<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

દિવાળી ટાણે મોંઘવારીનો ડંખ: દેશમાં એક જ મહિનામાં ખાંડના ભાવમાં 15%નો તીવ્ર ઉછાળો

શેરડીના ઉત્પાદનમાં જંગી ઘટાડો અને અલ નીનોની અસરથી મીઠાઈઓ મોંઘી બનવાના એંધાણ : ભાવ પર કાબૂ મેળવવા ખાંડ મિલોએ 15 દિવસ વહેલું પિલાણ શરૂ કરવાનો લીધો નિર્ણય

નવી દિલ્હી :  આગામી તહેવારોની મોસમ પહેલા જ સામાન્ય નાગરિકોના ઘરનું બજેટ ખોરવાય તેવા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ખાંડના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે છેલ્લા એક જ મહિનામાં જથ્થાબંધ અને છૂટક બજારમાં ખાંડના ભાવમાં 8 થી 15 ટકા સુધીનો તીવ્ર વધારો નોંધાયો છે. જથ્થાબંધ બજારમાં પ્રતિ ક્વિન્ટલ ₹400 નો વધારો થતાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં કિલો દીઠ ખાંડના ભાવ ₹50 થી ₹55 ની સપાટી વટાવી ગયા છે. આગામી સમયમાં દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી મીઠાઈઓ અને વાનગીઓ મોંઘી બનવાની પૂરેપૂરી શક્યતા છે.

ભાવ વધારા પાછળનું સૌથી મુખ્ય કારણ દેશમાં ઉત્પાદનમાં થયેલો મોટો ઘટાડો છે. શરૂઆતી અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડના ઉત્પાદનની અપેક્ષા હતી, જેની સામે વાસ્તવિક ઉત્પાદન માત્ર 28 મિલિયન ટન જ થયું છે. આ સિવાય અલ નીનોની વિપરીત અસર અને આગામી વર્ષે પણ ઉત્પાદન ઘટવાની આશંકાએ બજારમાં સટ્ટાખોરી અને ગભરાટ ઊભો કર્યો છે. પરિસ્થિતિને થાળે પાડવા અને બજારમાં નવી ખાંડનો પુરવઠો તાત્કાલિક વધારવા માટે ખાંડ મિલોએ આ વર્ષે શેરડીનું પિલાણ અગાઉના સમયપત્રક કરતા 10 થી 15 દિવસ વહેલું શરૂ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.

ખાંડના વધતા ભાવોથી બલરામપુર ચીની અને શ્રી રેણુકા શુગર જેવી શુગર મિલ કંપનીઓને નફો થઈ રહ્યો છે, પરંતુ આ સ્થિતિથી સરકારના મહત્વાકાંક્ષી ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની યોજના)ને મોટો ફટકો પડી શકે છે. જો ખાંડના ભાવ ઊંચા રહેશે તો મિલો ઇથેનોલ બનાવવાની જગ્યાએ ખાંડ બનાવીને સીધી વેચવાનું વધુ પસંદ કરશે. સરકારે બજારમાં સ્ટોક મર્યાદા લાદીને અને મિલોની ઇન્વેન્ટરી પર નજર રાખીને ભાવ નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ છૂટક બજારમાં હજુ સુધી તેની બહુ મોટી અસર જોવા મળી નથી.

(5:12 PM IST)