News of Saturday, 8th August 2026
મુંબઈમાં ૨૪ વર્ષીય લો ગ્રેજ્યુએટે ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી: બે યુવતીઓની બ્લેકમેલિંગ અને ધમકીઓથી કંટાળીને ભરેલું અંતિમ પગલું!
બેંગલુરુમાં અભ્યાસ સમયની ગર્લફ્રેન્ડ અને તેની બહેન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ; ઝઘડો થતાં જ ખોટા કેસમાં ફસાવી દેવાની આપી હતી ધમકી!

મુંબઈ : આર્થિક રાજધાની મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ૨૪ વર્ષીય કાયદાના સ્નાતકે (લો ગ્રેજ્યુએટ) ઈમારતના ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક અગાઉ એક જજ સાહેબ સાથે લૉ ક્લાર્ક તરીકે કામ કરી ચૂક્યો હતો અને હાલ ઘરેથી જ કામ કરતો હતો. બે મહિલાઓ દ્વારા સતત મળી રહેલી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને તેણે આ ઘાતક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવક છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગંભીર તણાવમાં હતો. ૬ ઓગસ્ટના રોજ યુવકની માતા પર તેના બે મિત્રોનો ફોન આવ્યો હતો. મિત્રોએ માતાને જાણ કરી હતી કે યુવક જ્યારે બેંગલુરુમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાં એક યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. સંબંધોમાં તિરાડ પડતાં તે યુવતી અને તેની બહેને યુવકને ફોન પર ધમકીઓ આપવાનું અને પોલીસ કેસમાં ફસાવી દેવાનું કહીને માનસિક રીતે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
માતાએ આ અંગે યુવક સાથે વાત કરતાં તેણે ગર્લફ્રેન્ડ સાથેના બગડેલા સંબંધો અને મળતી ધમકીઓની વાત કબૂલી હતી. વાતચીત દરમિયાન યુવક વધુ ભાવુક અને તણાવગ્રસ્ત થઈ ગયો હતો. તે પોતાના રૂમમાં ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. માતા કંઈ સમજે કે હસ્તક્ષેપ કરે તે પહેલાં જ તેણે ૧૩મા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. નીચે એકત્ર થયેલી ભીડ જોઈ ડ્રાઈવરે માતાને જાણ કરી, અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પુત્રના કરૂણ મોત બાદ આઘાતગ્રસ્ત માતાએ ખેરવાડી પોલીસ સ્ટેશનમાં બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો (દુષ્પ્રેરણા) કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. એફઆઈઆર મુજબ, આરોપી યુવતીઓએ મૃતકના નાના ભાઈના ફોન પર પણ ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા, જેના પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
