<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

UPI યુઝર્સ માટે રાહતના સમાચાર: ડિજિટલ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે : સરકારે અફવાઓ પર મુક્યો પૂર્ણવિરામ

P2P વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે : ભવિષ્યમાં માત્ર ચોક્કસ મર્યાદાથી ઉપરના મોટા વેપારી વ્યવહારો પર જ નજીવો MDR લાગુ થવાની શક્યતા : સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને મળશે મોટી રાહત

દૈનિક ખર્ચાઓ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા કરોડો ભારતીયો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો માટે UPI સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે અને તેના પર કોઈ પણ પ્રકારનો ગુપ્ત ચાર્જ વસૂલવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ કે ચાર્જ લાદવાની વહેતી થયેલી અફવાઓને ફગાવતા સરકારે આ શંકાઓ દૂર કરી છે. વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) એટલે કે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે યુઝર્સ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં.

મહત્વનું છે કે સતત વધતા જતા ડિજિટલ પેમેન્ટના ઉપયોગને કારણે સિસ્ટમની સુરક્ષા અને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ભવિષ્યમાં અમુક ફેરફારો પ્રસ્તાવિત છે. જુલાઈ ૨૦૨૬ માં UPI દ્વારા રેકોર્ડબ્રેક ૨,૩૬૬ કરોડ વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય ₹૨૯.૯ લાખ કરોડ પહોંચી ગયું હતું. આટલા વિશાળ નેટવર્કને સાયબર ફ્રોડથી બચાવવા અને વધુ સુરક્ષિત બનાવવા માટે સરકાર PSS કાયદામાં સુધારો કરી રહી છે. આ સિસ્ટમ લાંબા ગાળે આત્મનિર્ભર બને તે માટે ભવિષ્યમાં માત્ર નિશ્ચિત મર્યાદાથી વધુ રકમના મોટા વેપારી (Merchant) વ્યવહારો પર જ ખૂબ જ નજીવો "મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ" (MDR) લાદવામાં આવી શકે છે, જે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ચાર્જિસ કરતા ઘણો ઓછો હશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ સામાન્ય દુકાનદારો, નાના વેપારીઓ કે દૈનિક ખરીદી કરતા ગ્રાહકો પર લાગુ થશે નહીં અને મોટાભાગના ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ ફ્રી રહેશે. આ ઉપરાંત, વિદેશી દબાણ હેઠળ નીતિ બદલવાના અહેવાલોને તદ્દન ખોટા ગણાવતા સરકારે ઉમેર્યું હતું કે ભારતીય UPI પ્રણાલીનો ડંકો હવે વૈશ્વિક સ્તરે વાગી રહ્યો છે અને હાલમાં તે ૧૧ દેશોમાં સફળતાપૂર્વક કાર્યરત છે. નાણા મંત્રાલય અને NPCI નો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને સીમલેસ અને મફત ડિજિટલ અનુભવ આપવાની સાથે સાથે નેટવર્કને સુરક્ષિત અને ટકાઉ બનાવવાનો છે.

(9:56 PM IST)