News of Saturday, 8th August 2026
પીઓકેમાં પાકિસ્તાની સેનાના અત્યાચાર અને ગોળીબાર સામે યુનાઇટેડ નેશન્સ લાલઘૂમ: પ્રદર્શનકારીઓના મોત મુદ્દે કડક તપાસની માંગ!
અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ સામે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ગંભીર ચિંતા; શાંતિપૂર્ણ વિરોધ પર કાર્યવાહી માટે જવાબદારી નક્કી કરવા અપીલ!

સંયુક્ત રાષ્ટ્ર (ન્યૂયોર્ક) : પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) માં નાગરિકો પર થઈ રહેલા સૈન્ય અત્યાચાર અને હિંસક ધડપકડ સામે હવે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ સખત વલણ અપનાવ્યું છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ પીઓકેની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો સામે લેવાયેલા હિંસક પગલાં અને નિર્દોષોના મોત માટે પાકિસ્તાન સત્તાવાળાઓએ જવાબદારી સ્વીકારવી પડશે.
યુએન માનવ અધિકાર આયોગના વડા વોલ્કર તુર્કની ચિંતાઓને સમર્થન આપતા સેક્રેટરી-જનરલના ડેપ્યુટી સ્પોક્સપર્સન ફરહાન હકે જણાવ્યું હતું કે, કોઈ પણ લોકશાહી કે પ્રદેશમાં નાગરિકોને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. પીઓકેમાં પ્રાદેશિક ચૂંટણીઓ પહેલાંથી ચાલી રહેલી અશાંતિ દરમિયાન ડઝનબંધ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. આ તમામ મૃત્યુ અંગે તટસ્થ, ઝડપી અને સંપૂર્ણ તપાસ યોજવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, મોંઘવારી, કડક નિયંત્રણો અને અધિકારોની માંગ કરી રહેલા વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોના સંગઠન 'સંયુક્ત આવામી એક્શન કમિટી' (JAAC) પર પાકિસ્તાન સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ લાદી દીધો છે અને તેના નેતાઓની ધડપકડ કરી છે. આ ઉપરાંત પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ અને જાહેર મેળાવડા પર પણ પાબંધી લાદવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાની વહીવટીતંત્રને કડક શબ્દોમાં આહ્વાન કર્યું છે કે તેઓ પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક બહાલ કરે અને સ્થાનિક લોકોની મૂળભૂત ફરિયાદોનો ઉકેલ લાવવા માટે અર્થપૂર્ણ અને સમાવેશી રાજકીય સંવાદ શરૂ કરે. સંયુક્ત રાષ્ટ્રના આ કડક વલણથી આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની મુશ્કેલીઓ અને નાપાક ચહેરો ફરી એકવાર ખુલ્લો પડી ગયો છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
