<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

હોર્મુઝના તણાવ સામે રશિયાનો આર્કટિક અને વેનેઝુએલાના તેલ ક્ષેત્રો બનશે 'સુરક્ષા કવચ'

યુદ્ધના જોખમો વચ્ચે ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા ભારતે 'પ્લાન-બી' કર્યો એક્ટિવ : ઓએનજીસી વિદેશ હવે વેનેઝુએલાના વિશાળ તેલ ક્ષેત્રોનો સીધો કારોબાર સંભાળશે અને રશિયાથી આર્કટિક એલએનજીનો નવો પુરવઠો મેળવશે

નવી દિલ્હી ;  વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા જળમાર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ જવાના ભય વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને અખંડ રાખવા માટે એક મોટો અને વ્યૂહાત્મક 'પ્લાન-બી' અમલમાં મૂક્યો છે. પર્શિયન અખાતના દેશોમાંથી થતી પરંપરાગત આયાત પરનું જોખમ ઘટાડવા માટે નવી દિલ્હીએ તેના જૂના મિત્ર રશિયા અને દક્ષિણ અમેરિકાના તેલ સમૃદ્ધ દેશ વેનેઝુએલા સાથેના સંબંધોને એક નવા સ્તરે પહોંચાડ્યા છે. ભારત રશિયાના અત્યંત પડકારજનક આર્કટિક ક્ષેત્રમાંથી પ્રવાહી કુદરતી ગેસ (LNG) ની આયાત ઝડપી બનાવવા તૈયારી કરી રહ્યું છે, સાથે જ ઉત્તરીય સમુદ્રી માર્ગ ના માધ્યમથી સુરક્ષિત અને અવિરત ઈંધણ પરિવહન માટે રશિયા સાથે 2029 સુધીના કર સહકાર કાર્યક્રમ હેઠળ ઝડપથી આગળ વધી રહ્યું છે.

બીજી તરફ, દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલા સાથે ભારતે ઊર્જા ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. વેનેઝુએલાના નવા સુધારેલા પેટ્રોલીયમ કાયદાનો લાભ ઉઠાવીને ભારતની રાષ્ટ્રીય કંપની ઓએનજીસી વિદેશ હવે 'સાન ક્રિસ્ટોબલ'અને 'કારાબોબો-1'  નામના બે વિશાળ તેલ ક્ષેત્રોનું સીધું સંચાલન સંભાળવા જઈ રહી છે. અત્યાર સુધી અમેરિકી પ્રતિબંધો અને કાનૂની ગૂંચવણોના કારણે ભારત માત્ર જૂના બાકી ડિવિડન્ડની વસૂલાત પૂરતું મર્યાદિત ક્રૂડ ઓઇલ મેળવતું હતું. પરંતુ નવી જોગવાઈઓ અને કાનૂની સ્પષ્ટતા મળતાં, ONGC ને આ કુવાઓમાંથી સીધું તેલ ઉત્ખનન કરવા, દૈનિક ઉત્પાદન વધારવા અને ભારતીય રિફાઇનરીઓ સુધી સીધું ક્રૂડ પહોંચાડવાની પૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ છે.

આ વ્યૂહાત્મક બદલાવ ભારત માટે માત્ર એક સાધારણ વિકલ્પ નથી પરંતુ ભવિષ્યની દીર્ઘકાલીન ઊર્જા ગેરંટી સમાન છે. રશિયાના આર્કટિક એલએનજી પ્રોજેક્ટથી ભારતના ગેસ આધારિત ઉદ્યોગોને મોટો ટેકો મળશે, જ્યારે વેનેઝુએલાથી મળનારા ક્રૂડ ઓઇલના જથ્થાથી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જાળવી શકાશે. વિદેશ નીતિ, સાર્વભૌમત્વ અને આર્થિક મુત્સદ્દીગીરીના આ સફળ સમન્વયથી ભારતે વૈશ્વિક મંચ પર સાબિત કરી દીધું છે કે અખાતી દેશોના સંકટ કે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ તે પોતાની 140 કરોડ જનતા માટે ઊર્જાનો પુરવઠો જાળવી રાખવા પૂરી રીતે સક્ષમ છે.

\

(6:42 PM IST)