<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સિંગાપોરમાં હિંદુ ધર્મમાં માનનારાઓની સંખ્‍યામાં વૃદ્ધિ

બાકીના બધા ધર્મનું પાલન કરનારાઓની સંખ્‍યા ઘટી : સિંગાપોરમાં છેલ્‍લા પાંચ વર્ષ દરમિયાન નાસ્‍તિકોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો

સિંગાપોર,તા.૮: સિંગાપોરમાં જનરલ હાઉસહોલ્‍ડ સરવે મુજબ દેશમાં છેલ્‍લા પાંચ વર્ષમાં ધાર્મિક સ્‍વરૂપમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. આ સર્વેક્ષણમાં તે વાત સામે આવી છે કે સિગાપોરમાં લગભગ બધા જ ધર્મોમાં માનનારાઓની સંખ્‍યા ઘટી છે પણ ફક્‍ત હિદુ ધર્મમાં માનનારાની સંખ્‍યા વધી છે.

સરકારી સરવે મુજબ ૧૫ વર્ષથી વધુ ઉંમરની વસ્‍તીમાં હિંદુ જ એકમાત્ર એવો ધર્મ છે જેનું પાલન કરનારાઓની સંખ્‍યા છેલ્‍લા પાંચ વર્ષમાં વધી છે. ૨૦૨૦માં સિંગાપોરની કુલ વસ્‍તીઓમાં હિંદુઓની સંખ્‍યા પાંચ ટકા હતી, જે વર્ષ ૨૦૨૫માં વધીને ૫.૪ ટકા થઈ છે. આમ તેમા ૦.૪ ટકાની સકારાત્‍મક વૃદ્ધિ નોંધવામાં આવી છે. તેનાથી વિપરીત ખ્રિસ્‍તી, તાઓ, ઈસ્‍લામ અને બૌદ્ધ ધર્મમાં માનનારાઓની સંખ્‍યામાં સતત ઘટાડો થયો છે. આંકડાઓ પર ધ્‍યાન રાખીએ તો સૌથી વધારે ઘટાડો ખ્રિસ્‍તીઓમાં થયો છે. તેમની ટકાવારી ૧.૮ ટકા ઘટી છે. જ્‍યારે તાઓ ધર્મના અનુયાયીઓની સંખ્‍યા ૧.૫ ટકા ઘટી છે. જ્‍યારે સૌથી નાટકીય વાત એ છે કે કોઈપણ ધર્મમાં ન માનનારાઓ એટલે કે નાસ્‍તિકોની સંખ્‍યા ઝડપથી વધી છે. છેલ્‍લા પાંચ વર્ષમાં આવા લોકોની સંખ્‍યા ૨૦ ટકાથી વધીને ૨૩.૯ ટકા થઈ છે, જે ૩.૯ ટકાનો મોટો કૂદકો દર્શાવે છે.

 

(10:17 AM IST)