હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફૂટબોલના મહાન જાદુગર લિયોનેલ મેસ્સી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ: પિતા જોર્જ મેસ્સીનું ૬૮ વર્ષની વયે કરૂણ અવસાન!
લાંબી બીમારી બાદ રોઝારિયોની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ; મેસ્સીને વિશ્વશ્રેષ્ઠ ખેલાડી બનાવવામાં અને તેની સફળ કારકિર્દી ઘડવામાં પિતાએ ભજવી હતી મુખ્ય ભૂમિકા!

રોઝારિયો : આર્જેન્ટિનાના વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીના પિતા અને તેના મુખ્ય માર્ગદર્શક જોર્જ મેસ્સીનું ૬૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. મધ્ય આર્જેન્ટિનાના રોઝારિયો શહેરની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. અર્જેન્ટિનાની પ્રખ્યાત ક્લબ 'ન્યુવેલ્સ ઓલ્ડ બોયઝ' અને દક્ષિણ અમેરિકન ફૂટબોલ કન્ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર શેર કરીને મેસ્સી પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
જોર્જ મેસ્સી વ્યવસાયે કેમિકલ ટેકનિશિયન હતા અને સ્ટીલ ઉદ્યોગમાં કામ કરતા હતા, પરંતુ પોતાના પુત્ર લિયોનેલ મેસ્સીની અસાધારણ પ્રતિભાને ઓળખીને તેમણે પોતાની આખી જિંદગી તેના ભવિષ્ય માટે સમર્પિત કરી દીધી હતી. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં જોર્જ મેસ્સી જ નાની વયના લિયોનેલને ટ્રાયલ માટે સ્પેનની બાર્સેલોના ક્લબમાં લઈ ગયા હતા, જ્યાંથી 'લા માસિયા' એકેડેમીના દરવાજા ખુલી ગયા અને મેસ્સીની ઐતિહાસિક સફર શરૂ થઈ હતી. તેઓ મેસ્સીના એજન્ટ અને બિઝનેસ મેનેજર તરીકે તમામ ટ્રાન્સફર અને નાણાકીય કરારોનું સંચાલન કરતા હતા.
પિતાના અવસાનથી લિયોનેલ મેસ્સી ઊંડા શોકમાં ડૂબી ગયો છે. ભૂતકાળના સંસ્મરણો વાગોળતા મેસ્સીએ એકવાર જણાવ્યું હતું કે, "બાર્સેલોના આવ્યા પછીના શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતા. હું રૂમમાં એકલો રડતો ત્યારે મારા પિતા પણ મારી છુપાઈને રડતા હતા. અમે બંને એકબીજા સામે મજબૂત હોવાનો ડોળ કરતા હતા, પરંતુ મારી દરેક મુશ્કેલ ક્ષણમાં મારા પિતા મારી પાછળ અડીખમ ઢાલ બનીને ઊભા રહ્યા હતા." મેસ્સીને ફૂટબોલ જગતનો સર્વકાલીન મહાન ખેલાડી બનાવવામાં તેના પિતાનું યોગદાન અવિસ્મરણીય રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
