News of Saturday, 8th August 2026
કાનપુરમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને સબક શીખવાડાયો: પાડોશીઓએ દરવાજો બંધ કરી સાસરિયાંને બોલાવ્યા, દોરડાથી બાંધી લાકડીઓથી ફટકાર્યો!
પ્રેમી યુવકને પગ બાંધીને નિર્દયતાથી ૪૦ થી વધુ ફટકા માર્યા; યુવતીને પણ ચંપલ અને લાકડીઓથી માર મરાયો, વીડિયો વાયરલ થતાં પોલીસે હાથ ધરી કાર્યવાહી!

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત વિસ્તારમાંથી પ્રેમ સંબંધને લઈને એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં પોતાની પરિણીત પ્રેમિકાને તેના સાસરિયાના ઘરે મળવા પહોંચેલા પ્રેમી યુવકને પકડીને સગાં-સંબંધીઓ દ્વારા લાકડીઓ વડે નિર્દયતાથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો ૩ મિનિટ અને ૩૭ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડેરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખીરવા ગામના મોહર સિંહ પૂર્વા ખાતે રહેતી યુવતીના લગ્ન ગામના જ એક યુવક સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ પણ મહિલાને પડોશમાં રહેતા અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બે દિવસ પહેલાં જ્યારે પરિવારના સભ્યો ખેતરે કામ અર્થે ગયા હતા, ત્યારે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. યુવક ઘરમાં પ્રવેશતાં જ જાગૃત પડોશીઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને પરિણીતાના સાસરિયાંને આ અંગે જાણ કરી હતી.
પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે બંને રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેનાથી રોષે ભરાયેલા સાસરિયાઓએ યુવકના પગ દોરડાથી બાંધીને તેને લાકડીઓ, લાતો અને મુક્કા વડે ૪૦ થી વધુ ફટકા માર્યા હતા. આ દરમિયાન પરિણીતાને પણ ઘરમાં રહેલી મહિલાઓએ ચંપલ અને લાકડીઓથી ફટકારી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ડેરાપુર પોલીસે તાત્કાલિક નોંધ લીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ધીરેન્દ્ર સિંહે જણાવ્યું કે ઘાયલોને તબીબી તપાસ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને બંને પક્ષોની ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
