબ’ થઈ ગયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ભાજપના ધારાસભ્ય મિહિર કોટેચા અને ભાજપની નગરસેવિકા દીપિકા ઘાગે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી સમગ્ર મામલે સત્તાવાર માહિતી અને દસ્તાવેજો માંગ્યા છે.
ભાજપના ધારાસભ્ય મિહિર કોટેચાનો આરોપ છે કે ડેવલપમેન્ટ પ્લાનમાં દર્શાવાયેલા જાહેર રસ્તાને એક ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ રસ્તો જાહેર ઉપયોગ માટે નિર્ધારિત હતો, પરંતુ હાલમાં જમીન પર તેનો કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. મહત્વની વાત એ છે કે BMCના સત્તાવાર DP પ્લાનમાં આ રસ્તો હજુ પણ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે સરકારી રેકોર્ડમાં રસ્તો અસ્તિત્વમાં છે, પરંતુ વાસ્તવિક સ્થળ પર રસ્તો દેખાતો નથી. કોટેચાના જણાવ્યા પ્રમાણે, આ રસ્તો આશરે 9 મીટર પહોળો છે. DP પ્લાનમાં તેને પીળા રંગની પટ્ટી દ્વારા દર્શાવવામાં આવ્યો છે. તેમનો સવાલ છે કે જો રસ્તાના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો તે કોના આદેશથી અને કઈ કાયદેસરની પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યો, તેની તપાસ થવી જરૂરી છે.
મિહિર કોટેચાએ આ ઘટનાને માત્ર રસ્તો ‘ગાયબ’ થવાનો મામલો ગણાવ્યો નથી. તેમણે સરકારી જમીન પર કબજો અને નગર આયોજનના નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, સંબંધિત અધિકારીઓની સંભવિત મિલીભગત વગર આ પ્રકારની અનિયમિતતા શક્ય નથી. તેમણે પોલીસ અને BMCને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જો કોઈ વ્યક્તિ અથવા અધિકારી દોષી જણાય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપની નગરસેવિકા દીપિકા ઘાગે જણાવ્યું કે, જો આ DP રોડ વાસ્તવમાં વિકસાવવામાં આવ્યો હોત તો મુલુંડ વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શક્યો હોત. તેમના જણાવ્યા અનુસાર, આ રસ્તાથી આશરે 25થી 30 હજાર સ્થાનિક રહેવાસીઓને સીધો લાભ મળી શક્યો હોત. આ માર્ગ દ્વારા લોકો લાલ બહાદુર શાસ્ત્રી રોડ પરથી સીધા પોતાના ઘર તરફ જઈ શકતા હતા. હાલમાં રસ્તો ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકોને લાંબો માર્ગ અપનાવવો પડે છે. તેના કારણે મુસાફરીનો સમય વધવાની સાથે દરરોજ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
ફરિયાદ મળ્યા બાદ મુલુંડ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે BMCના ટી વોર્ડ (T Ward)ને પત્ર લખીને સંબંધિત રેકોર્ડ, દસ્તાવેજો અને સત્તાવાર માહિતી માંગ્યા છે. મુલુંડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંતોષ ઘાટેકરે જણાવ્યું છે કે BMC તરફથી જવાબ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. જો તપાસમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર કબજો થયો હોવાનું અથવા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સાબિત થાય છે, તો ફરિયાદના આધારે સંબંધિત લોકો સામે કેસ નોંધાઈ શકે છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
