<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

આસામના જંગલોમાં ૧૦ લુપ્તપ્રાય ગીધ મુક્ત કરાયા: પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ભારતે રચ્યો નવો ઈતિહાસ!

વિશ્વમાં પ્રથમવાર કેપ્ટિવ-બ્રીડ 'સ્લેન્ડર-બિલ્ડ' ગીધને જીએસએમ-જીપીએસ સેટેલાઇટ ટ્રાન્સમીટરથી સજ્જ કરી કુદરતી આવાસમાં છોડાયા!

ગુવાહાટી : ઈશાન ભારતના આસામ રાજ્યમાંથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. આસામ સરકારે ગીધની ભયજનક રીતે ઘટતી જતી વસ્તીને બચાવવા અને કુદરતી પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે વિશ્વનાથ વાઇલ્ડલાઇફ ડિવિઝનમાં ૧૦ કેપ્ટિવ-બ્રીડ (ઉછેરેલા) ગીધને મુક્ત કર્યા છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી જયંત મલ્લા બરુઆએ તિવારીપાલ સ્થિત જટાયુ એવિએરી ખાતેથી આ પક્ષીઓને મુક્ત કરીને આસામને વૈશ્વિક વન્યજીવ સંરક્ષણના નકશા પર મોખરે મૂકી દીધું છે.

 

આ ઘટના પર્યાવરણ વિદ્યો માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે સમગ્ર વિશ્વમાં આ પ્રથમ ઘટના છે જ્યાં અત્યંત લુપ્તપ્રાય ગીધ પ્રજાતિ 'સ્લેન્ડર-બિલ્ડ' (Slender-billed Vulture) ને જીએસએમ-જીપીએસ (GSM-GPS) સેટેલાઇટ ટ્રાન્સમીટર લગાવીને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હોય. આ ટ્રાન્સમીટરના માધ્યમથી વિજ્ઞાનીઓ અને વન વિભાગના અધિકારીઓ રીઅલ-ટાઇમમાં ગીધના લોકેશન, તેમની હિલચાલ અને કુદરતી વાતાવરણમાં અનુકૂલન અંગે સતત નિરીક્ષણ કરી શકશે.

 

છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ગીધની વસ્તીમાં અંદાજે ૯૯ ટકા જેટલો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ પશુપાલનમાં વપરાતી 'ડાયક્લોફેનાક' (Diclofenac) નામની બિન-મેડિકલ અને ઘાતક દવા છે. આ દવા પીધેલા પશુઓનું મૃત્યુ થાય અને ગીધ તેમના મૃતદેહોનો આહાર બનાવે ત્યારે તેમની કિડની ફેલ થઈ જતાં મૃત્યુ નીપજે છે. ગીધને 'કુદરતના સફાઈ કામદાર' ગણવામાં આવે છે, તેમની ગેરહાજરીથી ગંદકી, બેક્ટેરિયા અને ચેપી રોગો ફેલાવવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

 

આસામ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ આ બ્રીડિંગ અને રિલીઝ પ્રોગ્રામ જંગલી વસ્તીને પુનર્જીવિત કરવામાં અને લુપ્ત થવાના આરે પહોંચેલી સ્લેન્ડર-બિલ્ડ અને સફેદ પીઠ ધરાવતા ગીધની પ્રજાતિઓને નવું જીવન આપવા માટે આશાનું નવું કિરણ બનશે. વન મંત્રીના આ પ્રવાસ દરમિયાન નામેરી ટાઈગર રિઝર્વ ખાતે ફ્લોરિકન ઈકો-ટુરિઝમ ગેટ સહિત અનેક સમુદાય વિકાસ યોજનાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

(9:11 PM IST)