<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સીમાંકન મુદ્દે તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: મુખ્યમંત્રી થલાપતિ વિજયની સર્વપક્ષીય બેઠક બાદ વિધાનસભામાં વિરોધ પ્રસ્તાવ લાવવાનો મોટો નિર્ણય!

કેન્દ્રની સીમાંકન પ્રક્રિયા સામે શાસક TVK ગઠબંધન અને સહયોગી પક્ષો લાલઘૂમ; સંસદમાં બેઠકોની યથાસ્થિતિ જાળવી રાખવા માંગ, વિપક્ષ DMK નો બહિષ્કાર!

ચેન્નાઈ : તમિલનાડુમાં સંસદીય સીમાંકન (Delimitation) ની સંભવિત પ્રક્રિયાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની અધ્યક્ષતામાં યોજાયેલી વિવિધ પક્ષોના સાંસદોની મહત્વપૂર્ણ બેઠક બાદ તમિલનાડુ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં બેઠકોની સંખ્યામાં ફેરફાર કરતી કોઈપણ સીમાંકન પહેલ સામે ઔપચારિક વિરોધ નોંધાવવા માટે તમિલનાડુ સરકાર આગામી વિધાનસભા સત્રમાં એક વિશેષ પ્રસ્તાવ પસાર કરશે.

 

મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠકમાં શાસક ટીવીકે (TVK) ગઠબંધન ઉપરાંત કોંગ્રેસ, વીસીકે, એમડીએમકે, સીપીઆઈ અને સીપીઆઈ(એમ) સહિતના ૧૯ સાંસદોએ હાજરી આપી હતી. બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમિલનાડુ આગામી ૪૦ થી ૫૦ વર્ષ સુધી લોકસભાની બેઠકોની સંખ્યામાં કોઈ બદલાવ ઈચ્છતું નથી. નેતાઓએ માંગ કરી છે કે દેશમાં લોકસભાની કુલ ૫૪૩ બેઠકો અને તમિલનાડુની ૩૯ બેઠકોની હાલની સ્થિતિ કાયમી ધોરણે જાળવી રાખવામાં આવે.

 

જોકે, રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે (DMK) એ આ સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ડીએમકે સાંસદ કનિમોઝીએ મુખ્યમંત્રી વિજયની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવતા કર્ણાટકના મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવવા પડકાર ફેંક્યો હતો. વિપક્ષના આ વલણ સામે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજયે જણાવ્યું હતું કે, "તમિલનાડુના હિતોનું રક્ષણ કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. જે પક્ષે રાજ્યમાં છ વખત શાસન કર્યું છે તે બેઠકમાંથી ગેરહાજર રહે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે."

 

કોંગ્રેસ સાંસદ જ્યોતિમણિએ આ આયોજનને આવકારતા કહ્યું હતું કે, જો દક્ષિણના રાજ્યોની વસ્તી નિયંત્રણની સફળતા બાદ પણ બેઠકો ઘટાડવામાં આવશે તો લોકશાહીનો સાચો અર્થ ખતમ થઈ જશે. તમિલનાડુ સરકારના આ નિર્ણયથી આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સીમાંકન મુદ્દે રાજકીય ઘર્ષણ વધવાના સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.

(10:18 PM IST)