News of Saturday, 8th August 2026
બંગાળના રાજકારણમાં મોટો ધડાકો: TMCના પૂર્વ ધારાસભ્ય સનત ડેની ધરપકડ, પોલીસે ગાડીમાં બેસાડતાં જ લોકોએ 'ચોર-ચોર'ના નારા લગાવ્યા!
ચૂંટણી પછીની હિંસા, તોડબાજી અને જમીનો પચાવી પાડવાના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી; દત્તાપુષ્ટમાંથી દબોચી લેવાતાં ભાજપ કાર્યકરો અને સ્થાનિકોનો વિરોધ!

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના નૈહાટી વિધાનસભા ક્ષેત્રના તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ ધારાસભ્ય સનત ડેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સનત ડેને દત્તાપુષ્ટ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ઝડપી પાડ્યા હતા.
TMCના પૂર્વ ધારાસભ્ય સનત ડે પર વર્ષ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી બાદ આચરાયેલી હિંસામાં સક્રિયપણે સામેલ હોવાના ગંભીર આક્ષેપો છે. આ ઉપરાંત તેમની સામે સ્થાનિક સ્તરે વેપારીઓ પાસેથી બળજબરીપૂર્વક તોડબાજી કરવા અને ગેરકાયદેસર રીતે લોકોની જમીનો પચાવી પાડવાની અનેક ફરિયાદો નોંધાયેલી હતી. ધરપકડ બાદ જ્યારે પોલીસ સનત ડેને નૈહાટી પોલીસ મથકે લઈ જઈ રહી હતી ત્યારે ત્યાં એકઠા થયેલા ભાજપના કાર્યકરો અને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ 'ચોર-ચોર'ના જોરદાર નારા લગાવી હોબાળો મચાવ્યો હતો.
નોંધનીય છે કે, સનત ડે ૨૦૨૪ની પેટાચૂંટણીમાં નૈહાટી બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. અગાઉના નેતા પાર્થ ભૌમિક બારકપુરથી સાંસદ બનતાં ખાલી પડેલી આ સીટ પરથી સનત ડે જીત્યા હતા. જોકે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુમિત્રો ચેટર્જી સામે તેમનો ૧૦,૦૦૦થી વધુ મતોથી પરાજય થયો હતો.
પોતાના વિસ્તારમાં તાનાશાહી અને ભયનો માહોલ ઊભો કરનાર પૂર્વ ધારાસભ્ય સામે જનતામાં લાંબા સમયથી ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. અગાઉ એક વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા લોકોએ તેમના પર ઈંડા ફેંકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલમાં બંગાળ પોલીસે સનત ડે વિરુદ્ધ કાયદાકીય શિકંજો કસીને વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
