તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 8th August 2026
એશિયામાં પાવર બેલેન્સ બદલતો ભારતનો માસ્ટરસ્ટ્રોક: 'ચિકન નેક'ને મળશે IMT હાઇવે રૂપી શક્તિશાળી ઢાલ
મણિપુરથી થાઇલેન્ડ સુધી વિસ્તરેલા 1,360 કિલોમીટર લાંબા ત્રિપક્ષીય કોરિડોરથી ઉત્તર-પૂર્વની સુરક્ષા મજબૂત થશે અને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે વેપારના નવા દ્વાર ખુલશે : ચીનના પડકાર સામે ભારતનો વ્યૂહાત્મક જવાબ.

નવી દિલ્હી : ભારતે એશિયામાં પોતાની વ્યૂહાત્મક અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે એક કૂટનીતિક માસ્ટરસ્ટ્રોક માર્યો છે. 1,360 કિલોમીટર લાંબો ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ (IMT) ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટ ઉત્તર-પૂર્વ ભારતની ભૂગોળ અને સૂરત બદલવા જઈ રહ્યો છે. આ મેગા કોરિડોર ભારતના પશ્ચિમ બંગાળમાં આવેલા માત્ર 20-22 કિલોમીટર પહોળા અત્યંત સંવેદનશીલ "ચિકન્સ નેક" (સિલિગુડી કોરિડોર) માટે એક શક્તિશાળી રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરશે. ચીનની ચુમ્બી ખીણ નજીક હોવાને કારણે ચિકન્સ નેક પર હંમેશા સુરક્ષા જોખમ રહેતું હતું, પરંતુ આ હાઇવે દ્વારા ભારતને હવે આસિયાન (ASEAN) દેશો સાથે સીધો જમીન માર્ગ મળી જશે, જેનાથી ઉત્તર-પૂર્વીય રાજ્યો કટોકટીના સમયે પણ મુખ્ય ભૂમિ અને વૈશ્વિક બજારથી વિખૂટા નહીં પડે.
આ હાઇવે ભારતના મણિપુરમાં આવેલા મોરેહ સરહદી શહેરથી શરૂ થઈ મ્યાનમારના તામુ, કાલેવા અને નાયપીડો જેવા મહત્વના શહેરોમાંથી પસાર થઈને થાઇલેન્ડના માએ સોટ સુધી પહોંચશે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન 2002માં વિચારાયેલો આ ડ્રીમ પ્રોજેક્ટ મ્યાનમારની ભૌગોલિક સ્થિતિ અને રાજકીય અસ્થિરતાને કારણે અટકેલો હતો, જેને હવે સરકારે 2027 સુધીમાં પૂર્ણ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. આ રોડ કનેક્ટિવિટીથી ઉત્તર-પૂર્વ ભારત માત્ર એક સીમાવર્તી પ્રદેશ મટીને દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી મોટા ટ્રાન્સ-એશિયન ટ્રેડ કોરિડોરનું મુખ્ય આર્થિક કેન્દ્ર (Trade Hub) બની જશે.
કોઈપણ દેશને દેવાની જાળમાં ફસાવ્યા વગર કે સૈન્ય બળના પ્રયોગ વિના ભારતે આ એક જ પ્રોજેક્ટથી છ મુખ્ય વ્યૂહાત્મક લક્ષ્યો સિદ્ધ કર્યા છે. IMT હાઇવે મ્યાનમાર અને થાઇલેન્ડ સાથે સીધો વેપાર વધારશે, સરહદી વિસ્તારોમાં બળવાખોરી ડામવામાં મદદ કરશે અને આસિયાન દેશો પર ચીનના પ્રભાવને સમતોલ કરશે. આ સિવાય, ઉત્તર-પૂર્વના રાજ્યોની આર્થિક નિર્ભરતા વધતા પ્રદેશમાં રોજગારી અને પ્રવાસનને અભૂતપૂર્વ વેગ મળશે. ભારતની 'એક્ટ ઇસ્ટ પોલિસી'નો આ સબળ પુરાવો સાબિત કરશે કે ભારત હવે વૈશ્વિક રાજનીતિમાં માત્ર બચાવ નથી કરતું પણ આક્રમક કૂટનીતિથી નેતૃત્વ કરી રહ્યું છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
