<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ: સીએમ વિજય થલાપતિની બેઠકનો DMK-AIADMK સહિત 37 સાંસદો દ્વારા બહિષ્કાર!

સીમાંકનના સંવેદનશીલ મુદ્દે વિજય થલાપતિ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક ફ્લોપ રહી : રાજ્યના કુલ 57 સાંસદોમાંથી 37 સાંસદો ગેરહાજર રહેતા TVK સરકાર સામે વિપક્ષોએ એકજૂટ થઈને મોટો રાજકીય ફટકો માર્યો

ચેન્નાઈ :  તમિલનાડુના રાજકારણમાં આજે એક ભારે ડ્રામા અને મોટો ફટકો જોવા મળ્યો છે. સીએમ વિજય થલાપતિ દ્વારા દક્ષિણ ભારતના રાજ્યોની સંસદીય બેઠકો ઘટવાની ચિંતા વચ્ચે સીમાંકન મુદ્દે એક સામાન્ય વ્યૂહરચના ઘડવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, ચેન્નાઈના કલાઈવાનર અરંગમ ખાતે યોજાયેલી આ બેઠક શરૂ થાય તે પહેલા જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો હતો. રાજ્યના 57 સાંસદોમાંથી શાસક પક્ષ અને તેના વિરોધી એવા મુખ્ય દળો DMK અને AIADMK સહિતના 37 સાંસદોએ આ મહત્વપૂર્ણ બેઠકનો સંપૂર્ણ બહિષ્કાર કરીને સીએમ વિજયની પહેલ પર પાણી ફેરવી દીધું હતું.

આ બહિષ્કારનું નેતૃત્વ ડીએમકે  દ્વારા કરવામાં આવ્યું હતું, જેના તમામ 30 સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત AIADMKના ચાર અને PMK, DMDK તેમજ MNMના એક-એક સાંસદે પણ બેઠકથી અંતર જાળવી રાખ્યું હતું. માત્ર કોંગ્રેસ, VCK, વામપંથી પક્ષો અને IUML મળીને કુલ 20 સાંસદો જ હાજર રહ્યા હતા. ડીએમકેના વરિષ્ઠ સાંસદ કનિમોઝીએ વિજય થલાપતિ પર તીખો હુમલો કરતા જણાવ્યું કે આ બેઠક માત્ર કાવેરી નદીના ગંભીર મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો એક પબ્લિસિટી સ્ટંટ છે. કનિમોઝીએ ઉમેર્યું કે જ્યારે કેન્દ્ર સરકારે હજુ સુધી સીમાંકન બિલનો કોઈ ડ્રાફ્ટ જ રજૂ કર્યો નથી, ત્યારે આવી ચર્ચા કરવાનો કોઈ અર્થ જ સરતો નથી.

બીજી તરફ, ટીવીકે અને કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે બહિષ્કાર કરનારા પક્ષો સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જે રાજકીય પક્ષો તમિલનાડુના અધિકારો અને હિતોને પક્ષીય રાજકારણથી ઉપર રાખે છે તેઓ જ આ બેઠકમાં હાજર રહ્યા છે અને રાજ્યની જનતા આ બધું જોઈ રહી છે. દક્ષિણના રાજ્યોમાં વસ્તી નિયંત્રણના સફળ અમલ બાદ સંસદીય સીટો ઘટી જવાનો ભય સતત સતાવી રહ્યો છે.

(6:41 PM IST)