News of Saturday, 8th August 2026
ભારતમાં કાયદા ઘડવા એ અમારી આંતરિક બાબત": અમેરિકી સાંસદની આકરી ટીકા સામે ભારતનું સણસણતું વલણ
વિદેશી ભંડોળને નિયંત્રિત કરવા લાવવામાં આવેલા FCRA સુધારા બિલ 2026 પર યુએસ કોંગ્રેસમેન રાયલી મૂરે ઊભા કરેલા વાંધાને ભારતે ફગાવ્યો : યુએસ પોતાના દેશમાં વિદેશી ફંડિંગ પર કડક નિયમો રાખતું હોવાનો વિદેશ મંત્રાલયે અપાવ્યો આકરો ચિતાર

નવી દિલ્હી : ભારત સરકારના વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, 2026 (FCRA) પર યુએસ કોંગ્રેસમેન રાયલી મૂરે આપેલા બિનજરૂરી નિવેદન સામે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) અત્યંત આકરું અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન કોંગ્રેસમેને એવો પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો કે આ સુધારા બિલ ભારતમાં રહેલા ચર્ચ અને ખ્રિસ્તી ધાર્મિક સંગઠનોને લક્ષ્ય બનાવી રહ્યું છે અને તેનાથી ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ખતરામાં પડી શકે છે. આ ટીકાનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ભારતમાં કાયદા અને નીતિ-નિયમો બનાવવાની પ્રક્રિયા એ સંપૂર્ણપણે દેશની આંતરિક સાર્વભૌમ બાબત છે અને તેમાં કોઈ પણ વિદેશી હસ્તક્ષેપ સાંખી લેવામાં આવશે નહીં.
ભારતે વૈશ્વિક મંચ પરથી અમેરિકાને તેનું જ અરીસો બતાવતા યાદ અપાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વના અનેક લોકશાહી દેશો પોતાના રાષ્ટ્રીય હિતો અને આંતરિક સુરક્ષા માટે વિદેશી ભંડોળ (Foreign Funding) પર કડક નિયંત્રણો રાખે છે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે ભારતમાં એક અત્યંત પારદર્શક અને મજબૂત બંધારણીય કાયદાકીય માળખું છે. પ્રસ્તાવિત FCRA સુધારા બિલ 2026નો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં બિન-સરકારી સંગઠનો (NGOs) અને સંસ્થાઓ દ્વારા મેળવવામાં આવતા વિદેશી દાનમાં પારદર્શિતા લાવવાનો છે. આ કાયદો ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા પર વિદેશી નાણાંથી થતી કોઈપણ પ્રતિકૂળ અસરને રોકવા માટે એક રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે.
અમેરિકી કોંગ્રેસમેનની એ આશંકાને પણ સરકારે ફગાવી દીધી છે જેમાં દાવો કરાયો હતો કે નોંધણી રદ થતાં જ સરકાર ધાર્મિક મિલકતો પર કબજો જમાવી લેશે. નવા સુધારા મુજબ, જો કોઈ સંસ્થાનું લાયસન્સ રદ થાય છે, તો માત્ર જાહેર સખાવતી મિલકતોનો દુરુપયોગ રોકવા માટે એક વિશેષ સત્તાધિકારીને તેનું અસ્થાયી સંચાલન સોંપવામાં આવશે. બિલમાં સ્પષ્ટ જોગવાઈ રાખવામાં આવી છે કે પૂજા સ્થાનો કે ધાર્મિક સંસ્થાઓના કેસમાં તેમના આધ્યાત્મિક અને ધાર્મિક સ્વરૂપને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના જ વહીવટ કરવામાં આવશે. ભારતના આ કડક અને સ્પષ્ટ સ્ટેન્ડથી વિદેશી મંચો પર ભારતની આંતરિક નીતિઓ પર આંગળી ઉઠાવનારા તત્વોને આકરો સંદેશ મળ્યો છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
