<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

FCRA અને સીમાંકન બિલ પર સંસદમાં ઘમાસાણના એંધાણ: ભાજપ અને કોંગ્રેસ સામસામે: સાંસદોને જારી કરાયા વ્હીપ

ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહમાં કેન્દ્ર સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની તૈયારી વચ્ચે વિપક્ષની ઘેરાબંધી: ડીએમકેના વલણ અને કાયદાકીય મડાગાંઠ વચ્ચે સંસદીય રાજકારણ ચરમસીમાએ

નવી દિલ્હી:  સંસદના ચોમાસુ સત્રના અંતિમ તબક્કામાં કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય મડાગાંઠ વધુ ઘેરી બનવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. સરકાર આગામી અઠવાડિયે બે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બિલો – વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) સુધારા બિલ અને સીમાંકન તથા મહિલા અનામત માટેનું બંધારણ સુધારા બિલ રજૂ કરવા તત્પર છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાસક પક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ બંનેએ પોતાની વ્યૂહાત્મક તૈયારીઓ આખરી ઓપ આપી દીધો છે. ગૃગમાં બળપ્રદર્શન અને મતદાનની શક્યતાઓને જોતાં બંને પક્ષોએ પોતપોતાના સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે કડક વ્હીપ જારી કરી દીધો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર FCRA અને સીમાંકન બિલ મુદ્દે કોંગ્રેસ અને સરકાર વચ્ચે તીવ્ર મતભેદો પ્રવર્તી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાઓના દબાણ હેઠળ કોંગ્રેસ FCRA બિલનો સખત વિરોધ કરી રહી છે અને તેને ગૃહમાં પસાર થતું અટકાવવા માગે છે. બીજી તરફ, સીમાંકન બિલ અંગે દક્ષિણ ભારતના રાજકારણમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સીમાંકનમાં 50% વધારાની બેઠકો અને વસ્તી ગણતરીથી તેને અલગ રાખવાની ખાતરી આપ્યા બાદ તમિલનાડુની શાસક પાર્ટી DMK આ બિલને સમર્થન આપે તેવી પ્રબળ શક્યતા છે, જેનાથી વિપક્ષી એકતામાં ગાબડું પડી શકે છે.

સંસદીય કામગીરીને સુચારુરૂપે ચલાવવા માટે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે તબક્કાવાર ચર્ચાઓ કરી છે. જોકે, બંને પક્ષોમાંથી કોઈ પણ પીછેહઠ કરવા તૈયાર ન હોવાથી મડાગાંઠ યથાવત છે. વિપક્ષી નેતાઓ માંગ કરી રહ્યા છે કે 20 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી અમિત શાહ જાતે ગૃહમાં આવીને નિવેદન આપે. આ ઉપરાંત, વિપક્ષનો પ્રસ્તાવ છે કે FCRA બિલને વધુ સમીક્ષા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) પાસે મોકલવામાં આવે તો જ સીમાંકન બિલ પર સહમતિ સાધી શકાશે, જેને સરકારે સરેઆમ ફગાવી દીધી છે.

સરકાર હાલમાં પોતાની આખરી રણનીતિ ઘડી રહી છે અને આગામી બે દિવસમાં બંને બિલો અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે. એવી પણ ચર્ચા છે કે કેન્દ્ર સરકાર ચાલુ સત્રમાં માત્ર FCRA સુધારા બિલ પસાર કરાવી શકે છે અને સીમાંકન બિલ માટે ભવિષ્યમાં સંસદનું ખાસ સત્ર બોલાવવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જો વિપક્ષના સખત વિરોધ વચ્ચે પણ સરકાર આ બંને બિલો પસાર કરાવવામાં સફળ રહે છે, તો તે વર્તમાન સત્રની સૌથી મોટી રાજકીય જીત ગણાશે, જ્યારે વિપક્ષ માટે પોતાની સાથી પાર્ટીઓને એકજૂથ રાખવાનો મોટો પડકાર ઉભો થશે.

(5:10 PM IST)