News of Saturday, 8th August 2026
આસામમાં પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યો હાસ્ય કલાકાર સમય રૈના: મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી ₹૧૦ લાખની આર્થિક સહાય, સીએમ હિમંતાએ વ્યક્ત કર્યો આભાર!
ભૂતકાળના વિવાદો બાજુ પર મૂકી સમય રૈનાએ બતાવી માનવતા; કારતિક આર્યને પણ આપ્યા ₹૧ કરોડ, રણદીપ હૂડા ગ્રાઉન્ડ ઝીરો પર કરી રહ્યો છે મદદ!

ગુવાહાટી: આસામ હાલમાં ભારે પૂરની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે પીડિતોની સહાયતા માટે જાણીતા કોમેડિયન સમય રૈનાએ ઉદારતા દાખવી છે. સમય રૈનાએ આસામના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹૧૦ લાખનું દાન આપ્યું છે. આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરીને રાજ્યના આ મુશ્કેલ સમયમાં મદદરૂપ બનવા બદલ કોમેડિયનનો જાહેર આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ શેર કરતાં જણાવવામાં આવ્યું હતું કે આ આર્થિક સહયોગ રાહત કાર્યમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. સીએમ હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ રિ-પોસ્ટ કરીને લખ્યું હતું, "આસામના આ કઠિન સમયમાં અમારા રાહત પ્રયાસોમાં યોગદાન આપવા બદલ આભાર, સમય!" ઉલ્લેખનીય છે કે આસામમાં અત્યાર સુધીમાં પૂરના કારણે ૧.૫૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૯૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સમય રૈનાનું આ દાન એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે અગાઉ એક એડલ્ટ કોમેડી શો 'લેટેસ્ટ' દરમિયાન થયેલા વિવાદને લઈને આસામમાં તેની સામે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી હતી. જોકે, તમામ વિવાદોને ભૂલીને સમય રૈનાએ પૂર પીડિતો માટે મદદનો હાથ લંબાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમય રૈના સિવાય બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને પણ ₹૧ કરોડનું દાન આપ્યું છે, જ્યારે અભિનેતા રણદીપ હૂડા પોતે આસામ પહોંચીને ગ્રાઉન્ડ લેવલ પર રાહત કામગીરીમાં સક્રિય યોગદાન આપી રહ્યો છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
