News of Saturday, 8th August 2026
૧૯૭૦ ના દાયકા જેવી ભયાનક મોંઘવારીની બીજી લહેર આવવાની શક્યતા: શું ફરી એકવાર સોનાના ભાવમાં થશે રેકોર્ડબ્રેક ઉછાળો?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલે રોકાણકારોનું ખેંચ્યું ધ્યાન; ક્રૂડ ઓઇલ અને ઉત્પાદન ખર્ચ વધતાં વૈશ્વિક અર્થતંત્ર સામે મોંઘવારીનું નવું સંકટ!

વોશિંગ્ટન :પચાસ વર્ષ પહેલાં એટલે કે ૧૯૭૦ ના દાયકામાં વૈશ્વિક સ્તરે મોંઘવારીનો એક મોટો આંચકો આવ્યો હતો, જેના કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થયું હતું અને નાણાંનું મૂલ્ય ઝડપથી ઘટવા લાગ્યું હતું. તે સમયે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદીમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો હતો. હવે આશરે પાંચ દાયકા બાદ ફરી એકવાર ૧૯૭૦ ના દાયકા જેવી મોંઘવારીની બીજી લહેર આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે કે કેમ તે અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે (World Gold Council) એક વિશેષ અહેવાલ જારી કર્યો છે.
૧૯૭૦ ના સમયગાળામાં અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં માલસામાન અને સપ્લાય ચેઇનના ખર્ચ વધી જતાં કંપનીઓએ પોતાના ઉત્પાદનોની કિંમતોમાં ભારે વધારો કરવો પડ્યો હતો. કામદારોએ વધુ વેતનની માંગ કરી હતી અને શરૂઆતમાં મોંઘવારી ઓછી થયા બાદ અચાનક તેની બીજી લહેર આવી પહોંચી હતી. હાલના આર્થિક વિશ્લેષકો માને છે કે આજે પણ વૈશ્વિક અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ પૂરું થયું નથી. કંપનીઓનો ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે અને વિવિધ દેશોની સરકારો આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક કરી રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, ૧૯૭૦ ના દાયકા જેવી મોંઘવારીની બીજી લહેર આવવાની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. જો આવી સ્થિતિ સર્જાય તો રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરીકે ફરી સોના તરફ વળશે, જેનાથી સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. જોકે, અહેવાલમાં એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે આજની પરિસ્થિતિ ૫૦ વર્ષ પહેલાં કરતાં ઘણી અલગ છે.
હાલના સમયમાં સેન્ટ્રલ બેંકો પાસે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક અને સ્પષ્ટ નાણાકીય નીતિઓ ઉપલબ્ધ છે. જો મોંઘવારીનું દબાણ વધશે તો યુએસ ફેડરલ રિઝર્વ સહિતની મધ્યસ્થ બેંકો વ્યાજદરમાં વધારો કરી શકે છે, જેથી લોન મોંઘી બનશે અને લોકો તથા કંપનીઓ ખર્ચમાં કાપ મૂકશે. આ પરિબળો સોનાના દરો પર કેવી અસર પાડશે તેના પર હવે સમગ્ર વિશ્વના રોકાણકારોની નજર ટકેલી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
