હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીનીવામાં ભારતીય મોરનો અનોખો દબદબો: યુએન કાર્યાલયમાં પહોંચ્યા પાંચ 'નવા રાજદ્વારીઓ'
ચીનની 'પાંડા ડિપ્લોમસી' સામે ભારતની 'મોર ડિપ્લોમસી': જીનીવાના પેલેસ ઑફ નેશન્સ પરિસરમાં વસતી પુનઃજીવિત કરવા ભારતે ભેટ આપ્યા ૪ વાદળી અને ૧ દુર્લભ સફેદ મોર

જીનીવા : વૈશ્વિક મંચ પર ભારતનો રાજદ્વારી પ્રભાવ વધારવા માટે હવે દેશના રાષ્ટ્રીય પક્ષી મોરે એક અનોખી અને રોચક ભૂમિકા ભજવી છે. જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કાર્યાલય 'પેલેસ ઑફ નેશન્સ' ખાતે ભારત તરફથી ભેટમાં આપવામાં આવેલા પાંચ યુવાન નર મોર સુરક્ષિત રીતે આવી પહોંચ્યા છે. ચીન જે રીતે પોતાની 'પાંડા ડિપ્લોમસી' માટે જાણીતું છે, તેને કડાકજવાબ આપતાં યુએન જીનીવાએ આ મોરને પોતાના સૌથી તેજસ્વી અને રંગબેરંગી 'નવા રાજદ્વારીઓ' તરીકે વધાવ્યા છે. આ ખાસ ભેટમાં ચાર પરંપરાગત વાદળી મોર અને એક અત્યંત દુર્લભ સફેદ મોરનો સમાવેશ થાય છે, જે યુએન મિશનના મૂળ વાદળી અને સફેદ રંગ સાથે અદ્ભુત રીતે મેચ થાય છે.
આ અનોખી ભેટ પાછળનો મુખ્ય હેતુ જીનીવા કેમ્પસમાં ઘટી ગયેલી મોરની વસ્તીને ફરીથી સમૃદ્ધ કરવાનો છે, જ્યાં માત્ર એક જ મોર બચ્યો હતો. આ પરંપરા ૧૯૮૧માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવી હતી જ્યારે તેમણે પ્રથમ વખત જીનીવામાં મોરની જોડી મોકલી હતી. ભારતના યુએન મિશનના કાયમી પ્રતિનિધિ અરિંદમ બાગચીએ આ પરંપરા આગળ વધારવા બદલ ગર્વ વ્યક્ત કર્યો છે. હાલમાં આ પાંચેય મોરને ખાસ 'એરિયાના પાર્ક'માં બનેલા મોટા પક્ષીગૃહમાં રાખવામાં આવ્યા છે. લગભગ ૩ મહિના સુધી તેમને આ નવા વાતાવરણમાં ટેવાવાની તક અપાશે, ત્યારબાદ જ તેમને કેમ્પસમાં મુક્તપણે ફરવાની મંજૂરી મળશે.
જોકે, જીનીવાના પ્રાકૃતિક વાતાવરણમાં આ મોરના રક્ષણ માટે સ્થાનિક શિયાળ સૌથી મોટો પડકાર બની રહે તેમ છે. નિષ્ણાતો અને પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ, નાના મોર ઘણીવાર ઝાડની નીચી ડાળીઓ પર ઊંઘવાની ભૂલ કરે છે જ્યાં શિયાળ તેમના પર હુમલો કરી શકે છે, તેથી તેમની સુરક્ષા માટે સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ પાંચેય મોર એક જ વર્ષમાં જન્મેલા નર મોર હોવાથી તેઓ સાથે મોટા થશે અને એકબીજા સાથે શાંતિથી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારતે લીધેલા આ કૂટનીતિક અને પર્યાવરણીય પગલાંથી યુએન પરિસરમાં ભારતની સાંસ્કૃતિક છાપ વધુ મજબૂત બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
