હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીના દેવલીમાં મુસળધાર વરસાદ વચ્ચે ભારે આફત: પ્રાઈવેટ પાર્કિંગની દીવાલ ધડાકાભેર ધરાશાયી થતાં ૧૦થી વધુ લક્ઝ્યુરિયસ કારો કાટમાળમાં દટાઈ!
MCDની બેદરકારી અને નબળા ડ્રેનેજ વર્કના લીધે પાયો ધોવાતાં ભયાનક અકસ્માત; રૂ. ૧૮૦૦ ભાડું ચૂકવતા વાહન માલિકોને મસમોટો આર્થિક ફટકો, સદનસીબે જાનહાનિ ટળી!

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર (NCR) વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા તોફાની વરસાદ વચ્ચે દેવલી વિસ્તારમાંથી એક મોટી અને ભયાનક દુર્ઘટના સામે આવી છે. દેવલી ખાતે આવેલા એક પ્રાઈવેટ પાર્કિંગ લોટની ઊંચી દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલી ૧૦થી પણ વધુ ફોર-વ્હીલ કારો કાટમાળ નીચે દબાઈને કૂચડો થઈ ગઈ હતી. સદનસીબે આ બનાવ સમયે કોઈ નાગરિક ત્યાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહન માલિકોને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઘટના અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતાં સ્થાનિક લોકોએ દિલ્હી નગર નિગમ (MCD)ની ઘોર બેદરકારીને આ હોનારત માટે જવાબદાર ઠેરવી છે. રહીશોના જણાવ્યા મુજબ, પાર્કિંગની પાછળની ગલીમાં સીવર અને ડ્રેનેજ લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આખી ગલી ખોદી નાખવામાં આવી હતી અને વરસાદનું પાણી સતત ત્યાં એકઠું થઈ રહ્યું હતું. ચોમાસાના ભરાયેલા પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દીવાલનો પાયો એકદમ નબળો પડી ગયો હતો અને આખરે દીવાલ ધસી પડી હતી.
પીડિત વાહન માલિકોએ જણાવ્યું હતું કે, તેઓ આ જગ્યાને સંપૂર્ણ સુરક્ષિત માનીને ગાડી દીઠ દર મહિને રૂ. ૧,૫૦૦થી રૂ. ૧,૮૦૦ જેટલું અધધ ભાડું ચૂકવીને છેલ્લા ૮ વર્ષથી અહીં વાહનો પાર્ક કરતા હતા. આટલા વર્ષોમાં ક્યારેય આવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી. માત્ર તંત્રની બેદરકારી અને ગટર લાઈનની અધૂરી કામગીરીના કારણે જ આ આફત આવી પડી છે, જેને પગલે સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-એનસીઆરમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ રેકોર્ડબ્રેક ૧૨૭ મિમીથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે વર્ષ ૨૦૧૧ પછીનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દિલ્હીના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
