<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

બુલેટ ટ્રેનની સુપરફાસ્ટ સ્પીડ પાછળનું કુદરતી રહસ્ય: 'કિંગફિશર' પક્ષીની ચાંચમાંથી પ્રેરણા લઈને બનાવાઈ અનોખી ડિઝાઈન, જાણો તેની પાછળનું વિજ્ઞાન!

જાપાનના એન્જિનિયરે બાયોમિમિક્રી ટેકનોલોજીથી સોનિક બૂમનો વિસ્ફોટક અવાજ નાબૂદ કર્યો; ટ્રેનની ઝડપ ૧૦% વધી અને વીજળીના વપરાશમાં ૧૫%ની મોટી બચત થઈ!

મુંબઈ : વિશ્વની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેનોમાં ગણાતી બુલેટ ટ્રેનની સ્પીડ અને તેનો આગળથી અણીદાર લુક હંમેશાં લોકોમાં ભારે આશ્ચર્ય જગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુપરફાસ્ટ ટ્રેનના અનોખા આગળના ભાગ (નોઝ)ની ડિઝાઈન પાછળ એક નાનકડા પક્ષીનું મોટું યોગદાન છે? સોશિયલ મીડિયા અને એન્જિનિયરિંગ વર્લ્ડમાં અવારનવાર થતો દાવો કે બુલેટ ટ્રેનની ડિઝાઈન 'કિંગફિશર' (કિલકિલિયા) પક્ષીમાંથી પ્રેરિત છે, તે તથ્ય સંપૂર્ણપણે સાચું છે.

 

જાપાનની સુપ્રસિદ્ધ 'શિંકાનસેન' બુલેટ ટ્રેનના ૫૦૦ સિરીઝ મોડેલને રિ-ડિઝાઈન કરતી વખતે આ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શરૂઆતના સમયમાં જ્યારે બુલેટ ટ્રેન ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ચકરાવે મૂકે તેવી ઝડપે ટનલ (ગુફા)માંથી પસાર થતી હતી, ત્યારે હવાનું ભયાનક દબાણ સર્જાતું હતું. ટ્રેન જેવી ટનલમાંથી બહાર નીકળતી કે તુરંત જ 'સોનિક બૂમ' જેવો જોરદાર ધડાકો થતો હતો. આ અવાજ અને ધ્રુજારી એટલા ભયાનક હતા કે આસપાસના રહેણાંક વિસ્તારોના લોકો ત્રસ્ત થઈ ગયા હતા.

 

આ જટિલ સમસ્યાનો ઉકેલ જાપાની એન્જિનિયર અને પક્ષીપ્રેમી એઇજી નાકાત્સુ (Eiji Nakatsu)એ શોધી કાઢ્યો હતો. તેમણે નિરીક્ષણ કર્યું કે કિંગફિશર પક્ષી જ્યારે હવામાંથી પાણીમાં તીવ્ર ઝડપે ડૂબકી મારે છે, ત્યારે પાણીનો એક છાંટો પણ ઊડતો નથી અને તે એકદમ સરસાઈથી પાણીમાં પ્રવેશી જાય છે. અભ્યાસ કરતા માલૂમ પડ્યું કે કિંગફિશરની ચાંચનો ખાસ અણીદાર આકાર હવા અને પાણી જેવા બે જુદી જુદી ઘનતા ધરાવતા માધ્યમો વચ્ચેના ઘર્ષણને નહિવત કરી દે છે.

 

એન્જિનિયરોએ આ બાયોમિમિક્રી (પ્રકૃતિમાંથી પ્રેરણા લેતી ટેકનોલોજી)નો ઉપયોગ કરીને બુલેટ ટ્રેનનો આગળનો અણીદાર ભાગ ૧૫ મીટર સુધી લાંબો બનાવ્યો હતો. આ નવી ડિઝાઈનના કારણે ટનલમાંથી બહાર નીકળતી વખતે થતો જોરદાર ધડાકો કાયમ માટે બંધ થઈ ગયો. આ ઉપરાંત ટ્રેનની ઝડપમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો હતો અને હવાનું ઘર્ષણ ઘટવાને કારણે વીજળીના વપરાશમાં અધધ ૧૫ ટકા સુધીની બચત શક્ય બની હતી.

 

(7:52 PM IST)