<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પંજાબના રાજકારણમાં મોટા ભુકંપના એંધાણ: પીએમ મોદી અને સુખબીર બાદલની સિક્રેટ મીટિંગથી NDA માં ઘરવાપસીની અટકળો તેજ

2020ના ખેડૂત આંદોલન બાદ ભાજપથી છેડો ફાડનાર શિરોમણી અકાલી દળે હવે મહિલા અનામત અને સીમાંકન બિલને આપ્યું ખુલ્લું સમર્થન

ચંદીગઢ  :  પંજાબના રાજકારણમાં એક સમયે અજેય ગણાતી ભાજપ અને શિરોમણી અકાલી દળની જોડી ફરી એકવાર સાથે આવી રહી હોવાની વાતોથી રાજકીય ગરમાવો આવી ગયો છે. સુખબીર સિંહ બાદલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તાજેતરની ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ અકાલી દળે મહિલા અનામત અને સીમાંકન બિલને તાત્કાલિક લાગુ કરવાનું સમર્થન જાહેર કર્યું છે. 2020માં કૃષિ કાયદાઓના વિરોધમાં NDAમાંથી બહાર નીકળેલા અકાલી દળનું આ વલણ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા બંને જૂના સાથીઓ વચ્ચે વધી રહેલી નિકટતાનો મોટો પુરાવો માનવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ પણ અકાલી દળના આ પગલાંનું સ્વાગત કર્યું છે, જેનાથી ગઠબંધનની વાતોને વધુ બળ મળ્યું છે.

જોકે, પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ બંને પક્ષો માટે આસાન નથી. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રચંડ વિજયે અકાલી દળ અને ભાજપ બંનેનો પરંપરાગત વોટબેંકનો આધાર હચમચાવી દીધો હતો. પંજાબમાં અકાલી દળના વરિષ્ઠ નેતા સિકંદર સિંહ મલુકાએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે રાજ્યની સ્થિતિ જોતાં ભાજપ-અકાલી દળનું ગઠબંધન સમયની માંગ છે. પરંતુ, ખેડૂત આંદોલનની જૂની કડવાશ અને સીટોની વહેંચણીની શરતો હજુ પણ એક મોટો કોયડો છે, જેને ઉકેલવા બંને પક્ષો અંદરખાને વિચાર-વિમર્શ કરી રહ્યા છે.

અકાલી દળ હવે તમામ રાજ્યો માટે બેઠકોમાં એકસમાન 50 ટકાનો વધારો અને વાજબી સીમાંકનની માંગ કરીને રાજ્યના અધિકારોની વાત પણ મજબૂતીથી મૂકી રહ્યું છે. બીજી તરફ, સ્થાનિક ભાજપ નેતાગીરી આ મુલાકાત અંગે મૌન સેવી રહી છે જ્યારે અકાલી પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ મુલાકાતની પુષ્ટિ કરી છે. પંજાબના રાજકીય ચિત્રમાં 'આપ'નો સામનો કરવા માટે શિરોમણી અકાલી દળ અને ભાજપનું આ નવું રાજકીય સમીકરણ રાજ્યના ભવિષ્યના રાજકારણની દિશા નક્કી કરશે.

(6:43 PM IST)