<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

છત્તીસગઢના બિલાસપુરમાં સનસનાટીભરી ઘટના: જેલમાં બંધ સંબંધીના જામીન મેળવવા સ્મશાનગૃહમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ફોટા પર કરાયો કાળો જાદુ!

મૃત માછલીઓ અને તાંત્રિક વિધિની સામગ્રી સાથે યુવક રંગેહાથ ઝડપાયો; સોશિયલ મીડિયાના તાંત્રિકના કહેવાથી રચાયું ભયાનક ષડયંત્ર, પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી!

બિલાસપુર : છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના સિપટ વિસ્તારમાં આવેલા દેવરી ગામના સ્મશાનગૃહમાંથી અંધશ્રદ્ધા અને કાળા જાદુનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગંભીર ગુનામાં જેલમાં બંધ પોતાના સંબંધીને જામીન અપાવવા માટે આરોપીઓએ કોઈ કાનૂની રસ્તો અપનાવવાને બદલે અડધી રાત્રે સ્મશાનગૃહમાં છત્તીસગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રમેશ કુમાર સિંહા અને અન્ય લોકોના ફોટોગ્રાફ્સ મૂકીને તાંત્રિક વિધિ કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે ગામલોકોએ એક યુવકની અટકાયત કરી પોલીસને સોંપી દીધો છે.

ઘટનાની વિગતો અનુસાર, ૭ ઓગસ્ટની મોડી રાત્રે દેવરી ગામના સ્મશાનમાં શંકાસ્પદ હલચલ જોઈને ગ્રામજનો ટોર્ચ લઈને ત્યાં પહોંચ્યા હતા. અંધારાનો લાભ લઈને કેટલાક લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ લોકોએ હિંમત દર્શાવીને રાજકિશોર નગરના રહેવાસી ઋષિકેશ કુમાર નામના યુવકને પકડી પાડ્યો હતો. સ્મશાનની અંદર હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ફોટા પાસે મૃત માછલીઓ, લીંબુ અને કાળા જાદુની અન્ય સામગ્રી વેરવિખેર પડેલી જોઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

 

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી ઋષિકેશે કબૂલાત કરી હતી કે તેનો સંબંધી પ્રિયાંશુ છરાબાજીના ગંભીર કેસમાં જેલમાં બંધ છે. તેને કોર્ટમાંથી જામીન અપાવવાના હેતુથી તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તાંત્રિકના કહેવાથી ન્યાયાધીશના નિર્ણયને પ્રભાવિત કરવા અને તેમને અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી આ અઘોરી વિધિ કરવામાં આવી રહી હતી. સિપટ પોલીસે આરોપીની કસ્ટડી મેળવી સોશિયલ મીડિયા વાયરલ વીડિયોના આધારે ફરાર તાંત્રિક અને તેના અન્ય સાથીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:18 AM IST)