<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

AMCA પછી હવે 'મિશન 6th Gen': છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ માટે ભારતનો મોટો ધમાકો, ફ્રાન્સની FCAS સિસ્ટમમાં જોડાવા તૈયારી!

સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિને આપી જાણકારી : સ્વદેશી પાંચમી પેઢીના AMCA પ્રોજેક્ટની સાથે જ ભવિષ્યના ડ્રોન, AI અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છઠ્ઠી પેઢીના યુદ્ધ વિમાનોના સહ-વિકાસ માટે ફ્રાન્સ સાથે હાથ મિલાવવાની દિશામાં ઐતિહાસિક કદમ ઉઠાવ્યું

નવી દિલ્હી :  ભારતે પોતાની વાયુસેનાની ક્ષમતાઓને ભવિષ્યના આધુનિક યુદ્ધો માટે તૈયાર કરવાના હેતુથી એક અત્યંત મહત્વકાંક્ષી અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. સ્વદેશી રીતે વિકસાવવામાં આવી રહેલા પાંચમી પેઢીના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટની સાથે જ હવે ભારતે છઠ્ઠી પેઢીના  ફાઇટર એરક્રાફ્ટ વિકસાવવાની વૈશ્વિક દોડમાં પ્રવેશ કરી લીધો છે. સંસદમાં રજૂ કરાયેલા એકશન ટેકન રિપોર્ટ અનુસાર, ભારતીય સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સના નેતૃત્વ હેઠળના ફ્યુચર કોમ્બેટ એર સિસ્ટમ (FCAS) કાર્યક્રમમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા છે. સંસદની સંરક્ષણ વિષયક સ્થાયી સમિતિએ આ મામલે સરકાર પાસે વર્તમાન સ્થિતિ, ભારતની ભૂમિકા અને ચોક્કસ ટાઇમલાઇન સાથેનો વિગતવાર રોડમેપ માગ્યો છે.

ફ્રાન્સની FCAS સિસ્ટમ માત્ર એક ફાઇટર જેટ પ્લેટફોર્મ નથી, પરંતુ તે ભવિષ્યના યુદ્ધક્ષેત્રને સંપૂર્ણપણે બદલી નાખનારી એક એકીકૃત લડાઇ પ્રણાલી s છે. તેમાં માનવસંચાલિત જેટ વિમાનોની સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), આર્ટિફિશિયલ સ્ટીલ્થ ટેકનોલોજી, સેન્સર નેટવર્કિંગ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને સ્વોર્મ ડ્રોન્સ (લોયલ વિંગમેન) એકસાથે રીઅલ-ટાઇમ ડેટા લિંકથી જોડાયેલા હશે. છઠ્ઠી પેઢીની આ ટેકનોલોજી અત્યંત ખર્ચાળ અને જટિલ હોવાથી સ્વતંત્ર રીતે વિકસાવવામાં દાયકાઓ નીકળી શકે તેમ છે. ફ્રાન્સ સાથે સહ-વિકાસ અને સહ-ઉત્પાદન  ના મોડેલ પર આગળ વધીને ભારત ટેકનોલોજી ટ્રાન્સફર મેળવવા અને સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવા તરફ નજર દોડાવી રહ્યું છે.

વિશ્વભરમાં રશિયા, ચીન અને અમેરિકા જેવા સુપરપાવર દેશો છઠ્ઠી પેઢીના એરપાવર પર ઝડપથી કામ કરી રહ્યા છે ત્યારે ભારતનો આ દાવ દેશની સુરક્ષા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. સંસદીય સમિતિનું માનવું છે કે વૈશ્વિક સ્તરે કાર્યરત બે મુખ્ય ગ્રૂપ - (1) બ્રિટન-ઇટલી-જાપાન અને (2) ફ્રાન્સનું FCAS જૂથમાંથી ભારતે વહેલી તકે કોઈ એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં જોડાઈ જવું જોઈએ જેથી ભારત આધુનિક એર કોમ્બેટ ટેકનોલોજીમાં પાછળ ન રહી જાય. જો આ વાતચીત સફળ રહેશે તો ભારત દક્ષિણ એશિયામાં એર સુપ્રીમસી જાળવી રાખવાની સાથે 'આત્મનિર્ભર ભારત' વિઝન હેઠળ પોતાની લશ્કરી ક્ષમતાઓને અનેકગણી વધારી શકશે.

(6:40 PM IST)