<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પંજાબના રાજકારણમાં મોટા ધડાકાના એંધાણ: રાઘવ ચઢ્ઢા અને પીએમ મોદીની 'ખાસ મુલાકાત'થી ગરમાયું રાજકારણ : શું ભાજપ સોંપશે મોટો તાજ?

આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમા સામેલ થયેલા યુવા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પીએમ મોદી સાથે યોજેલી 'વન-ટૂ-વન' બેઠક બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં તીવ્ર અટકળો શરૂ થઈ

નવી દિલ્હી :  રાજધાની દિલ્હીના રાજકીય ગલિયારામાં અચાનક ત્યારે ભારે હલચલ મચી ગઈ જ્યારે રાજ્યસભાના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા. ચઢ્ઢાએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને એક "યાદગાર સવાર" અને "જ્ઞાનવર્ધક સંવાદ" ગણાવ્યો હતો. આ મુલાકાત માત્ર એક ઔપચારિક મિટિંગ નથી, પરંતુ પંજાબના રાજકીય સમીકરણોને બદલી નાખનારો સંકેત હોવાનું માનવામાં આવે છે. અગાઉ આમ આદમી પાર્ટીના મહત્વના રણનીતિકાર અને પંજાબ સરકારના પડદા પાછળના મુખ્ય સૂત્રધાર ગણાતા ચઢ્ઢા પોતાના સાથી સાંસદો સાથે ભાજપમાં જોડાયા બાદથી જ ભાજપ હાઈકમાન્ડની ગુડ બુકમાં સ્થાન પામી ચૂક્યા છે.

પંજાબમાં આગામી સમયે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પોતાની રાજકીય પ્રવૃત્તિઓ અને વ્યૂહરચનાને આક્રમક બનાવી રહ્યું છે. ચઢ્ઢાની વડાપ્રધાન સાથેની બેઠકના બરાબર એક દિવસ પહેલા શિરોમણી અકાલી દળ (SAD)ના વડા સુખબીર સિંહ બાદલે પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બંને ક્રમિક મુલાકાતો બાદ એવી પ્રબળ અટકળો વહેતી થઈ છે કે ભાજપ પંજાબમાં પોતાના જૂના સાથી અકાલી દળ સાથે ગઠબંધન પુનર્જીવિત કરવા સાથે રાઘવ ચઢ્ઢા જેવા ચહેરાને આગળ ધરીને શહેરી અને મધ્યમ વર્ગના મતદારોને સાધવા માંગે છે. અકાલી દળ હાલમાં પોતાના સૌથી નબળા રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભાજપ-અકાલી દળ અને ચઢ્ઢાનું આ ત્રિકોણ રાજ્યમાં નવું રાજકીય સમીકરણ રચી શકે છે.

પંજાબના મૂળ ધરાવતા અને દિલ્હી-પંજાબના રાજકારણની ઊંડી સમજ ધરાવતા રાઘવ ચઢ્ઢા ભાજપ માટે અમૃતસર, લુધિયાણા અને જલંધર જેવા મોટા શહેરી વિસ્તારોમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. યુવા વર્ગમાં લોકપ્રિયતા, ઉત્કૃષ્ટ વક્તૃત્વ કળા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રોફેશનલ ઈમેજને કારણે ભાજપ તેમને પંજાબ ચૂંટણી માટે મુખ્ય ચહેરો અથવા ચૂંટણી પ્રભારી બનાવીને મોટો દાવ રમી શકે છે. એક સમયે આપનો ગઢ ગણાતા પંજાબમાં હવે પોતાના જ પૂર્વ નેતાના દમ પર ભાજપ કમળ ખિલવવાનો મોટો પ્લાન બનાવી રહ્યું છે, જેનાથી વિરોધી ખેમામાં અત્યારથી જ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે.

(5:09 PM IST)