News of Saturday, 8th August 2026
તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાને રચ્યું 'ઇસ્લામિક નાટો': મક્કાથી સત્તાવાર લશ્કરી ગઠબંધનની જાહેરાત
ત્રણેય દેશો વચ્ચે સહી થયેલા ઐતિહાસિક સંરક્ષણ કરાર મુજબ એક પર હુમલો એ ત્રણેય પર આક્રમણ ગણાશે : પાકિસ્તાનના ન્યુક્લિયર કવચ હેઠળ આવ્યા તુર્કી અને સાઉદી અરેબિયા

મક્કા: મધ્ય પૂર્વ અને એશિયાના ભૂ-રાજકીય માળખામાં એક મોટો અને અભૂતપૂર્વ પલટો આવ્યો છે. પવિત્ર શહેર મક્કા ખાતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે એક ઐતિહાસિક ત્રિપક્ષીય સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિદેશી અને સંરક્ષણ નિષ્ણાતો દ્વારા આ જોડાણને 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે સાઉદી અને પાકિસ્તાન વચ્ચે થયેલા દ્વિપક્ષીય સંરક્ષણ કરારમાં હવે તુર્કી પણ જોડાઈ ગયું છે, જેણે વૈશ્વિક રાજનીતિમાં મોટી ઉત્તેજના જગાડી છે.
આ કરારની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે આ ત્રણ દેશોમાંથી કોઈપણ એક દેશ પર થતો સશસ્ત્ર હુમલો એ ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. આ સાથે જ તુર્કી અને સાઉદી અરેબિયાને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોનું છત્ર (Nuclear Umbrella) પણ મળી ગયું છે. કરાર મુજબ, સાઉદી અરેબિયાનું $60 બિલિયનનું જંગી સંરક્ષણ બજેટ અને તુર્કીની આધુનિક ડ્રોન ટેકનોલોજી તથા નાટો-ગ્રેડ સેનાને પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા સાથે જોડવામાં આવશે, જેથી એક અતિ શક્તિશાળી સૈન્ય બ્લોક તૈયાર કરી શકાય.
સંયુક્ત નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ ગઠબંધન ઇસ્લામિક એકતા અને દેશોની સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી રચવામાં આવ્યું છે અને ભવિષ્યમાં અન્ય મુસ્લિમ દેશોને પણ તેમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે, આ કરારથી મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન ખોરવાઈ જવાની આશંકા છે. સાઉદી, તુર્કી અને પાકિસ્તાન પોતપોતાના પ્રાદેશિક વિરોધીઓ સામે આ સંયુક્ત કવચનો ઉપયોગ કરી શકે છે, જેના કારણે ઇઝરાયલ, ગ્રીસ, ઇરાન અને અન્ય પાડોશી દેશોની સંરક્ષણ વ્યૂહરચનાઓ પર તેની ઊંડી અસર પડશે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
