<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર કારી સઈદનું શંકાસ્પદ મોત: મસ્જિદમાં નમાઝ પઢવા જતી વખતે જમીન પર ઢળી પડ્યો, 'અનનોન મેન'ની ચર્ચા ફરી ગરમ!

આતંકી હાફિઝ સઈદનો નજીકનો સાથી અને આતંકવાદીઓના પરિવારજનોને આર્થિક મદદ પૂરી પાડતો કમાન્ડર ઠાર થયો કે હાર્ટ એટેક આવ્યો? રહસ્ય ઘેરાયું!

ઈસ્લામાબાદ : પડોશી દેશ પાકિસ્તાનમાં ભારતવિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સીનિયર કમાન્ડર કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં ભારે ખળભળાટ મચી ગયો છે. કમાન્ડર કારી સઈદ ૧૯૯૦થી લશ્કરના વડા આતંકી હાફિઝ સઈદ સાથે જોડાયેલો હતો અને તેનો અત્યંત ખાસ તથા વિશ્વાસુ માણસ માનવામાં આવતો હતો.

 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે કારી સઈદ ઈસ્લામાબાદ સ્થિત લશ્કર-એ-તૈયબાની 'મસ્જિદ કુબા' ખાતે નમાઝ અદા કરવા પહોંચ્યો હતો. વજુ કર્યા બાદ ખભા પર બેગ લટકાવીને મસ્જિદના મુખ્ય હોલમાં પ્રવેશતી વખતે અને ચંપલ ઉતારવા નીચે બેસતી વખતે જ તે અચાનક ચક્કર આવીને જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાં હાજર લશ્કરના અન્ય સાગરીતો તેને ઉઠાવીને સીપીઆર (CPR) આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેને હોશ ન આવતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

કારી સઈદ લશ્કર-એ-તૈયબાના 'શોબા-એ-વારસા-એ-શોહદા' વિભાગનો વડો હતો અને દક્ષિણ પંજાબમાં સૌથી વધુ સક્રિય હતો. તેનું મુખ્ય કામ ભારતમાં સુરક્ષાદળો દ્વારા ઠાર મરાયેલા આતંકવાદીઓના પરિવારજનોને દર મહિને નાણાકીય સહાય પૂરી પાડવાનું અને મુલ્તાન, બહાવલપુર તથા ડેરા ગાઝી ખાન જેવા વિસ્તારોમાંથી નવા યુવાનોની ભરતી કરીને આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં મોકલવાનું હતું.

 

પાકિસ્તાનમાં અગાઉ પણ ભારતવિરોધી ઝેર ઓકનારા અનેક કુખ્યાત આતંકવાદી કમાન્ડરો અજ્ઞાત બંદૂકધારીઓ (અનનોન મેન)ના હાથે માર્યા ગયા છે. ત્યારે કારી સઈદને કોઈ ઝેર આપવામાં આવ્યું છે, તેની હત્યા કરાઈ છે કે પછી કુદરતી રીતે મોત થયું છે તેને લઈને ભારે સસ્પેન્સ સર્જાયું છે અને આ શંકાસ્પદ મોતે પાકિસ્તાની આતંકી છાવણીઓમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે.

 

(8:19 PM IST)