News of Saturday, 8th August 2026
NEET UG ડોક્ટરો બનવા ઈચ્છુક ઉમેદવારો માટે ખુશખબર: આ વર્ષે દેશમાં 2,925 MBBS બેઠકો વધશે!
કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં આપી મોટી માહિતી : દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 846 થઈ : NMC ટૂંક સમયમાં નવું સીટ મેટ્રિક્સ જાહેર કરશે

નવી દિલ્હી : મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેવા સમયે જ દેશના ભાવિ તબીબો માટે સંસદમાંથી ખૂબ જ પ્રોત્સાહક સમાચાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં 846 મેડિકલ કોલેજો કાર્યરત છે, જેમાં કુલ 1,39,864 MBBS બેઠકો ઉપલબ્ધ છે. આ આંકડો નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા અગાઉ જુલાઈ મહિનામાં જાહેર કરાયેલા 1,36,939 સીટ મેટ્રિક્સ કરતાં 2,925 જેટલો વધારે છે. પરિણામે, NMC ટૂંક સમયમાં જ સુધારેલું (Revised) સીટ મેટ્રિક્સ બહાર પાડશે, જેનાથી વધુ 2,925 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે.
સરકારે રજૂ કરેલા તાજેતરના આંકડા મુજબ, આ શૈક્ષણિક સત્રમાં જ દેશભરમાં 23 નવી મેડિકલ કોલેજો ધમધમતી થશે. સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં ભારતની આરોગ્ય અને શિક્ષણ પ્રણાલીમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. વર્ષ 2014 પહેલા દેશમાં માત્ર 387 મેડિકલ કોલેજો હતી, જે વધીને હવે 846 થઈ ગઈ છે, એટલે કે કોલેજોની સંખ્યામાં 118.6% નો જંગી વધારો થયો છે. દેશના ખૂણે-ખૂણેથી ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ સિદ્ધિ હાંસલ કરાઈ છે.
આ સાથે જ દેશમાં મેડિકલ બેઠકોમાં પણ વિક્રમી વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2014 પહેલાં જ્યાં સમગ્ર દેશમાં માત્ર 51,348 MBBS બેઠકો હતી, તેમાં આજે 172.4% નો ઉછાળો આવીને કુલ સંખ્યા 1,39,864 સુધી પહોંચી ગઈ છે. માત્ર અંડરગ્રેજ્યુએટ જ નહીં પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) મેડિકલ સીટોમાં પણ 176.9% નો વધારો જોવા મળ્યો છે, જે 31,185 થી વધીને 86,360 થઈ ગઈ છે. રાજ્યવાર વિકાસની વાત કરીએ તો બિહાર જેવા રાજ્યોમાં પણ મેડિકલ કોલેજોની સંખ્યા 20 થી વધીને 27 થઈ છે અને MBBS સીટો 77.4% વધીને 4,285 થઈ છે. આ સીટ વધારાથી લાખો નીટ ઉમેદવારો માટે ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવું વધુ આસાન બનશે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
