News of Saturday, 8th August 2026
પૂર અને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સંચાર સુધારવા સરકારે ₹50 કરોડના બજેટ સાથે કોમ્યુનિટી રેડિયો મિશન લોન્ચ કર્યું
આપત્તિ સમયે વીજળી અને મોબાઇલ નેટવર્ક ડાઉન થાય ત્યારે સ્થાનિક ભાષામાં તાત્કાલિક ચેતવણી, રાહત સંદેશા અને સરકારી માર્ગદર્શિકા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન : ક્ષતિગ્રસ્ત સ્ટેશનોને ₹11.50 લાખ સુધીની કટોકટી ગ્રાન્ટ મળશે

નવી દિલ્હી : કુદરતી આફતો જેમ કે પૂર, ભૂકંપ કે દરિયાકાંઠાના ચક્રવાત વખતે ઘણીવાર મોબાઇલ ટાવર ધ્વસ્ત થઈ જાય છે અને વીજળી ગુલ થઈ જતાં સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે. આવી કટોકટીની ક્ષણોમાં સામાન્ય લોકો સુધી સચોટ અને જીવનરક્ષક માહિતી પહોંચાડવા માટે ભારત સરકારે એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિટી રેડિયો નેટવર્કને અત્યાધુનિક અને મજબૂત બનાવવા માટે ₹50 કરોડના જંગી બજેટને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના 'ભારતમાં કોમ્યુનિટી રેડિયો ચળવળને સમર્થન' અંતર્ગત 2026-27 થી 2030-31 સુધી સતત કાર્યરત રહેશે : તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આ પ્રક્રિયા ઝડપથી અમલમાં મૂકવા નિર્દેશ અપાયા છે.
કોમ્યુનિટી રેડિયોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સ્થાનિક બોલી અને ભાષામાં ગ્રામીણ વિસ્તારના અંતરિયાળ ખૂણા સુધી સીધો સંવાદ સાધી શકે છે. પૂરની આગોતરી ચેતવણી, હવામાનના પલટા, આરોગ્ય વિષયક સાવચેતીઓ તેમજ સરકારી રાહત શિબિરોની માહિતી તાત્કાલિક પહોંચાડવા માટે આ માધ્યમ આશીર્વાદરૂપ સાબિત થશે. સંકટ સમયમાં કેન્દ્ર કે રાજ્ય સરકારો દ્વારા જારી કરાતા વિશેષ સંદેશાઓનું પ્રસારણ કરવું આ રેડિયો સ્ટેશનો માટે ફરજિયાત રહેશે. આ ફંડિંગની મદદથી નવા રેડિયો સ્ટેશનો સ્થાપવામાં આવશે અને જૂના સ્ટેશનોને અદ્યતન ટેકનોલોજીકલ સાધનો, સોલર પાવર સિસ્ટમ, યુપીએસ અને જનરેટર જેવી પાવર બેકઅપ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે જેથી કોઈપણ વિષમ પરિસ્થિતિમાં પણ પ્રસારણ અટકશે નહીં.
રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નનો ઉત્તર આપતાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને આ યોજનાની મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ કુદરતી આપત્તિ જેમ કે પૂર, વાવાઝોડું કે ભૂકંપ દરમિયાન હાલના કોમ્યુનિટી રેડિયો સ્ટેશનના માળખાને નુકસાન પહોંચે છે, તો તેને ફરીથી ધમધમતું કરવા માટે સરકાર દ્વારા ₹11.50 લાખ સુધીની કટોકટી સહાય પૂરી પાડવામાં આવશે. સરકારની આ દૂરંદેશી પહેલથી આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે અને સ્થાનિક સમુદાયોને આફત સામે રક્ષણ મેળવવામાં એક મજબૂત આધારસ્તંભ મળશે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
