News of Saturday, 8th August 2026
TCS ધર્માંતર અને જાતીય સતામણી કેસમાં મોટો ધડાકો: મુખી આરોપી નિદા ખાનને આશ્રય આપનાર AIMIMના નગરસેવક મતીન પટેલની ધરપકડ!
મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગરથી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહી; બ્રેનવોશિંગ અને બુરખા-ધાર્મિક સાહિત્ય આપવાના ગંભીર આરોપોમાં પોલીસનો સિકંજો!

નાશિક : ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની નાશિક બ્રાન્ચમાં ભારે ચકચાર મચાવનારા 'જાતીય સતામણી અને ધર્માંતર' કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. કેસની મુખ્ય આરોપી નિદા ખાનને કથિત રીતે મદદ કરવા અને છૂપા આશ્રય પૂરા પાડવાના આરોપસર AIMIMના નગરસેવક મતીન પટેલની છત્રપતિ સંભાજીનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, નાશિક સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ આરોપી નિદા ખાનને મરાઠવાડામાંથી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે નિદા ખાન જે મકાનમાં છુપાઈ હતી તે મકાનની સગવડ નગરસેવક મતીન પટેલે કરી આપી હતી. આ મામલે પોલીસે મતીન પટેલને પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તે હાજર થયો નહોતો. આખરે ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમે છત્રપતિ સંભાજીનગર પહોંચીને તેને તાબામાં લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં સામે આવેલા આ વિવાદાસ્પદ પ્રકરણમાં TCS નાશિક બ્રાન્ચના મહિલા કર્મચારીઓનું ધર્માંતર કરાવવા, જાતીય શોષણ કરવા અને વિનયભંગ કરવા અંગે કૂલ ૯ જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલી નિદા ખાનને પાછળથી અદાલતમાંથી જામીન મળ્યા હતા, પરંતુ તેની પૂછપરછ દરમિયાન મતીન પટેલની સંડોવણી સામે આવતાં જ નગરસેવક અને મકાનમાલિક સામે કાનૂની શિકંજો કસવામાં આવ્યો હતો.
તપાસ અહેવાલો મુજબ, આરોપી નિદા ખાન કંપનીની મહિલા કર્મચારીઓને બુરખો અને ધાર્મિક સાહિત્ય આપીને તેમનું બ્રેનવોશ કરવાનો પ્રયાસ કરતી હતી. તેના પર મહિલા કર્મચારીઓના મોબાઈલ ફોનમાં ઈસ્લામિક એપ્લિકેશન્સ ઈન્સ્ટોલ કરાવવા, નમાઝ પઢવાની પદ્ધતિ શીખવવા તેમના ઘરે જવાનો અને હિજાબ પહેરવા માટે માનસિક દબાણ કરવાનો ગંભીર આક્ષેપ છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
