<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

જંતર-મંતર પ્રોટેસ્ટ પર દિલ્હી હાઈકોર્ટનો સરકારને તીખો સવાલ : "વિરોધ પ્રદર્શન માટે આખા શહેરને કેમ બંધક બનાવવું?"

વિરોધ પ્રદર્શન માટે નિયુક્ત સ્થળ તરીકે જંતર-મંતરને બંધ કરવા અંગે હાઈકોર્ટની લાલ આંખ : સામાન્ય નાગરિકોની અવરજવર, એમ્બ્યુલન્સ સેવાઓ અને સુરક્ષા વ્યવસ્થા ખોરવાતી હોવાની કોર્ટે વ્યક્ત કરી ગંભીર ચિંતા

નવી દિલ્હી :  દિલ્હીના હૃદયસમા જંતર-મંતર વિસ્તારમાં અવારનવાર થતા વિરોધ પ્રદર્શનો અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે દિલ્હી હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઓલ ઈન્ડિયા દલિત ખ્રિસ્તી અધિકાર સંરક્ષણ સમિતિ દ્વારા જંતર-મંતર પર પ્રદર્શનની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ અમિત મહાજને દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, "રાજધાનીના મધ્યમાં થતા વિરોધ પ્રદર્શનોને કારણે આખા શહેરને શા માટે બંધક બનાવવું જોઈએ?" કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે તે જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે સંપૂર્ણપણે બંધ કરવાનું કેમ વિચારતી નથી.

સુનાવણી દરમિયાન અરજદારના વરિષ્ઠ વકીલ સંજય ઘોષે રજૂઆત કરી હતી કે તેઓ માત્ર 75 લોકોના શાંતિપૂર્ણ વિરોધની પરવાનગી માંગી રહ્યા છે, પરંતુ દિલ્હી પોલીસ જુલાઈ મહિનાથી તેમની અરજી પર કોઈ નિર્ણય લીધા વિના બેસી રહી છે. તેના જવાબમાં એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્મા અને પોલીસે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની સુરક્ષા વ્યવસ્થા તથા કલમ 144નો હવાલો આપ્યો હતો. પોલીસે દહેશત વ્યક્ત કરી હતી કે 75 લોકોની પરવાનગી આપ્યા બાદ ક્યારે આ સંખ્યા 75,000 થઈ જાય તે કહેવું મુશ્કેલ બની જાય છે, જેનાથી શહેરની સુરક્ષા જોખમમાં મુકાય છે.

જસ્ટિસ મહાજને સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તેનાથી સામાન્ય જનજીવન, એમ્બ્યુલન્સ સેવાઓ કે નાગરિકોની સ્વતંત્રતા ખોરવાવી જોઈએ નહીં. વકીલે જ્યારે શાહીન બાગ કેસ અને બંધારણીય અધિકારોનો ઉલ્લેખ કર્યો, ત્યારે કોર્ટે ભારપૂર્વક કહ્યું કે કોઈપણ અધિકાર બીજા નાગરિકોની સગવડતા કરતાં શ્રેષ્ઠ હોઈ શકે નહીં. અંતે, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો હતો કે તેઓ 8 ઓગસ્ટ સુધીમાં અરજદારની વિરોધ પ્રદર્શન માટેની અરજી પર યોગ્ય નિર્ણય લે અને આ સાથે જ અરજીનો આખરી નિકાલ કર્યો હતો.

(5:12 PM IST)